• શુક્રવાર, 13 માર્ચ, 2026

ગેસનું સંકટ, સંકટની અફવા

મધ્ય પૂર્વીય ક્ષેત્રમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધની અસર વ્યાપક બની છે. વ્યાપાર ઉદ્યોગ કે શેરબજારમાં થયેલા નુકસાનને પણ સ્વીકારી તો ન જ શકાય પરંતુ હવે સ્થિતિ સામાન્ય માણસના રસોડા સુધી પહોંચી છે. ગેસના ભાવમાં તો વધારો થયો છે સાથે જ દેશમાં કોમર્શિયલ ગેસના પુરવઠાની અછત ઉભી થઈ રહી હોવાના અહેવાલ સાંપડી રહ્યા છે. કેન્દ્ર સરકાર અલબત્ત, તેને વિપક્ષે ફેલાવેલી અફવા ગણાવી રહી છે. એલપીજીનું ઉત્પાદન વધારી દેવાયું છે અને પુરવઠાની સાંકળમાં કોઈ અવરોધ નહીં આવે તેવો સધિયારો અપાયો છે સામે સૌરાષ્ટ્ર સહિત દેશના વિભિન્ન ભાગોમાં વાસ્તવિક પરિસ્થિતિ જુદી છે.

મંગળવારે વડાપ્રધાને બોલાવેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં રાંધણ ગેસ તથા પેટ્રો પેદાશોની સ્થિતિ અંગે સમીક્ષા થઈ હતી. આજે વડાપ્રધાને પોતે કહ્યું છે કે, વિરોધ પક્ષ યુદ્ધના સમયમાં પણ અફવા ફેલાવી રહ્યો છે. દેશમાં ભયનું વાતાવરણ ઉભું કરવામાં તેમની ઈકો સીસ્ટમ તાકાત લગાવી રહી છે. તેમણે દેશને વિપક્ષીય અફવાઓથી બચવા અનુરોધ કર્યો છે. દેશના વિભિન્ન વિસ્તારોમાંથી એલપીજીની અછત અથવા તો પુરવઠો ઘટયો હોવાના અહેવાલ આવી રહ્યા છે. અત્યાર સુધી મોરબી સહિતના ઔદ્યોગિક વિસ્તારોમાં સ્થિતિ ગંભીર હતી. પરિણામે સિરામિક ઉદ્યોગના 170થી વધારે એકમો બંધ પડયા હતા. હવે કોમર્શીયલ ગેસની અછત થાય તેવી શક્યતા છે. પરિણામે વડોદરા, રાજકોટ, સુરતમાં હોટેલ અને કેટરીંગ વ્યવસાય અસરગ્રસ્ત બને તો નવાઈ નહીં.

ગેસની અછતને કારણે ભારત ગેસ પર આવી ગયું છે. કેન્દ્ર સરકારે એસેન્શિયલ સર્વિસીસ મેન્ટેનન્સ ઍક્ટ (એસ્મા) લાગુ કર્યો છે, જેથી સંગ્રહખોરી અને કાળાબજાર ન થાય. યુદ્ધ શરૂ થયું ત્યારથી જ ગેસની ખેંચ થશે એવી ચર્ચા શરૂ થઈ ગઈ હતી. સરકારે સ્પષ્ટતા કરી છે કે ઘરગથ્થુ ઉપયોગ માટેના એલપીજી ગેસની અછત નથી. કમર્શિયલ વપરાશ માટેનાં ગેસ સિલિન્ડરો પર કાપ મુકાવાને કારણે ગભરાટ ફેલાયો છે. આવામાં, સરકાર સામે આ ગભરાટને વધુ ફેલાતો રોકવાનો પડકાર મોટો છે. સરકારે ઘર વપરાશ માટેના પીએનજી અને વાહનોમાં ઈંધણ તરીકે વપરાતા સીએનજીને પ્રાથમિકતા આપવા સાથે એલએનજી અને એલપીજીના ઔદ્યોગિક અને કમર્શિયલ ઉપયોગ પર નિયંત્રણ લાદવામાં આવ્યાં છે.

મુંબઈ તથા અન્ય મહાનગરોમાં કર્મચારીઓને ફરજિયાતપણે બહાર જમવું પડે છે, આથી અહીં ઈટિંગ આઉટ લક્ઝરી નહીં, પણ જરૂરિયાત છે. અનેક વ્યવસાયો એવા છે, જેના માટે લોકોએ વહેલી સવારે ઘરેથી નીકળવું પડે છે અને તેમના માટે કૅન્ટીન જ ભોજનનો એકમાત્ર વિકલ્પ અને સહારો હોય છે. તો, ટ્રક-ટૅક્સી-રિક્ષાચાલકો માટે પણ બહાર જમવું અનિવાર્ય હોય છે. આથી આ લોકોનો વિચાર પણ કરવો રહ્યો. પરિસ્થિતિ ચિંતાજનક છે, પણ ચિંતા કરતાં ચિંતન કરી માર્ગ શોધવાની જરૂર છે.

સામા પક્ષે સ્થાનિક તંત્ર પણ કહે છે કે, ગેસનો પૂરતો પુરવઠો પ્રાપ્ય છે. સરકાર તમામ જરૂરી પગલા ભરી રહી છે. સરકારે સ્થાનિક વ્યવસ્થા, વિતરણનું સંચાલન જેવી બાબતોમાં ચોક્કસ ધ્યાન આપવાનું છે પરંતુ અત્યારે સરકાર સામે આંગળી ચિંધવાનો સમય ગેસ કે પેટ્રોલ બાબતે નથી ઉલટું પેટ્રોલના ભાવની સ્થિતિ નિયંત્રણમાં છે તેના માટે તો અમેરિકાની સરકારે પણ ભારતના વખાણ કર્યા છે.   નાગરિકોએ પણ સ્વવિવેકથી વર્તવું જોઇએ.

ઇ-પેપરના નવા શુલ્ક