• શુક્રવાર, 18 ઑક્ટોબર, 2024

રમતના વૈશ્વિક કૌશલ્ય-કૌવતનું નિદર્શન

ઊંચા એફિલ ટાવરની નગરી પેરિસ ખાતે વિશ્વના સૌથી મોટા એવા 33મા ઓલિમ્પિયાડ રમતોત્સવ એટલે કે ઓલિમ્પિક ખેલનો આરંભ થયો છે. વિશ્વમાં વિવિધ રમતોની અનેક ટુર્નામેન્ટ્સ સમયાંતરે અલગ અલગ દેશોમાં યોજાતી રહે છે. ઓલિમ્પિકનું મહત્ત્વ અલગ છે કારણ કે એકસાથે અનેક રમતો અહીં દિવસો સુધી રમાશે. રમતનો રોમાંચ શું? આનંદ શું? તેનો એક તદ્દન જુદો માહોલ જોવા મળે. 2036માં ગુજરાત ઓલિમ્પિક રમતોત્સવનું યજમાન બને તેવા ઓરતા પણ સેવાઈ રહ્યા છે. જો કે એવું ન હોય તો પણ રમતપ્રેમીઓ માટે આ ઉત્સવનું મહત્ત્વ તો હતું અને છે.

એક સમય હતો જ્યારે આ રમતોના રેકોર્ડિંગ દિવસો પછી આપણા સુધી પહોંચતાં. સ્પોર્ટ્સ મેગેઝિન્સના પાને તસવીરો જોઈને રાજી થતા ખેલપ્રેમીઓ હવે તો દાયકાઓથી આ બધા ઈવેન્ટ ટીવીના પડદે જીવંત જોઈ શકે છે. શક્ય છે કે રમતનો પ્રકાર કે સ્વરુપ દર્શક માટે નવો હોય કારણ કે લોકપ્રિય તો ક્રિકેટ છે પરંતુ આવા ખેલકુંભમાં રમાતી રમતોનું પોતાનું મહત્ત્વ છે. પ્રત્યેક રમતના નિયમ, તે રમવાની વૈશ્વિક સ્તરની શૈલી, ટોચના ખેલાડીઓનું કૌશલ્ય, ચંદ્રક જીતવાનું ઝનૂન, શારીરિક સૌષ્ઠવ, સ્વસ્થતા, માનસિક વલણ, દબાણ-તણાવ વચ્ચે પણ સભાનતા અને એકાગ્રતા જાળવી રાખવા તે બધું પણ અગત્યનું છે. સાથે જ જૂના વિક્રમો તૂટે, નવા બને તે જોવાનો પણ લહાવો.

પેરિસમાં શરૂ થયેલા ઓલિમ્પિક રમતોત્સવમાં 19 દિવસમાં 32 રમતના જુદા જુદા 329 ઈવેન્ટ્સમાં 206 દેશમાંથી 10500 ખેલાડી ઝૂકાવી રહ્યા છે. 1.34 કરોડ ટિકિટ સ્ટેડિયમમાં જઈને જનારા લોકો વચ્ચે વેચાશે જ્યારે ટેલિવિઝન પર તો 4 અબજથી વધારે લોકો તે નિહાળશે. ઈ.સ. 1900 અને તે પછી 1924માં પેરિસમાં ઓલિમ્પિકનું આયોજન થયા બાદ સદી વિત્યે આ રમતકુંભ પુન: પેરિસમાં યોજાઈ રહ્યો છે. ખેલાડીઓને રહેવા માટે વિશિષ્ટ પ્રકારનું ઓલિમ્પિક વિલેજ બનાવાયું છે. એક સમય હતો જ્યારે ભારત તો આવા રમતોત્સવને સાક્ષીભાવે જોયા કરતું પરંતુ છેલ્લા કેટલાક સમયથી આપણા રમતવીરો- વીરાંગનાઓ ત્યાં પહોંચે છે.

16 રમત માટે ભારતના 117 ખેલાડી ઓલિમ્પિક રમતોત્સવમાં પહોંચ્યા છે. ગુજરાતમાંથી હરમિત દેસાઈ, માનવ ઠક્કર અને ઇલાવેનિવ વાલારિવન તેમાં સમાવિષ્ટ છે.

ભારત સહિત અનેક દેશમાં લોકપ્રિય રમત ક્રિકેટ છે, પરંતુ ઓલિમ્પિક પ્રકારના રમતોત્સવથી વિશેષત: વિદ્યાર્થીઓને અવગત કરાવવા જોઈએ. વિશ્વસ્તરના ખેલાડીઓનું પોતાની રમત પ્રત્યેનું સમર્પણ, કુશળતા, સફળતા માટેનો સંઘર્ષ અને નિષ્ફળતા પછીનું સમતોલપણું જેવા ગુણ આ રમતોત્સવની બાયપ્રોડક્ટ છે. યુવાનો-િકશોરોને આ દૃષ્ટિથી આ રમતોત્સવ જોવા પ્રેરવા જોઈએ.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક