• મંગળવાર, 17 ફેબ્રુઆરી, 2026

અફઘાનિસ્તાન વિરુદ્ધ ભારતનું પલડું ભારે આજે અન્ડર-19 વર્લ્ડ કપના સેમિમાં ટક્કર

અપરાજિત યુવા ભારતીય ટીમ અફઘાનિસ્તાનને ઓછી આંકવાની ભૂલ કરશે નહીં

હરારે, તા.3: અત્યાર સુધી રમતના દરેક વિભાગમાં સારો દેખાવ કરનાર અને આત્મવિશ્વાસથી ભરેલી ભારતીય યુવા ટીમ બુધવારે હારારેમાં રમાનાર આઇસીસી અન્ડર-19 વર્લ્ડ કપના બીજા સેમિ ફાઇનલમાં અફઘાનિસ્તાન વિરુદ્ધ વિજયના પ્રબળ દાવેદાર તરીકે મેદાનમાં ઉતરશે. અન્ડર-19 વિશ્વ કપ ઇતિહાસમાં ભારત સૌથી સફળ ટીમ છે. તેણે પાંચ ખિતાબ (2000, 2008, 2012, 2018 અને 2022) કબજે કર્યાં છે. એ પછી 4 ટ્રોફી સાથે ઓસ્ટ્રેલિયાનો નંબર આવે છે. આયુષ મ્હાત્રેના કપ્તાન પદ હેઠળની વૈભવ સૂર્યવંશીથી સજ્જબેટિંગ લાઇન અપ ધરાવતી ભારતીય યુવા ટીમની નજર અન્ડર-19 વર્લ્ડ કપના છઠ્ઠા ખિતાબ પર છે.

ભારતીય ટીમ અત્યાર સુધી શાનદાર દેખાવ કર્યો છે અને તેના તમામ પાંચ મેચ જીત્યા છે. જેમાં સુપર સિકસ રાઉન્ડની પાકિસ્તાન વિરુદ્ધની પ8 રનની જીત સામેલ છે. જો કે ભારતીય ટીમ અફઘાનિસ્તાન ટીમને ઓછો આંકવાની ભૂલ કરશે નહીં કારણ કે તેનું પ્રદર્શન પણ સારું રહ્યું છે. તેણે પાંચમાંથી ચાર મેચ જીત્યા છે. એકમાત્ર હાર શ્રીલંકા વિરુદ્ધ મળી હતી.

ભારતીય ટીમને તેના સ્ટાર બેટર વૈભવ સૂર્યવંશી પાસેથી ધમાકેદાર ઇનિંગની આશા રહેશે. તે પાંચ મેચમાં બે અર્ધસદીથી 196 રન કરી ચૂક્યો છે. ભારતીય ટીમમાં કપ્તાન આયુષ મ્હાત્રે, એરોન જોર્જ, વેદાંત ત્રિવેદી, વિહાન મલ્હોત્રા જેવા પ્રતિભાશાળી બેટર અને ખિલન પટેલ, દીપેશ દેવેન્દ્ર, હેનિલ પટેલ, ઉદ્ધવ મોહન જેવા શાનદાર બોલર્સ છે. જે અફઘાન ટીમ પર ભારે પડી શકે છે. મેચ બુધવારે બપોરે 1-00 વાગ્યાથી શરૂ થશે.

ઇ-પેપરના નવા શુલ્ક