• બુધવાર, 04 ફેબ્રુઆરી, 2026

ચુકાદાઓમાં વિલંબ મામલે સુપ્રીમ કોર્ટ નારાજ : કહ્યું, હવે ઉકેલ જરૂરી

હાઈકોર્ટોના વલણ અંગે સીજેઆઈએ કહ્યું, સમય પર ન્યાય ન મળવો એ ન્યાયથી વંચિત કરવા સમાન

નવી દિલ્હી, તા.3 : વિવિધ હાઈકોર્ટ દ્વારા સુનાવણી પૂર્ણ થયા પછી પણ મહિનાઓ સુધી ચુકાદાઓ અનામત રાખવાની અને તેને જાહેર ન કરવાની પ્રથા સામે સુપ્રીમ કોર્ટે આજે નારાજગી વ્યક્ત કરી હતી. મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઈ) સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી ખંડપીઠે આ વલણને ન્યાયિક પ્રક્રિયાની એક ‘ઓળખી શકાય તેવી બીમારી’ ગણાવી હતી અને જણાવ્યું હતું કે ન્યાયના હિતમાં તેને તાત્કાલિક દૂર કરવી અનિવાર્ય છે. અદાલતે સ્પષ્ટ શબ્દમાં જણાવ્યું હતું કે સમય પર ન્યાય ન મળવો એ ન્યાયથી વંચિત કરવાની સમાન છે.

સીજેઆઈ ઉપરાંત ન્યાયાધીશ જોયમાલ્યા બાગચી અને વિપુલ એમ. પંચોલીની ખંડપીઠે ઝારખંડ હાઈકોર્ટથી સંબંધિત એક મામલાની સુનાવણી દરમ્યાન આ ટિપ્પણી કરી હતી. અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે હાઈકોર્ટે ચોથી ડિસેમ્બર 2025ના અરજી ફગાવી દેવાનો મૌખિક આદેશ પસાર કર્યો હતો પરંતુ મહિનાઓ બાદ પણ લેખિત આદેશ અપલોડ કરવામાં આવ્યો ન હતો.

સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટ તરફથી ઉપસ્થિત વકીલને કહ્યું કે આ પ્રકારના વિલંબનું કોઈ ઔચિત્ય નથી અને નિર્દેશ આપ્યો હતો કે સમગ્ર ચુકાદો આવતા સપ્તાહના અંત સુધીમાં સંબંધિત વકીલને ઉપલબ્ધ કરાવવામાં આવે. મામલાને ફેબ્રુઆરી 16થી શરૂ થનારા સપ્તાહમાં ફરી સૂચિબદ્ધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક