-બજેટમાં ફાળવણી ન થઈ ઃ ચીન ઈરાનમાં પકડ મજબૂત કરશે તેવી વિશેષજ્ઞોને ચિંતા
નવી
દિલ્હી, તા. 2 ઃ ભારત માટે રણનીતિક સ્તરે મહત્ત્વનું માનવામાં આવતા ઈરાનના ચાબહાર પોર્ટમાં
રોકાણથી સરકારે આ વખતે હાથ પાછા ખેંચી લીધા છે. ભારત સરકાર છેલ્લાં ઘણાં વર્ષથી ચાબહાર
માટે ઓછામાં ઓછા 100 કરોડનું બજેટ ફાળવતી રહી છે. જો કે સામાન્ય બજેટ 2026-27માં એક
પણ રૂપિયો ચાબહાર માટે ફાળવવામાં આવ્યો નથી. જાણકારોના કહેવા પ્રમાણે બજેટ ન ફાળવવાનો
અર્થ એવો નથી કે ભારત ચાબહારથી મેદાન છોડવા જઈ રહ્યું છે. આ એક રણનીતિ છે જે વૈશ્વિક
સ્તરે સંતુલન બનાવવાનો પ્રયોગ કરવા લાવવામાં આવી છે. ભારત સરકારના આ નિર્ણયને અલગ અલગ એંગલથી વિશ્લેષિત
કરવામાં આવી રહ્યો છે. ઘણા જાણકારોનું કહેવું છે કે ચાબહારથી જો ભારતની પકડ ઢીલી થાય
તો ચીન તેના ઉપર હાવી થવાની કોશિશ કરશે. ચીન પાકિસ્તાનના ગ્વાદર પોર્ટ સુધી તો પહોંચી
ગયું છે. ઈરાનનું ચાબહાર બંદર પણ પાકિસ્તાનની પૂર્વની સરહદની નજીક છે. ભારત આ જોખમને
સારી રીતે જાણે છે. જો ચાબહારથી પાછળ હટશે તો ચીન
પકડ મજબૂત કરશે.
ચાબહારમાં
ભારતે રોકાણ 2017-18મા શરૂ કર્યું હતું. જાણકારોના કહેવા પ્રમાણે અમેરિકી પ્રતિબંધો
અને આંતરીક સ્થિતિના કારણે ઈરાન કમજોર થયું છે. તેવામાં ઈરાનમાં વધારે રોકાણ ભારત માટે
ફાયદારૂપ નથી. બીજી તરફ ઈરાન યુદ્ધની કગારે છે. તેવામાં જો અમેરિકા અને ઈરાન વચ્ચે
યુદ્ધ છેડાશે તો ચાબહાર પોર્ટને પણ નુકસાન થવાની સંભાવના છે. ભારત આ મામલે કોઈ જોખમ
લેવા માગતું નથી. તણાવ ઓછો થયા બાદ ફરીથી બજેટમાં ફાળવણી કરવામાં આવી શકે છે.