• મંગળવાર, 03 ફેબ્રુઆરી, 2026

સોરઠી કન્યાની આંતરરાષ્ટ્રીય સિદ્ધિ

કોમનવેલ્થ રમતોને પાંચ વર્ષ બાકી છે ગુજરાત અને ભારત 2036માં ઓલમ્પિક રમતો અહીં રમાશે તેવી આશા સાથે તૈયારી કરી રહ્યા છે તે અરસામાં તે સારા સમાચાર ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ખાતેથી આવ્યા છે. લોન ટેનિસના મહત્વના મથક ગણાતા મેલબોર્નમાં યોજાયેલી સ્પર્ધામાં જેન્સી કાનાબાર નામની સૌરાષ્ટ્રની  તરુણીએ સફળતા મેળવી છે. ગીર વિસ્તારમાં આવેલા ડોળાસા નામના એક નાના ગામમાંથી જેન્સીની રમત આંતરરાષ્ટ્રીય સ્તરે પોંખાઈ છે. સૌરાષ્ટ્રના રમત ક્ષેત્ર માટે આ મહત્વની ઘટના છે. જોકે આ તો હજી શરૂઆત છે. 

મેલબોર્ન માં જેન્સીએ ત્રણ લીગ ગ્રાઉન્ડ પછી સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો ત્યારે કુટુંબમાં અને ગામમાં ઉત્કંઠા અને ઉચાટ બંને હતા પરંતુ નવમા ધોરણમાં ભણતી આ કિશોરીએ ફાઇનલ મેચ પણ જીતીને જૂનાગઢનું અને સૌરાષ્ટ્રનું માથું વિશ્વમાં ઊંચું કરી બતાવ્યું છે. સફળતા મેળવવા માટે શહેરી વિસ્તારનો ઉછેર, ભરપૂર સુવિધાઓ કે સાધનો બીજા સ્થાને છે મુખ્યત્વે વ્યક્તિની પોતાની જગત અને તેને મળતું વાતાવરણ અગત્યનું છે તે અહીં સાબિત થાય છે. ટેનિસની રમતમાં આ સફળતા મેળવનાર જેન્સી ના પિતા જૂનાગઢના આણંદપરના પ્રાથમિક શિક્ષક છે. એકની એક પુત્રીને લાડ કરવાની સાથે તેમણે આ પ્રોત્સાહન પણ આપ્યું છે પિતા પુત્ર બંનેની પ્રેરણા ટેનિસ ખેલાડી સ્ટેફી ગ્રાફ રહ્યા છે. 

જૂનાગઢમાં જેન્સીની તાલીમ માટે વિશેષ વ્યવસ્થા તો પિતાએ કરી તેની સાથે જરૂર પડે ત્યારે અમદાવાદ અને બંગાળથી કોચ પણ બોલાવીને પુત્રીની રમતની રફતારને વેગ આપ્યો. સ્વપ્ન ટેનિસ ક્ષેત્રે ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુને વધુ સન્માન મળે તે રીતે રમવાનું છે. રાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓ તેની રમતને બિરદાવે છે. જેન્સી કાનાબાર ભારતની નવી પેઢીનું પ્રતિનિધિત્વ છે. રમત ક્ષેત્રે જે વાતાવરણ ઊભું થવું જોઈએ તે થઈ રહ્યું છે તેવા અણસાર મળે છે. અહીં સૌથી મોટી વાત તો એ છે કે સંતાનના ગુણ અને તેની ઈચ્છા પારખીને માતા-પિતા પણ તેમાં સહયોગ આપે. એકસૂત્રતા વાળું અને પુસ્તક યુગ શિક્ષણ જ બધું નથી આખરે તો આ પણ સીધી જ છે.

સામાન્ય રીતે આપણે ત્યાં ક્રિકેટ સિવાય કોઇ રમત માટે પ્રેમ કે જાગૃતિ નથી. વેકેશનમાં યોજાતા ક્રિકેટ કોચિંગ કેમ્પમાં જતા વિદ્યાર્થીઓ શાળા શરૂ થાય પછી કેમ્પમાં જતા બંધ થઇ જાય છે. હોકી કે ટેનિસ જોનારો વર્ગ પણ ઓછો છે એ સમયે ડોળાસા કે જૂનાગઢમાં ઉછરેલી આ વિદ્યાર્થિની ટેનિસ રમે તે પણ અગત્યનું છે. સરકાર ખેલ મહાકુંભ જેવા આયોજન કરે છે તે રીતે શાળા કક્ષાએ પણ રમતનું મહત્વ હજુ વધારે સ્વીકારાવું જોઇએ.

ભારતભરમાંથી અભિનંદન મળી રહ્યા છે. ઓલિમ્પિકમાં રમવાની અને જીતવાની તેની ઈચ્છા ફળે તેવી શુભેચ્છા અહીંથી પણ આપવી ઘટે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક