બજેટના દિવસે નારાજ થઈને ભાંગી પડેલું શેર બજાર મંગળવારે ખીલી ઉઠયું હતું. બે દિવસ દરમિયાન સોના-ચાંદીની ઓસરેલી ચમક પણ થોડી પાછી આવી છે. બજારમાં ‘પોઝિટિવ સેન્ટિમેન્ટ્સ’નો સંચાર છે અને તેનું કારણ છે અમેરિકા સાથે થયેલી વ્યાપાર સંધિ. સોમવારે સંસદમાં રાહુલ ગાંધીએ આપેલાં અને પછી અટકી પડેલાં ભાષણથી થયેલા હોબાળાના સમાચાર વિવિધ માધ્યમો ઉપર હજી ગરમાગરમ વાનગીની જેમ વહેંચાતા વંચાતા હતા ત્યાં જ માધ્યમો ઉપર ચમકારો થયો. ‘ટેરિફ હવે 18 ટકા...’ આ એક સમાચારે આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલી ગતિવિધિઓથી લઈ રાષ્ટ્રીય રાજનીતિ અને વેપાર ક્ષેત્રમાં ધરખમ પરિવર્તનની શક્યતાને જન્મ આપ્યો છે.
લાંબા
સમયથી પ્રતીક્ષા હતી અમેરિકા સાથે ભારતની ‘ટ્રેડ ડીલ’- વ્યાપાર સંધિ થઈ જાય પરંતુ આવું
થવાને બદલે ઉલટું ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફ વધારવા સહિતની જાહેરાતો કરતા હતા. વચ્ચે થોડો
સમય તેઓ વેનેઝુએલા - નોબેલ પ્રકરણમાં વ્યસ્ત રહ્યા હતા. આખરે આ સંધિ થઈ છે. અમેરિકાએ
ભારતની નિકાસ ઉપર અમલી બનાવેલા ટેરિફમાં ઘટાડો જાહેર કરતાં હવે ત્યાંના બજારમાં ભારતની
વસ્તુઓ ચીન, પાકિસ્તાન અને બાંગલાદેશની સરખામણીમાં સસ્તી થવાની શક્યતા બળવત્તર બની
ગઈ છે. ચોખાની નિકાસ ભારતમાંથી અમેરિકામાં વધશે. ભારત પણ પેટ્રોલિયમ, સંરક્ષણ સંસાધનો,
ઇલેક્ટ્રોનિક વસ્તુઓ, એરક્રાફટ અમેરિકા પાસેથી ખરીદશે. ભારતને જે મોટા ફાયદા થવાના
છે, તેમાં એક છે ઝીંગાનો વ્યાપાર. ઝીંગાની નિકાસ બહુ મોટા પ્રમાણમાં અમેરિકામાં છે.
હવે આ ક્ષેત્રે ફરી સકારાત્મક સ્થિતિનું નિર્માણ થશે.
અમેરિકાએ
ટેરિફમાં ઘટાડો કર્યો અને વ્યાપાર સંધિ થઈ તે ઘટનાને રાહુલ ગાંધી સિવાય (અહીં આખી કોંગ્રેસ
અભિપ્રેત છે) બધાએ આવકારી છે. સોમવારે ડોકલામ વિષય ઉપર બોલતા રાહુલે આજે આ સંધિ બાબતે
પણ સરકારનો વિશેષત: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ઉધડો લીધો છે. અહીં વચ્ચેથી એ યાદ
કરવું - રાખવું પડે કે ટેરિફની સ્થિતિનો સામનો
સરકારે શક્ય તેટલો મજબૂતીથી કર્યો છે. પ00 ટકા ટેરિફની ધમકી પછી પણ રશિયા પાસેથી ક્રૂડ
ખરીદવાના નિર્ણય ઉપર સરકાર અડગ રહી હતી. ‘સ્વદેશી’ ઉપર ભાર, જી.એસ.ટી.નાં માળખામાં
ફેરફાર સહિતનાં પગલાં સરકારે લીધાં હતાં.
આ બધું
હજી તાજું છે છતાં રાહુલને આ વેપાર સંધિ અમેરિકાના દબાવ હેઠળ થયેલી લાગે છે. તેઓ આ
સમગ્ર પ્રક્રિયાને ખેડૂતો સાથે થયેલો વિશ્વાસઘાત ગણાવી રહ્યા છે. વેપાર કરારમાં શું
છે ? બન્ને દેશ વચ્ચે શું નિર્ણય થયા ? આટલું દેશ જાણવા માગે છે, તેવાં નિવેદનો કોંગ્રેસના
નેતા કરી રહ્યા છે. ટેરિફના ઘટાડા પાછળ કયા કારણ ? તેને બદલે આનાથી હવે શું ફાયદો ?
તેની ચર્ચા યથાર્થ વધારે ગણાશે.
ઘણા
સમયથી અસરગ્રસ્ત બનેલું નિકાસ ક્ષેત્ર, વેપાર- ઉદ્યોગ પર વિપરિત અસર થવાની ઊભી થયેલી
સંભાવના સહિતની બાબતો પણ અગત્યની છે. ટેરિફ ઓછી થયા તેનાથી દેશની આર્થિક ગતિવિધિને
તો ફાયદો થવાનો જ છે. મુદ્દો ટેરિફ, તેના ફાયદા - ગેરફાયદા હોવો જોઈએ તેને બદલે દબાણની
વાત થઈ રહી છે. રાજનીતિ તેનાં સ્થાને છે, જે રીતે શેર બજારે ટેરિફ ઘટાડા ટ્રેડડીલને વધાવી છે, સેન્સેકસમાં ઉછાળો થયો છે તે જોતા વેપાર-વાણિજ્યને
ફાયદો થશે. રહી વાત રશિયા સાથેના આર્થિક- રાજકીય સંબંધોની તો આવડો કરાર કરતાં પહેલાં
તે માટે પણ વિચારણા તો થઈ હશે.
રાજકીય
સમરાંગણમાં ટેરિફ કે સંધિને જે રીતે જેને જોવા હોય તે જોવે. લોકોએ અહીં મૌલિક દૃષ્ટિ
અને સ્વવિવેક બુદ્ધિ બતાવવા પડશે.