• મંગળવાર, 03 ફેબ્રુઆરી, 2026

ભારત-પાકિસ્તાન મેચ સંકટથી શ્રીલંકાના પ્રવાસન ઉદ્યોગોને કરોડોનો ફટકો હોટેલના બુકીંગ રદ થવા લાગ્યા, કોલંબોની ફલાઇટના બૂકીંગમાં મંદી

કોલંબો તા.2: પાકિસ્તાનના ટી-20 વર્લ્ડ કપના ભારત સામેના મેચના બહિષ્કારાના ફેંસલાથી શ્રીલંકાની રાજધાની કોલંબોના પ્રવાસન અને હોટેલ ઉદ્યોગમાં હડકંપ મચી ગયો છે. ભારત-પાકિસ્તાનનો ગ્રુપ સ્ટેજનો મેચ 1પ ફેબ્રુઆરીએ રવિવારે કોલંબોમાં રમાવાનો છે. જેનો પીસીબીએ બહિષ્કાર જાહેર કર્યોં છે. આથી કોલંબોના પ્રવાસન ઉદ્યોગ સાથે જોડાયેલા વ્યાવસાયીઓની રાતોરાત ઉંઘ ઉડી ગઇ છે. કારણ કે આ હાઇપ્રોફાઇલ મેચને લઇને તેમને કરોડોનો આર્થિક લાભ થઇ શકે તેમ છે.

ભારત-પાકિસ્તાનની ટકકર હંમેશા મોટી ઇવેન્ટ બની રહી છે. 1પ ફેબ્રુઆરીના આ મેચને લઇને કોલંબોની હોટેલમાં એડવાન્સ બુકીંગ થઇ ગયું હતું. ભારતથી હજારો ચાહકો કોલંબો આ મેચ જોવા અને શ્રીલંકા પ્રવાસે જવાની યોજના બનાવી ચૂકયા છે. હવે મેચ રદ થવાની શંકાને લીધે ધડાધડ હોટેલ બુકીંગ રદ થઇ રહ્યા છે. આ જ સ્થિતિ એરલાઇન્સ કંપનીઓની છે. તેમણે આ મેચને લઇને વિશેષ ઉડાનો જાહેર કરી હતી અને બુકીંગ શરૂ પણ કરી દીધા હતા. જેને પણ હવે મોટો ફટકો પડયો છે.

શ્રીલંકાની અર્થવ્યવસ્થા પ્રવાસન ઉદ્યોગ પણ ઘણી નિર્ભર છે. નિષ્ણાંતોનું માનવું છે કે જો ભારત-પાક. મેચ રદ થશે તો સ્થાનીક પ્રવાસન ઉદ્યોગને કરોડોનું નુકસાન થશે. શ્રીલંકાને વિદેશી મુદ્રા આવકમાં પણ નુકસાની સહન કરવી પડશે. જો પાક. ટીમ આ સપ્તાહમાં નિર્ણય બદલશે નહીં તો શ્રીલંકાના પ્રવાસન ઉદ્યોગને મોટો ફટકો પડશે.

ઇ-પેપરના નવા શુલ્ક