• બુધવાર, 04 ફેબ્રુઆરી, 2026

અમેરિકામાં ભીષણ વિન્ટર સ્ટોર્મ : 12નાં મૃત્યુ

20 કરોડથી વધુ લોકો અસરગ્રસ્ત : 23થી 26 જાન્યુઆરી દરમિયાન આ તોફાને અમેરિકાના લગભગ બે તૃતિયાંશ ભાગમાં અસર કરી

વાશિંગ્ટન, ન્યૂયોર્ક, તા.3 : અમેરિકાના અનેક રાજ્યોમાં તોફાની શિયાળુ વાવાઝોડું ત્રાટકતાં ડઝનેક લોકોના મોતની પુષ્ટિ થઈ છે. દેશના વિશાળ વિસ્તારોમાં ફરી વળેલાં આ શક્તિશાળી તોફાને ભારે નુકસાન પહોંચાડયું છે અને તેની સાથે સાથે કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. સીબીએસ ન્યૂઝે તોફાની પરિસ્થિતિઓ અથવા હવામાન સંબંધિત અકસ્માતોથી છેલ્લાં એક મહિનામાં ઓછામાં ઓછા 150 મોતની પુષ્ટિ કરી છે. આ ઉપરાંત, અનેક રાજ્યોના અધિકારીઓએ શિયાળાનાં હવામાન સાથે સંબંધિત હોવાનું જણાતા આશરે બે ડઝન વધારાનાં મોતની માહિતી આપી છે. હાલ સુધીમાં નોંધાયેલાં મોતનાં કારણોમાં કડાકાની ઠંડીનાં કારણે થયેલી હાઇપોથર્મિયા, કાર અકસ્માતો, સ્નોપ્લો (બરફ હટાવવાની મશીન) સાથેના અકસ્માતો, સ્લાડિંગ દરમિયાનના અકસ્માતો અને બરફ સાફ કરતી વખતે થયેલી અચાનક હૃદયસંબંધિત તકલીફો સામેલ છે. ન્યૂયોર્ક સિટી અધિકારીઓના જણાવ્યા મુજબ ત્યાં ઠંડીમાં 14 લોકો મૃત હાલતમાં મળી આવ્યા છે, જોકે તમામના મોતનાં કારણોની હજી પુષ્ટિ થઈ નથી. નેશનલ વેધર સર્વિસ મુજબ, 23થી 26 જાન્યુઆરી દરમિયાન આ શિયાળુ તોફાને અમેરિકાના લગભગ બે તૃતિયાંશ ભાગમાં અસર કરી હતી, જેમાં ભારે હિમવર્ષા, વરસાદ, બરફીલો વરસાદ (સ્લીટ) અને કડાકાની ઠંડીનો સમાવેશ થાય છે. અંદાજે 200 મિલિયન લોકો તેની અસર હેઠળ આવ્યા હતા. સીબીએસ ન્યૂઝની હવામાન નિષ્ણાત નિક્કી નોલન મુજબ, અત્યંત ઠંડી પરિસ્થિતિઓ હજુ પણ યથાવત્ છે. ઠંડી હવાના પ્રવાહે દેશના પૂર્વાર્ધને ઘેરી લીધો છે અને તાપમાનને સામાન્ય કરતાં ઘણું નીચે ધકેલી રહ્યું છે. નિક્કી નોલને જણાવ્યું કે અત્યંત ઠંડી પરિસ્થિતિઓ યથાવત્ છે, જેમાં ઠંડી હવાની પકડ દેશના પૂર્વ ભાગ પર જામી રહી છે અને તાપમાનને સામાન્ય કરતાં ઘણું નીચે રાખી રહી છે. વીકએન્ડની હિમવર્ષા બાદ લાખો લોકો ઘણા દિવસો સુધી વીજળી વિના રહ્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક