• શુક્રવાર, 20 ફેબ્રુઆરી, 2026

શહેરોના વિકાસનો રાજમાર્ગ

કેન્દ્રીય બજેટમાં કોઈ અસામાન્ય તત્વ જોવા નથી મળ્યું તેવી ફરિયાદ કે મહેણું દૂર થાય ઈ પ્રકારની જાહેરાત દેશના શહેરોને વિકસાવવા માટે કેન્દ્ર સરકારે કરી છે. રૂ. 1 લાખ  કરોડની ફાળવણીને કેબિનેટે મંજૂરી આપી છે. આ નિર્ણય દેશના શહેરોમાં વિકાસને વધારે ગતિ આપશે. જે સંકલ્પના સાથે આ રકમ ફાળવવામાં આવી છે તે પૂર્ણ થાય તો શહેરોમાં સુવિધાના ભંડાર ખુલશે. જો કે કોઈ યોજના કે કામ શરૂ થાય તે પૂર્વે જ સત્તામંડળો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કે રાજ્ય સરકારે એ નક્કી કરવું પડશે કે મેગા પ્રોજેક્ટ, ભવ્ય દેખાવ વાળી યોજનાને બદલે પ્રાથમિક સુવિધા, માળખામાં જે કંઈ ખૂટતું હોય તેને પ્રાધાન્ય આપવું પડશે.

શહેરી માળખાને વધારે સારું બનાવવા માટે કેન્દ્રીય કેબિનેટે અર્બન ચેલેજન્ડ ફંડ મંજૂર કર્યું છે. શહેરી વિકાસ પડકારની આ રાશિ 1 લાખ કરોડ છે, ઉચ્ચ ગુણવત્તા વાળી માળખાકીય સુવિધા, પરિવહનના આધુનિક સાધનોથી લઈ ઘણી બાબતોનો તેમાં સમાવેશ છે.  કેન્દ્ર સરકાર 25 ટકા રકમ આપશે, 50 ટકા બાહ્ય - નિજી સ્ત્રોતોમાંથી આવશે. 25 ટકા સ્થાનિક તંત્ર કે સત્તાના રહેશે. સરકારને આશા છે, આગામી 5 વર્ષમાં 4 લાખ કરોડનું રોકાણ આવશે.  છેલ્લા દાયકામાં શહેરોમાં વિકાસ નોંધપાત્ર રીતે થયો છે તેને આગળ વધારવાના ભાગરૂપે જ આ યોજના છે.

અગાઉ કોંગ્રેસના સમયમાં એન.યુ.આર.એમ જેવા પ્રકલ્પ થયા પણ તેમાં સાતત્યનો અભાવ હતો. આ નવી ફાળવણી શહેરી વિસ્તારના સર્વાંગી વિકાસની કલ્પના સાથેની છે. આપણા મહાનગરો આધુનિક સેતુ, વિવિધ રિંગરોડથી હવે ધમધમે છે. મુંબઈમાં અંડર વોટર ટનલ અને સી લિંક ઈજનેરી કૌશલ્યના પુરાવા છે. તો રાજકોટ જામનગર જેવા મધ્યમ કક્ષાના શહેરોમાં પણ આ સુવિધાઓ વિકસી રહી છે. મેટ્રો સહિતના પરિવહન માધ્યમો છે. હવે જ્યારે કેન્દ્ર સરકાર આટલી મોટી રકમ સાથે આ વિકાસની યાત્રા આગળ વધારી રહી છે ત્યારે કેટલીક બાબતો ધ્યાને રહેવી જોઈએ.

એક તો એ કે જે હેતુથી સરકાર રકમ આપે તેના માટે જ ઉપયોગ થાય તે જોવું જ જોઈએ. બીજું, હજુ આપણા શહેરોમાં જન શૌચાલય પુરતા પ્રમાણમાં નથી. ટ્રાફિક દિવસે દિવસે વધી રહ્યો છે, રસ્તાની ગીચતા વધારે છે. સામાન્ય લાગતી આ વાતો અગત્યની છે. સ્માર્ટસિટી નિર્માણ સામે આવેલા પડકાર અને રહેલી ક્ષતિ ધ્યાનમાં રહેશે એવી આશા રાખી શકાય.

મોટા પુલ કે આધુનિક સંકુલના નિર્માણ સામે કોઈ વાંધો હોય નહી પણ પાયાની સુવિધા પૂર્ણ થયા પછી આ બધું હોય તો વિકાસનું સંતુલન જળવાય. ભારતના શહેરો જે રીતે વિકસી રહ્યા છે તે જોતાં આ 1 લાખ કરોડની ફાળવણીનો નિર્ણય પથદર્શક છે. ફ્કત નાણાથી કામ નહી થાય. અધિકારીઓની નિષ્ઠા, પ્રજાલક્ષી વલણ જરૂરી છે. સમયસર યોજનાઓ, કામ પૂર્ણ થાય તે જરૂરી છે.  જો આ દિશામાં યોગ્ય કામ થાય તો ભારતના શહેરો પણ પરદેશ જેવા આધુનિક, ભભકાવાળા દેખાવા લાગશે. આ બધાની સાથે જે અનિવાર્ય છે તે છે નાગરિક ધર્મ - સિવિક સેન્સ. સુવિધાથી શોભતા શહેરોમાં નિયમોનું પાલન, સ્વચ્છતા પણ જરૂરી રહેશે અને આ યોજનાને સાકાર કરવામાં નાગરિકોનું યોગદાન એ રહેશે

ઇ-પેપરના નવા શુલ્ક