• બુધવાર, 04 ફેબ્રુઆરી, 2026

ટ્રેડ ડીલમાં કૃષિ અને ઓઈલની ચિંતા સાથે બાંધછોડ થઈ?

અમેરિકાનો દાવો: રશિયાથી ઓઈલ નહીં ખરીદે ભારત, અમેરિકાનાં કૃષિ ક્ષેત્ર માટે ભારતીય બજાર ખુલ્યું

કૃષિ અને કિસાનોનાં હિત મુદ્દે વિપક્ષનું સરકાર ઉપર આક્રમણ : રાહુલ ગાંધીએ કહ્યું, વડાપ્રધાન મોદી દબાણમાં આવી ગયા

સરકારની સ્પષ્ટતા: કિસાનોનાં હિત સાથે કોઈ બાંધછોડ નહીં, પાબંદી નથી ત્યાંથી ભારત ઓઈલ ખરીદશે

નવી દિલ્હી, તા. 3: ભારત અને અમેરિકા વચ્ચે લાંબા સમયની પ્રતિક્ષા પછી આખરે વેપાર સમજૂતી થઈ ગઈ છે પણ તે કઈ શરતોને આધીન થઈ છે તેની સ્પષ્ટતા હજી સુધી કરવામાં આવી નથી. આમાં, ભારત તરફથી કૃષિ ક્ષેત્રને અમેરિકી નિકાસકારો માટે ખુલ્લું મૂકવાની અને રશિયાથી ઓઈલની આયાત બંધ કરવાની અમેરિકાની શરતો સૌથી મોટો અવરોધ બની રહી હતી. આ બન્ને ચિંતાનાં મુદ્દે જ ભારતે બાંધછોડ કરી લીધી હોય તેવા મતલબનાં અમેરિકાએ કરેલા દાવાથી ભારતમાં રાજકીય હંગામો મચી ગયો છે. સરકાર અને વડાપ્રધાન મોદી અમેરિકાનાં દબાણ સામે ઝૂકી ગયાનાં વિપક્ષનાં આક્રમણ પછી સરકાર તરફથી સ્પષ્ટતા આપવામાં આવી છે કે, ભારતનાં હિતો સાથે કોઈ બાંધછોડ કરવામાં આવી નથી.

અમેરિકાનાં બટક બોલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે, ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાથી ઓઈલની આયાત બંધ કરીને અમેરિકા અને વેનેઝુએલાથી ઓઈલની આયાત વધારવા સહમતી દર્શાવી દીધી છે. બીજીબાજુ અમેરિકાનાં કૃષિ સચિવ બ્રૂક રોલિંસે દાવો કર્યો છે કે, વેપાર સમજૂતીથી ભારતનાં વિશાળ બજારમાં અમેરિકાનાં કૃષિ ઉત્પાદનોની નિકાસ વધતાં અમેરિકાનાં કિસાનો અને ગ્રામીણ પ્રદેશોને મોટો ફાયદો થશે.

અમેરિકા તરફથી આ ટ્રેડ ડીલને પોતાનાં હિતની જીત ગણાવવામાં આવી રહી છે ત્યારે ભારતમાં મુખ્ય વિપક્ષ કોંગ્રેસે આ સમજૂતીની ગોપનીયતા અને શરતો સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસે કહ્યું હતું કે, પાકિસ્તાન સાથે શત્રવિરામની માફક આ વખતે વેપાર સમજૂતીની ઘોષણા પણ શા ભારત સરકારને બદલે અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કરી છે? કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો છે કે, કૃષિ ક્ષેત્રને અમેરિકા માટે ખોલવામાં આવતા ભારતીય કિસાનોનાં હિતોની રક્ષામાં શું અસર થશે? આ ઉપરાંત અમેરિકી ઉદ્યોગો માટે ટેરિફ શૂન્ય કરવામાં આવે તો ભારતીય ઉદ્યોગો અને વેપારીઓ ઉપર પણ તેની વિપરિત અસર થશે. વિપક્ષે આ સમજૂતીની તમામ શરતો અને નિયમો જાહેર કરવાની માગણી ઉઠાવી છે.

લોકસભામાં વિપક્ષનાં નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી ઉપર નિશાન સાધતા આરોપ મૂક્યો હતો કે, મોદી દબાઈ ગયા છે અને એટલે જ આ વેપાર સમજૂતી થઈ છે. આ ટ્રેડ ડીલનાં માધ્યમથી દેશને વેચી દેવામાં આવ્યો છે અને વડાપ્રધાન મોદીને ડર છે કે, તેમની છબિનો ફુગ્ગો ક્યાંક ફૂટી ન જાય. કોઈને કોઈ કારણવશ મોદીએ આ સમજૂતી ઉપર હસ્તાક્ષર કરી નાખ્યા છે અને તેઓ ભયંકર દબાણમાં દેખાય છે. હિન્દુસ્તાનનાં ખેડૂતોએ સમજવું પડશે કે આ સમજૂતીમાં તેમની મહેનત અને પસીનાને વડાપ્રધાન મોદીએ વેંચી નાખ્યા છે. તેમણે દેશને વેંચી દીધો છે.

સપાનાં પ્રમુખ અખિલેશ યાદવે પણ સરકાર ઉપર હુમલો બોલાવતા કહ્યું હતું કે, અમેરિકાનાં કૃષિ ઉત્પાદનો અને ખાદ્યચીજો માટે ભારતીય બજારને ખોલવાનો મતલબ ખેતી ઉપર નિર્ભર દેશની 70 ટકા આબાદી સાથે દગો છે. ભાજપ અને તેનાં સાથીઓ અગાઉ પણ વિદેશનાં એજન્ટ હતાં અને આજે પણ છે.

બીજીબાજુ કિસાન નેતા રાકેશ ટિકૈતે પણ સરકાર ઉપર આક્રમણ કરતાં કહ્યું હતું કે, ટ્રેડ ડીલનાં કારણે ભારતીય ખેડૂતોની ચિંતા વધુ ઘેરાઈ ગઈ છે. અમેરિકી ઉત્પાદનોની આયાત વધતા ભારતનાં નાના અને સીમાંત ખેડૂતોને મોટું નુકસાન થશે. આ ભારતીય કિસાનોનાં હિત ઉપર સૌથી મોટો પ્રહાર છે. ભારત ઉપર હવે કોર્પોરેટનો કબજો હશે. આ સમજૂતી તાત્કાલિક રદ થવી જોઈએ.

વિપક્ષનાં આક્રમણ સામે સરકારે બચાવ કરતાં કહ્યું હતું કે, દેશ અને કિસાનોનાં હિત સાથે કોઈ બાંધછોડ થઈ નથી. કૃષિ અને ડેરીમાં જે ઉત્પાદનોને સંવેદનશીલ માનવામાં આવે છે તે યથાવત્ જળવાઈ રહેશે. આવી જ રીતે ભારત દુનિયામાં જ્યાં પ્રતિબંધ નથી ત્યાંથી ક્રૂડ ઓઈલ તેની કિંમતનાં આધારે ખરીદતું રહેશે. વેનેઝુએલા ઉપર પ્રતિબંધ નહોતો ત્યારે ભારત ઓઈલ ખરીદતું હતું અને હવે ફરીથી પાબંદી નથી ત્યારે ત્યાંથી ઓઈલ ખરીદવામાં આવશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક