• શનિવાર, 15 ફેબ્રુઆરી, 2025

ટ્રમ્પના બીજા કાર્યકાળ પર વિશ્વની નજર

અમેરિકાના 47ના રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે હોદ્દો સંભાળ્યાની સાથે તેઓનું કેવું વલણ હશે તેના પર વિશ્વની ચિંતાભરી અટકળો પ્રથમ દિવસે જ સાચી ઠરી રહી હોય એવા આદેશ બહાર પડયા છે. ટ્રમ્પે અમેરિકાવાદને પ્રાધાન્ય આપવાના પોતાના ઇરાદાની મક્કમતા દર્શાવીને આગામી દિવસોમાં આર્થિક, વ્યુહાત્મક અને રાજદ્વારી સમીકરણોના નવા વૈશ્વિક અધ્યાય લખાશે એની નક્કર પ્રતિતિ કરાવી આપી છે. અમેરિકા ફર્સ્ટ અને સંરક્ષણવાદના વલણથી પ્રેરિત ટ્રમ્પની વિચારધારા ખરા અર્થમાં કેટલી સફળ થશે એ તો આવનારો સમય કહેશે. પણ ટ્રમ્પવાદના મળી રહેલા સંકેતો અને પ્રારંભિક નિર્ણયોથી વૈશ્વિક સંસ્થાઓમાં અને વૈશ્વિક મુદ્દામાં અમેરિકાની વગમાં આ વલણ અંતરાયરૂપ બની શકે તેમ છે.  

અમેરિકા સરકારના નીતિવિષયક ફેરફારો કરતા હમણાં તો ટ્રમ્પના શપથગ્રહણનો મુદ્દો દુનિયામાં ચર્ચાઇ રહ્યો છે. જે રીતે શપથગ્રહણમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને ખાસ આમંત્રણ અપાયું, તેના પર ઘણાની નજર રહી હતી.  આમ, તો ટ્રમ્પના ભારતીય વડાપ્રધાન નરેદ્ર મોદી સાથે ખાસ વ્યક્તિગત સંબંધ રહ્યા છે.  પણ, તેમણે ચીન સાથે સંબંધ સુધારવાના ઇરાદાથી જે રીતે જિનપિંગને ખાસ આમંત્રણ આપ્યું તે બાબત ધ્યાન ખેંચે તેવી બની રહી છે. એ અલગ વાત છે કે, ચીની રાષ્ટ્રપતિએ ટ્રમ્પનાં આમંત્રણને માન આપવાને બદલે પોતાના પ્રતિનિધિને શપથગ્રહણમાં મોકલવાનું પસંદ કર્યું હતું.  ટ્રમ્પની પ્રકૃતિને જોતાં ચીની રાષ્ટ્રપતિએ શપથગ્રહણનાં આમંત્રણને માન આપ્યું નહીં તેનાથી તેમને નારાજગી જરૂર થઇ હશે. ભારત સાથે અમેરિકાના સંબંધ સારા છે અને તેની ટ્રમ્પને ઝાઝી ચિંતા નથી.  આ તો પ્રથમ કાર્યકાળમાં ચીન સાથેના સંબંધો તાણભર્યા રહ્યા હોવાને લીધે હવે બીજા કાર્યકાળમાં આ તાણ દૂર કરવાનો ટ્રમ્પનો ઇરાદો હોઇ શકે છે.  શપથગ્રહણના દિવસો પહેલાંથી  પોતાના ઇરાદા વ્યક્ત કરતા રહેલા ટ્રમ્પે સત્તા સંભાળ્યાની સાથે અમુક ચાવીરૂપ નિર્ણયો લીધા છે.  મેક્સિકો સરહદેથી ઘુસણખોરી રોકવા, પનામાની નહેર પરત લેવા, કેફી દ્રવ્યોની સિન્ડિકેટોને આતંકવાદી જાહેર કરવાના, અન્યના યુદ્ધથી અળગા રહેવાના, વિશ્વ આરોગ્ય સંસ્થાને છોડવા ઉપરાંત અમેરિકા હવે વેપાર જેવા ચાવીરૂપ ક્ષેત્રમાં જેવા સાથે તેવાનું વલણ લેશે એવા નિર્ણયો સાથે ટ્રમ્પે પોતાના બીજા કાર્યકાળના એંધાણ વિશ્વને આપી દીધા છે.  

ખાસ તો, ટ્રમ્પે વિશ્વમાં શાંતિ સ્થાપવાના અને અમેરિકાને ફરી મહાન બનાવવાના પોતાના એજન્ડાને આગળ ધપાવવાની જે રીતે જાહેરાત કરી તેનાથી તેમનો એક નવા ચહેરા વિશ્વ સમક્ષ છતો થયો છે.  પોતે હવેથી વિશ્વમાં શાંતિદૂત તરીકે ઓળખાવવાનું પસંદ કરશે એવી મહેચ્છા વ્યક્ત કરીને અમેરિકાના નવા રાષ્ટ્રપતિએ આ મહાસત્તા હાલે ચાલતા યુક્રેનના સંઘર્ષમાં કેવું વલણ લેશે તેના પર વિશ્વની નજર મંડાઇ છે.  તો, અમેરિકા ફર્સ્ટની નીતિને અનુસરવાથી દુનિયામાં આર્થિક સંરક્ષણવાદનો વધુ પડકારભર્યો યૂગ શરૂ થશે એવી ભીતી પણ જાગી છે.  આવનારા સમયમાં ટ્રમ્પના વધુ નિર્ણયો અને પગલાં પર દુનિયાની ચિંતાભરી મીટ મંડાયેલી રહેશે.

ઇ-પેપરના નવા શુલ્ક

National

ટ્રમ્પની ભારતના 11 લાખ કરોડના ઓઈલ ઈમ્પોર્ટ પર નજર February 15, Sat, 2025

Sports

ચેમ્પિયન્સ ટ્રોફી અગાઉ ઓસ્ટ્રેલિયાના 2-0થી સૂપડા સાફ કરતું શ્રીલંકા બીજા વન ડેમાં 174 રને મહાવિજય : કાંગારૂ ટીમનો 107 રનમાં ધબડકો February 15, Sat, 2025