• ગુરુવાર, 26 ફેબ્રુઆરી, 2026

શ્રીલંકા વિશ્વ કપની બહાર : 61 રનની જીતથી કિવિઝ સેમિ સમીપ

ન્યુઝીલેન્ડના 7 વિકેટે 168 રનના જવાબમાં શ્રીલંકાના 8 વિકેટે 107 રન

કેપ્ટન મિચેલ સેંટનરના મેચ વિનિંગ 47 રન અને રચિન રવીન્દ્રની 4 વિકેટ

કોલંબો તા.2પ: કેપ્ટન મિચેલ સેંટનર અને કોલે મેકોન્ચીની આક્રમક બેટિંગ પછી બોલરોના શાનદાર દેખાવથી સુપર-8 રાઉન્ડના મહત્વના મેચમાં શ્રીલંકા સામે ન્યુઝીલેન્ડનો 61 રને ભવ્ય વિજય થયો હતો. કિવિઝ સામેની હારથી શ્રીલંકા ટીમ ટી-20 વિશ્વ કપની બહાર થઇ છે. સુપર-8 રાઉન્ડમાં તેના બે મેચમાં હજુ ઝીરો પોઇન્ટ છે. બીજી તરફ 3 પોઇન્ટ સાથે કિવિઝ ટીમની સેમિ ફાઇનલની આશા જીવંત રહી છે. આજના મેચમાં કિવિઝના 7 વિકેટે 168 રનના જવાબમાં શ્રીલંકાના 20 ઓવરમાં 8 વિકેટે 107 રન થયા હતા. કિવિઝ તરફથી પાર્ટ ટાઇમ સ્પિનર રચિન રવીન્દ્રને 4 વિકેટ મળી હતી. મેટ હેનરીને 2 વિકેટ મળી હતી. તેણે ઇનિંગના પહેલા દડે પથૂમ નિસંકાને બોલ્ડ કર્યોં હતો. 47 રન અને 1 વિકેટ લેનાર કિવિઝ કેપ્ટન મિચેલ સેંટનર પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયો હતો.

અગાઉ ન્યુઝીલેન્ડ ટીમે એક તબકકે 12 ઓવરમાં 84 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી નવોદિત ખેલાડી કોલે મેકોન્ચી અને કેપ્ટન મિચેલ સેંટનરે લંકન બોલર્સ સામે કાઉન્ટર એટેક કર્યું હતું. શરૂઆતમાં ક્રિઝ પર સ્થિર થયા પછી મેકોન્ચી અને સેંટનરની જોડીએ હલ્લાબોલ શરૂ કર્યું હતું. આ બન્નેએ ડેથ ઓવર્સમાં પાવર હિટિંગ કરીને ન્યુઝીલેન્ડનો સ્કોર 20 ઓવરના અંતે 7 વિકેટે 168 રનના પડકારરૂપ સ્કોર સુધી પહોંચાડી દીધી હતો. આ બન્ને વચ્ચે છઠ્ઠી વિકેટમાં 47 દડામાં 84 રનની મેચ વિનિંગ પાર્ટનરશીપ થઇ હતી.

ઇનિંગના અંતિમ દડે આઉટ થનાર કિવિઝ કેપ્ટન મિચેલ સેંટનરે 26 દડામાં 2 ચોક્કા અને 4 છક્કાથી 47 રન કર્યાં હતા. મેકોન્ચી 23 દડામાં 3 ચોક્કા-2 છક્કાથી 31 રને નોટઆઉટ રહ્યો હતો. આ પહેલા ટિમ સિફર્ટ 8, ફિન એલેન 23, રચિન રવીન્દ્ર 18, ડેરિલ મિચેલ 3, માર્ક ચેપમેન ઝીરોમાં આઉટ થયા હતા. કિવિઝ ટીમે 7પથી 84 રનના 9 રનના ગાળામાં 4 વિકેટ ગુમાવી હતી.

શ્રીલંકા તરફથી મહિશ તિક્ષ્ણા અને દુષ્મંતા ચમિરાએ 3-3 વિકેટ લીધી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક