જીવન વીમા અને સામાન્ય વીમા ઉદ્યોગમાં કમિશનનો ખર્ચ વધતો જાય છે. અત્યાર સુધી વીમા એજન્ટોને ચૂકવાતા કમિશન અંગે કોઈ પારદર્શકતા ન હતી. પરંતુ હવે વીમા ઉદ્યોગની નિયામક સંસ્થા ઇરડાઈ (ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા)એ 23 વીમા કંપનીઓને નોટિસ આપી છે કે તમારો સંચાલન ખર્ચ નિશ્ચિત મર્યાદા કરતાં શા માટે અને કઈ રીતે વધી ગયો તે જણાવો. ઇરડાઇના એક અભ્યાસમાં જણાયું કે 2024-25માં જીવન અને સામાન્ય વીમા કંપનીઓની પ્રીમિયમની આવક 6-7 વધી હતી પરંતુ તેમનો કમિશન પરનો ખર્ચ 18-19 ટકા વધ્યો હતો. આમાં એલઆઈસી કે સરકારી સામાન્ય વીમા કંપનીઓ કરતાં ખાનગી ક્ષેત્રની કંપનીઓની જવાબદારી ઘણી વધુ છે.
ત્રણ
કારણોસર વીમા કંપનીઓ દ્વારા એજન્ટોને ચૂકવાતા કમિશન પર લગામ ખેંચવી જરૂરી છે. એક, નાણાકીય
ઉદ્યોગનાં ધોરણોથી પણ વીમાનાં કમિશનો ઘણાં ઊંચાં છે. વીમા ક્ષેત્રે કાર્યરત અગ્રણી
બેન્કોએ જાહેર કરેલી માહિતી અનુસાર જીવન વીમા એજન્ટોને પોલીસીના પ્રથમ વર્ષે પ્રીમિયમના
35-40 ટકા અને પછીનાં વર્ષોમાં 7.5-10 ટકા જેટલું કમિશન ચૂકવાય છે. વ્યક્તિગત આરોગ્ય
વીમા પોલિસીઓ ઉપર પ્રથમ વર્ષે પ્રીમિયમના 15-20 ટકા અને પછીનાં વર્ષોમાં 7.5 ટકા જેટલું
કમિશન ચૂકવાય છે. આટલું ઊંચું કમિશન ગ્રાહકો ઉપર તો બોજો છે જ. કમિશન ઓછાં હોય તો પ્રીમિયમ
ઘટે. પરંતુ ઊંચાં કમિશનો ખુદ વીમા ઉદ્યોગ ઉપર પણ બોજારૂપ છે. રિઝર્વ બેન્કે તેના નાણાકીય
સ્થિરતા વિશેના અહેવાલમાં ધ્યાન દોર્યું હતું કે ખાસ કરીને ખાનગી ક્ષેત્રમાં વધુપડતાં
ઊંચાં કમિશનને કારણે વીમાનો પ્રસાર રૂંધાય છે અને કંપનીઓના નફા ઉપર દબાણ આવે છે. બીજું,
એજન્ટોને પ્રથમ વર્ષમાં ઊંચું કમિશન મળતું હોવાથી તેમને નવા ગ્રાહકો બનાવવામાં જેટલો
રસ હોય છે એટલો વર્તમાન ગ્રાહકોને સાચવવામાં કે સેવા આપવામાં હોતો નથી. ત્રીજું, અન્ય
નાણાકીય સાધનોની સરખામણીમાં વીમાના વેચાણ પર વધુ કમિશન મળતું હોવાથી વીમા એજન્ટો લોકોને,
ખાસ કરીને નીચલા મધ્યમવર્ગના લોકોને અને વૃદ્ધોને ઊંચા વળતરના આંબાઆંબલી બતાવીને ભળતી
જ પોલિસીઓ વળગાડી દે છે.
આ પરિસ્થિતિમાં
માત્ર કંપનીઓનો ખુલાસો માગવાથી સુધારો થવાનો નથી. ઇરડાઈએ કસૂરવાર કંપનીઓ સામે દંડાત્મક
પગલાં લેવાં જોઈએ અને કમિશનનું સમગ્ર માળખું ઉપરતળે કરી નાખવું જોઈએ. વીમાના કમિશનની
રકમ પર ટોચમર્યાદા મૂકવાની જરૂર છે અને પ્રથમ વર્ષે ઊંચી ટકાવારીનું કમિશન ચૂકવવાનું
બંધ કરવા જેવું છે. વીમાનો વ્યવહાર પારદર્શક હોવો ઘટે. પોતે જે પ્રીમિયમ ચૂકવે છે તેમાંથી
એજન્ટને ક્યારે કેટલું કમિશન મળશે તે ગ્રાહકને ખબર હોવી જોઈએ. ડોક્ટરોને દવા કંપનીઓની
જેમ વીમા એજન્ટોને વીમા કંપનીઓ દ્વારા અપાતી ભેટસોગાદો, મફતિયા પ્રવાસો અને બિનનાણાંકીય
પ્રોત્સાહનો પર ઇરડાઈની ચાંપતી નજર હોવી જોઈએ. તાજેતરના સુધારાઓએ ઇરડાઈને કમિશન કાપવાની,
જાહેરાત ફરજીયાત બનાવવાની અને હરામની કમાણી ઓકાવવાની સત્તા આપી છે. ઈરાડાઈએ તેનો ઉપયોગ
કરવો જોઈશે.