ઈરાનની મજલિસ-એ-ખોબ્રેગન-એ રાહબરી એટલે કે 88 સભ્યોની ઍસેમ્બલી અૉફ ઍક્સપર્ટ્સે ધારણા મુજબ જ અયાતોલ્લાહ અલી ખામેનેઈના પુત્ર મોજતબાને નવા સર્વોચ્ચ નેતા ચૂંટયા. 56 વર્ષના મોજતબા ખામેનેઈનું નામ છેલ્લા ઘણા વખતથી પિતાના અનુગામી તરીકે ચર્ચાતું હતું, પણ શિયા ઇસ્લામ અને ખુદ અલી ખામેનેઈ આ પદ વંશાનુગત થાય એના વિરોધમાં હતા. ઇઝરાયલે તો નવા ઈરાનના સુપ્રીમ લીડરને ફૂંકી મારવાનો સંકલ્પ અને હુંકાર ફરી કર્યો છે. જગત જમાદાર ટ્રમ્પે તોરમાં કહ્યું છે કે, તેણે અમારી મંજૂરી મેળવવી પડશે... જો તે અમારી મંજૂરી નહીં મેળવે તો તે લાંબું નહીં ટકી શકે. રશિયા અને ચીને નવા સર્વોચ્ચ નેતાની પસંદગીને મંજૂરીની મહોર મારતાં નિવેદનો કર્યાં છે અને ઈરાનનું કહેવું છે કે, આ પસંદગી અમારી આંતરિક બાબત છે. ઈરાનના શાસક કોણ હશે એમાં ઈરાનિયનોનો કોઈ અવાજ કે મત હોતો નથી. ઍસેમ્બલી અૉફ ઍક્સપર્ટ્સ આગામી સર્વોચ્ચ નેતાની પસંદગી કરે છે, જેના પર 12 સભ્યોની ગાર્ડિયન કાઉન્સિલ મત્તું મારે એ જરૂરી હોય છે. ઈરાનની સરકાર વેલાયત-એ-ફકિહ એટલે કે ધર્મ ન્યાયશાસ્ત્રી કે કાયદા નિષ્ણાતની રાહબરી હેઠળ ચાલે છે. આ વ્યવસ્થામાં ધર્મગુરુઓ તથા તેમની પરિષદને વધુ મહત્ત્વ આપવામાં આવ્યું હતું, આડકતરી રીતે શિયાઓના સર્વોચ્ચ ધર્મોપદેશક કે ધર્મગુરુ જ ઈરાનની સર્વોચ્ચ સત્તા તરીકે માન્ય ગણાય.
અમેરિકા
અને ઇઝરાયલ ઈરાનના સર્વોચ્ચ નેતાની પસંદગીને માન્ય નહીં રાખે એ તો પહેલેથી જ સ્પષ્ટ
હતું છતાં મોજતબા પર પસંદગીનો કળશ ઢોળાયો છે. પિતાના શાસન કાળ દરમિયાન મોજતબાએ સત્તાનાં
સમીકરણો અને વિવિધ વર્તુળોમાં પગપેસારો કર્યો હતો અને ત્રણેક દાયકામાં ઈસ્લામિક રેવૉલ્યુશનરી
ગાર્ડ કૉર્પ્સ (આઇઆરજીસી) સાથે નિકટતા કેળવી છે. મૌલવીઓની સત્તા, સરકારી સંસ્થાઓ અને
સુરક્ષા એજન્સીઓ વચ્ચેના જટિલ સંબંધોમાં મોજતબાએ મહારત હાંસલ કરી છે. વળી, ઈરાનના વહીવટ
તંત્રમાં સ્થિરતા માટે સત્તાસ્થાને બેસનારના સંબંધો આઇઆરજીસી સાથે સારા હોવા જોઈએ,
કેમ કે અહીં મિલિટરી અને ગુપ્તચર સંસ્થાઓ શાસનના કેન્દ્રમાં કોણ હશે એ નક્કી કરતી હોય
છે. મોજતબા ખરેખર તો શિયા ધર્મગુરુઓના સર્વોચ્ચ પદ અયાતોલ્લાહ ધરાવતા નથી. એમ તો તેમના
પિતા પણ મધ્યમ દરજ્જાના હોજાતોલેસ્લામ હતા અને બંધારણમાં સુધારો કરી તેમને સર્વોચ્ચ
પદ પર લવાયા હતા, આથી મોજતબા માટે પણ આ બાબત અંતરાય નથી બની.
મોજતબા
શું કરશે? એનાથી મોટો સવાલ છે મોજતબાનું શું થશે? પિતા, માતા, પત્ની અને પુત્ર ઇઝરાયલ-અમેરિકાના
હુમલામાં
ગુમાવનાર મોજતબા પાસે વિકલ્પો બહુ મર્યાદિત છે. ઇઝરાયલે જે રીતે ટાર્ગેટેડ હુમલા કરી
ઈરાનના નેતૃત્વને નુકસાન પહોંચાડયું છે એ જોતાં તેમના માટે કશું જ અશક્ય નથી. વિશ્વના
દેશોની સત્તાઓ ઊથલપાથલ કરવામાં જેમનું રૂંવાડું ફરકતું નથી એ ટ્રમ્પ સામે ઝીંક ઝીલવાનું
મુશ્કેલ છે. ઈરાનના નવા સર્વોચ્ચ નેતા સામે સર્વોચ્ચ પડકાર છે, એ જ એક બાબત અત્યારે
તો નક્કર અને સાચી જણાય છે.