પાક.માં વહી જતું વધારાનું પાણી હવે અટકશે : ડેમ કાર્યરત થતાં જ પાક. પાણીનાં ટીપેટીપા માટે તરસશે
નવી
દિલ્હી, તા.17: ઓપરેશન સિંદૂર પછી પણ ભારતે પાકિસ્તાનમાં વહી જતાં નદીઓનાં જળપ્રવાહને
અવરોધવાની આક્રમક રણનીતિ બદલી નથી. જેમાં હવે પંજાબ અને જમ્મુ-કાશ્મીરની સીમાએ નિર્માણાધીન
શાહપુર કંડી બાંધ પ્રોજેક્ટ પણ અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. આ પરિયોજના કાર્યરત
થવા સાથે જ અત્યાર સુધી પાક.માં વહી જતું રાવી નદીનું બચેલું પાણી પણ સંપૂર્ણપણે અટકી
જવાનું છે અને તેનો ઉપયોગ પછી જમ્મુ-કાશ્મીર અને પંજાબની સૂકી જમીનોની સિંચાઈ માટે
થવાનો છે.
જમ્મુ-કાશ્મીરનાં
મંત્રી જાવેદ અહેમદ રાણાએ આજે જાણકારી આપતાં કહ્યું હતું કે, આ ડેમનું કામ 31 માર્ચ
સુધીમાં પૂર્ણ થઈ જવાની આશા છે. આ પ્રોજેક્ટ વિશેષરૂપે દુષ્કાળગ્રસ્ત કઠુઆ અને સાંબા
જિલ્લા માટે જીવનરેખા જેવો સાબિત થશે.
ઉલ્લેખનીય
છે કે, 1960ની સિંધુ જળ સંધિ હેઠળ ત્રણ પૂર્વી નદીઓ- રાવી, બ્યાસ અને સતલજ ઉપર ભારતનો
પૂર્ણ અધિકાર છે. તેમ છતાં ટેકનિકલ ઉણપો અને બાંધ ન હોવાનાં કારણે રાવીનું ઘણું પાણી
પાક.માં વહી જતું આવ્યું છે. જો કે એપ્રિલ 2025માં પહલગામ આતંકવાદી હુમલા પછી ભારતે
પાણીનો શત્ર તરીકે ઉપયોગ શરૂ કરી દીધો છે અને ભારત હવે પશ્ચિમી નદીઓ એટલે કે, સિંધુ,
જેલમ અને ચિનાબનાં પાણીનો પણ મહત્તમ ઉપયોગ કરવાનાં વિકલ્પો તપાસી રહ્યું છે.