ઈરાન
સામેના ઇઝરાયલ-અમેરિકાના યુદ્ધને કારણે ક્રૂડતેલ અને એલપીજી અને સીએનજી ગૅસના પુરવઠા
પર અસર થવાની શરૂઆત થઈ ગઈ છે. જોકે, ભારત માટે આ ઉપરાંત પણ એક ચિંતાની વાત છે, કેમ
કે આ બાબત દેશની ખાદ્ય સુરક્ષા સાથે જોડાયેલી છે. ભારત ખાતર-યુરિયાના કુલ વપરાશમાંથી
ચોથા ભાગની આયાત કરે છે અને એમાંથી 40 ટકા જેટલો પુરવઠો એકલા પશ્ચિમ એશિયામાંથી આવે
છે. વળી, ભારતમાં જે યુરિયાનું ઉત્પાદન થાય છે તેમાંથી 85 ટકા જેટલા પ્રોડક્શનનો મદાર
આયાતી કુદરતી ગૅસ પર છે, જે મોટા ભાગે કતાર, યુએઈ, સાઉદી અરેબિયા અને કુવૈતથી આવે છે.
રશિયાની અૉઇલ રિફાઇનરીઝ પર યુક્રેનના ડ્રૉન હુમલાઓને કારણે વિશ્વના અગ્રણી સલ્ફરના
નિકાસકારોએ નિર્યાત પર પ્રતિબંધ મૂક્યો છે. વળી, ઈરાન યુરિયા અને એમોનિયાનું મોટું
નિકાસકાર છે અને યુદ્ધ વચ્ચે સપડાવા સાથે હૉર્મુઝની ખાડીમાંથી થતા કુદરતી ગૅસનો પુરવઠો
પણ ખોરવાયો હોવાથી ખાતર ઉદ્યોગને બમણો માર પડ્યો છે. ઈરાનનો સીધો હિસ્સો ભારતના ખાતર
ઉત્પાદનમાં બહુ ઓછો છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં છેલ્લે ચાર વર્ષ પહેલાં ખાતરના ભાવ
ઊછળ્યા હતા, જ્યારે રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો. ભારત-ચીન વચ્ચેના સંબંધોમાં આવતા
તાનપલટાને કારણે પણ ભીંસ વધી શકે છે, કેમ કે 2023-24 સુધી ચીન યુરિયા અને ડિ-એમોનિયમ
ફૉસ્ફેટનું સૌથી મોટું સપ્લાયર હતું, પણ બાજિંગ પર મદાર ઘટાડવા માટે ભારતે ગલ્ફ દેશો
પાસેથી આયાત વધારી. ભારત નાઇજેરિયા, ઉઝબેકિસ્તાન તથા ઇન્ડોનેશિયા પાસેથી પણ યુરિયાની
આયાત કરે છે, પણ એનું પ્રમાણ બહુ ઓછું છે. આમ, ભારતીય કૃષિ ક્ષેત્ર પર ભૂ-રાજકીય હલચલો
અને રાજદ્વારી સંબંધોની સીધી અસર થવાની સ્થિતિ સર્જાઈ છે.
ભારતમાં
2012થી સરકારે યુરિયા અને ડિ-એમોનિયમ ફૉસ્ફેટની કિંમતો સ્થિર કરી રાખી છે. ઓછી કિંમતોને
કારણે યુરિયાનો ઉપયોગ બેફામ થાય છે. પરિસ્થિતિ એવી છે કે એક તબક્કે પાકની ઊપજ વધારવા
માટે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહન આપવું પડતું, પણ હવે ચિત્ર સદંતર
ઊંધું છે. આથી, હવે સરકારે ખેડૂતોને ખાતર તરીકે રસાયણોનો ઉપયોગ ઓછો કરવા માટેના પ્રયાસો
હાથ ધરવાની નોબત આવી છે. ભારત માટે ધરપતની વાત એ છે કે ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનાના
અંતમાં ભારત પાસે યુરિયાનો જેટલો અનામત જથો હતો, એનાથી વધુ આ વખતે આ સમયગાળા દરમિયાન
હતો. વળી, આગામી ખરીફ મોસમ જૂનના મધ્યથી શરૂ થવાની હોવાથી અત્યારે માગ તીવ્ર નથી. ભારત
પાસે એક વિકલ્પ ઘરઆંગણે ઉત્પાદન વધારવાનો છે, જેથી વિદેશી ધરતી પર સંઘર્ષોના કટોકટીના
કાળમાં ભીંસમાં ન આવી જવાય. યુદ્ધની અનિશ્ચિતતા અને એ પછી બધું થાળે પડતા કેટલો સમય
લાગશે, એ વિશે કશું જ ખાતરીપૂર્વક કહી શકાય એમ ન હોવાથી માથા પર તલવાર ઝળૂંબતી રહેવાની.