• બુધવાર, 04 ફેબ્રુઆરી, 2026

રવિવારનાં હાહાકાર પછી મંગળવારે ચમત્કાર

શેરબજારની અભૂતપૂર્વ છલાંગ : નિફ્ટી 1200 પોઈન્ટ ગેપઅપ ખુલીને 639 અંકની તેજી સાથે 25700ની ઉપર બંધ

રૂપિયામાં 1 ટકાની શાનદાર મજબૂતી : સોના-ચાંદીમાં અટક્યો ગાબડાનો સિલસિલો

નવીદિલ્હી, તા.3: કેન્દ્રીય બજેટ રજૂ થયું એ રવિવારનાં હાહાકાર પછી આજે આજે સોનું-ચાંદી, રૂપિયો અને શેરબજારમાં ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સમજૂતીનો ચમત્કાર સર્જાયો હતો. જેમાં શેરબજાર અને રૂપિયાએ અભૂતપૂર્વ તેજી અને છલાંગ માર્યા છે. આમાં આજે રૂપિયો આજે ઐતિહાસિક ઉછાળા સાથે ડોલર સામે 112 પૈસાની મજબૂતીમાં આવી ગયો હતો અને ગઈકાલે 91.51ની સપાટીએ બંધ આવેલો રૂપિયો આજે 90.39નાં સ્તરે ખુલ્યો હતો. રૂપિયામાં 1 ટકાની તોતિંગ તેજી થઈ હોય તેવું છેલ્લા 12 વર્ષનાં ઈતિહાસમાં ફક્ત 10 વખત જ બન્યું છે. જ્યારે ભારતીય શેરબજાર અચંબિત કરનારા ગેપઅપ સાથે ખુલ્યા હતાં. જેમાં નિફ્ટીએ 1220 અંક અને સેન્સેક્સ 3657 પોઈન્ટનાં અભૂતપૂર્વ ઉછાળા સાથે ખુલ્યા હતાં. દિવસનાં અંતે નિફ્ટી 639 અને સેન્સેક્સ 2072 પોઈન્ટનાં વધારા સાથે અનુક્રમે 25727 અને 83739ની સપાટીએ બંધ આવ્યા હતાં.

ભયાનક કડાકાનાં સાક્ષી બનેલા સોના અને ચાંદી પણ આજે ફરીથી ગેલમાં આવી ગયા હતાં અને આ લખાય છે ત્યારે વાયદા બજારમાં સોનાનો ભાવ 8100ની તેજી સાથે 152000નાં સ્તરે, જ્યારે ચાંદી 31500ની તેજી સાથે 167750નાં સ્તરની આસપાસ કારોબાર કરી રહી છે.

અમેરિકા સાથે ટ્રેડ ડીલનાં પગલે રૂપિયામાં આજે જોરદાર મજબૂતી જોવા મળી હતી અને ડોલર સામે તેનું અવમૂલ્યન એક ઝાટકે અટક્યું હતું. છેલ્લા 12 વર્ષમાં ફક્ત 10 વખત જ જોવા મળી છે તેવી 1 ટકાથી વધુની તેજી આજે જોવા મળી હતી.

શેરબજારે અમેરિકા સાથેની ટ્રેડ ડીલને ઐતિહાસિક આવકાર આપતાં આજે બતાવેલી મારફાડ તેજીમાં છેલ્લા ઘણાં સમયથી સતત ધોવાઈ રહેલા રોકાણકારોની બજાર મૂડીમાં 20 લાખ કરોડ રૂપિયાનો ઉછાળો આવ્યો હતો. સોમવારે બજાર બંધ થયું ત્યારે કુલ બજાર મૂડી 455 લાખ કરોડ રૂપિયા હતાં અને આજે શરૂઆતી કારોબારમાં તે સીધી 474 લાખ કરોડનાં સ્તરે પહોંચી ગઈ હતી. આજની તેજીની આંધીમાં ચોતરફ લાવલાવનાં કારણે 268 શેરમાં અપર સર્કિટ લાગી ગઈ હતી. જ્યારે 121 સ્ટોક એક વર્ષની ઉંચી સપાટીએ આંબી ગયા હતાં. શેરબજારમાં આજે તેજીનાં તોફાનમાં અમેરિકાની ટ્રેડ ડીલ ઉપરાંત એશિયાઈ પ્રતિસ્પર્ધીઓ સામે ટેરિફમાં ભારતને મળેલી સરસાઈ, રૂપિયામાં પણ ઐતિહાસિક તેજી અને ક્રૂડ ઓઈલનાં ભાવમાં આવેલી નરમાશ સહિતનાં પરિબળોએ રોકાણકારોનાં ઉત્સાહને બમણો કરી નાખ્યો હતો.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક