• ગુરુવાર, 26 ફેબ્રુઆરી, 2026

આતંકવાદ પર ‘પ્રહાર’ની તૈયારી

પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી પ્રહારને બે મહિના પછી એક વર્ષ પૂર્ણ થશે તે દરમિયાન ભારત સરકારે આતંકવાદ વિરોધી વ્યાપક રાષ્ટ્રીય નીતિની ઘોષણા કરીને આતંકવાદ સામેની ભારતની લડાઈને મજબૂત સ્વરૂપ આપ્યું છે. આતંકવાદ સામે તો વર્ષોથી લડાઈ ચાલી રહી છે. નક્સલવાદ મોટેભાગે મૃતપાય અવસ્થામાં છે ત્યારે આતંકવાદ સામેની આ નીતિ ઘણી મહત્ત્વની નીવડી શકે. પરંપરાગત આતંકવાદથી માંડીને નવી પદ્ધતિઓ, આધુનિક ટેક્નીક સહિતની બાબતોનો સમાવેશ આ નીતિમાં કરાયો છે. સમગ્ર વિશ્વ આતંકવાદની સ્થિતિનો સામનો કરી રહ્યું છે પરંતુ ભારત તેનો વધારે ભોગ બને છે તેનું કારણ સામાજિક, ભૌગોલિક સ્થિતિ છે ત્યારે સરકારે બનાવેલી આ નીતિ દેશની પ્રજાને સુરક્ષા પુરી પાડવામાં મહત્ત્વની રહેશે.

‘એન્ટી ટેરેરીઝમ પોલિસી’ અર્થાત્ વ્યાપક રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી નીતિના અનેક પાસા છે. સૌથી અગત્યની વાત એ છે કે, તેમાં એવું કહેવાયું છે કે, ભારત સરકારનું વલણ સ્પષ્ટ છે તે આતંકવાદને કોઈ ધર્મ, જાતિ, રાષ્ટ્રીયતા સાથે જોડતી નથી પરંતુ આતંકવાદને માનવતા વિરોધી અપરાધ માને છે. 7 નવેમ્બર 2024ના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એવી જાહેરાત કરી હતી કે, આતંકવાદ અને તેના માળખા સામે લડવા માટે રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી નીતિનો મુસદો તૈયાર થઈ રહ્યો છે.

નવી નીતિનો ઉદ્દેશ દેશને તમામ પ્રકારના આતંકવાદી જોખમોથી સુરક્ષિત રાખવો, આતંકવાદીઓને અને તેને આર્થિક પીઠબળ પૂરું પાડતા તત્વો ઉપર સકંજો કસવો, ડ્રોન હુમલા, સાયબર એટેકનો પણ સામનો કરવો તે છે. જમીન, જળ અને વાયુ ત્રણેય માધ્યમોથી આતંકવાદની જે સંભાવના રહે છે તેની સામે લડત વધુ મજબૂત બનાવવાનો અહીં હેતુ છે. સોશિયલ મીડિયામાં દુરપયોગ દ્વારા કટ્ટરવાદનો થતો ફેલાવો નિયંત્રિત થાય તે પણ જોવાનું રહેશે. વિવિધ એજન્સીઓ વચ્ચે તાદાત્મ્ય જળવાય, યુવાનોને ભડકામણી બાબતોથી બચાવવા તે પણ આ નીતિનો ભાગ છે.

દાયકાઓથી આતંકવાદી આક્રમણ થઈ રહ્યાં છે - કાશ્મીર - પંજાબથી લઈને મહારાષ્ટ્ર અને ગુજરાત સુધી આતંકવાદી હુમલા થયા છે. સતત પ્રયાસ છતાં આતંકવાદનો આખરી અંજામ

આવ્યો નથી.

એજન્સીઓ અદ્યતન ટેક્નૉલૉજી અને સાધનોથી સજ્જ બનાવાશે. કાયદાનું શાસન અને માનવીય અધિકારોના રક્ષણ માટે આતંક વિરોધી કાયદાઓમાં પ્રબંધ હોવા જોઈએ. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આતંક વિરોધી માહિતીની આપ-લે થાય અને હુમલાનાં કાવતરાં નિષ્ફળ બનાવાય તથા આતંકવાદીઓને - સોંપીને કાનૂની કાર્યવાહી થાય - તે રીતે આંતરરાષ્ટ્રીય સહકાર મેળવાય. તે પણ અહીં ઉદ્દેશ્ય છે.

આ રાષ્ટ્રીય નીતિમાં પાકિસ્તાનનો નામોલ્લેખ નથી પણ પાડોશી દેશની રાજકીય અસ્થિરતા અને તેની ભૂમિનો ઉપયોગ આતંકી હુમલા માટે થાય છે. આતંકવાદીઓને આશ્રય અને રક્ષણ અપાતું હોવાનું જણાવાયું છે તે નિર્દેશ પાકિસ્તાન ભણી છે.

નવી આતંકવાદ વિરોધી નીતિમાં એવું પણ સ્પષ્ટ કરાયું છે કે, સીમા પારથી આતંકી સંચાલકો પંજાબ, જમ્મુ કાશ્મીર જેવા વિસ્તારોમાં આતંકી ગતિવિધિઓ અને હુમલાઓને અંજામ આપવા માટે ડ્રોન સહિતની ટેક્નીક અપનાવે છે, યુવાનોને ભડકાવે છે. આ સ્થિતિમાં અપરાધીઓ વિરૂદ્ધ સંગીન કેઈસ ઉભા કરવા અને તેને સઘન તપાસ દ્વારા પરિણામ સુધી લઈ જવા તે પણ અગત્યનું છે. સતત પ્રયાસો છતાં પાકિસ્તાન જ્યારે પોતાની આ પ્રવૃત્તિઓમાંથી હજુ પણ બહાર આવતું નથી ત્યારે ભારતની આ નવી નીતિ ઘણી અગત્યની છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક