• શુક્રવાર, 18 ઑક્ટોબર, 2024

બજેટ પર રાજકારણ

કેન્દ્રીય બજેટ રજૂ કરતી વખતે નાણાપ્રધાન કોઈ રાજ્યનું નામ બોલે નહીં તો તે રાજ્ય માટે ભારત સરકારની કોઈ યોજના જ નથી એમ કહી શકાય? અમારાં રાજ્યો માટે કોઈ યોજના નથી, નાણાં ફાળવ્યાં નથી, એમ કહીને કૉંગ્રેસ જનતાને ગેરમાર્ગે દોરી રહી છે. આ કૉંગ્રેસના આક્ષેપનો યોગ્ય જવાબ નાણાપ્રધાન નિર્મલા સીતારામને વિરોધીઓને અને ખાસ કરીને કૉંગ્રેસને આપ્યો છે. મહારાષ્ટ્રનું નામ નહીં લીધું એનો અર્થ મહારાષ્ટ્ર પ્રતિ કેન્દ્ર સરકારે દુલર્ક્ષ કર્યું એવો બિલકુલ નથી થતો, એમ નાણાપ્રધાને ભાર દઈને કહ્યું છે.

વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ તો કૉંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં અપાયેલાં વચનો કેન્દ્ર સરકારે બજેટમાં સામેલ કરી દીધાં છે એવો દાવો કર્યો છે. જનતાને કોઈ નક્કર યોજના મળ્યા બદલ કૉંગ્રેસે કેન્દ્ર સરકારનો આભાર જ માનવો જોઈએ, પરંતુ સત્તાના રાજકારણમાં કૉંગ્રેસે મોટું દિલ નહીં દાખવતાં ‘અમારી યોજના લીધીએવો આક્ષેપ કરવામાં જ યશ મેળવ્યાનો આનંદ લીધો.

બીજી બાજુ દેશ માટે કંઈ જ આપ્યું નથી. ફક્ત આન્ધ્ર પ્રદેશ અને બિહાર જેવાં બે રાજ્યોને ભરીભરીને આપ્યું છે એવું પણ તેમનું કહેવું છે. તો પછી કૉંગ્રેસે જે વચનો આપ્યાં હતાં તે એમના દ્વારા શાસિત રાજ્યો અને વોટ બૅન્ક માટે જ હતા?

બિહાર માટે લગભગ 60 હજાર કરોડ અને આન્ધ્ર પ્રદેશ માટે 15 હજાર કરોડ રૂપિયાની યોજનાઓ ઘોષિત કરવામાં આવી છે. આની પાછળ એકમાત્ર કારણ એ નથી કે આ બન્ને રાજ્યોમાં શાસક પક્ષો ભાજપના મુખ્ય સહયોગી છે. બિહાર દેશના સૌથી પછાત રાજ્યોમાંથી એક છે. આન્ધ્ર પ્રદેશના વિભાજન સમયે કૉંગ્રેસની તત્કાલીન કેન્દ્ર સરકારે તેને વિશેષ સહાય આપવાનું આશ્વાસન આપ્યું હતું. એની પણ નોંધ લેવી રહી કે લોકસભાની ચૂંટણી સાથે થયેલી આન્ધ્ર વિધાનસભા ચૂંટણીના સમયે કૉંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરા દ્વારા એ ગેરેન્ટી આપી હતી કે તે આ રાજ્યને દસ વર્ષ માટે વિશેષ શ્રેણીનો દરજજો આપશે. કૉંગ્રેસના નેતાઓ બિહાર માટે પણ વિશેષ પૅકેજ આપવાની માગ કરતા રહે છે. એ હાસ્યાસ્પદ છે કે દિલ્હીમાં કૉંગ્રેસના નેતા એમ કહી રહ્યા છે કે મોદી સરકારે પોતાની સત્તા બચાવવા માટે બિહાર પર કૃપા કરી છે, પરંતુ પટનામાં તેમના જ પક્ષના નેતાઓ એ આક્ષેપ કરી રહ્યા છે કે બજેટમાં રાજ્યને કંઈ નથી મળ્યું. કૉંગ્રેસે હવે સ્પષ્ટ કરવું જોઈએ કે તેના કયા નેતાની વાત માનવી જોઈએ. કૉંગ્રેસ અને તેમના પક્ષ બજેટમાં બિહાર અને આન્ધ્ર પ્રદેશ ઉપરાંત અન્ય રાજ્યોની કહેવાતી ઉપેક્ષાનો આક્ષેપ કરી સંસદની અંદર બહાર ધાંધલધમાલ કરી શકે છે, પરંતુ તેઓ જુઠ્ઠાણાને સાચું સાબિત નહીં કરી શકે. કારણ કે એક તો પૂર્વોદય યોજનામાં જે પાંચ રાજ્યોને સામેલ કરવામાં આવ્યાં છે તેમાં બિહાર અને આન્ધ્ર પ્રદેશ ઉપરાંત ઓડિશા, બંગાળ અને ઝારખંડ પણ છે. તેમ જ આસામને પૂર નિયંત્રણ તથા મહારાષ્ટ્રને સિંચાઈ યોજનાઓ માટે રકમ ફાળવવામાં આવી છે. આવી જ રીતે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરને ઔદ્યોગિક વિકાસ માટે કેન્દ્રીય મદદની જોગવાઈ છે. વિપક્ષના નેતાઓ અને ખાસ કરીને કૉંગ્રેસના નેતાઓએ બજેટનો એકાગ્રતાથી અભ્યાસ કરવાની આવશ્યક્તા છે, જેથી સમજાશે કે કેન્દ્રએ કોઈપણ રાજ્ય સાથે સાવકીમાનું વલણ નથી રાખ્યું.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક