અમેરિકાએ
50 યુદ્ધવિમાન મધ્ય-પૂર્વમાં મોકલ્યાં : લાંબો સમય તૈનાતીની તૈયારી
વોશિંગ્ટન,
તા. 18 : ઇરાન સાથે વકરેલી તાણ વચ્ચે અમેરિકાએ છેલ્લા 24 કલાક દરમ્યાન મધ્ય-પૂર્વમાં
50થી વધુ યુદ્ધવિમાન મોકલ્યાં છે. બંને દેશ વચ્ચે પરમાણુ સમજૂતી પર મતભેદ છે. અમેરિકી
ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે જણાવ્યું હતું કે, ઇરાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નક્કી
કરેલી શરતો માનવા તૈયાર નથી.
ટ્રમ્પ
ચેતવણી આપી ચૂક્યા છે કે, ઇરાન સમજવા તૈયાર નહીં થાય તો અમેરિકા તાકાતનો ઉપયોગ કરી
શકે છે. જીનિવામાં પરમાણુ સમજૂતી પર વાતચીતના બીજા દિવસે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિએ કહ્યું
હતું કે, કેટલાક મહત્ત્વના મુદ્દાઓ પર હજુ સહમતી બની શકી નથી.
અમેરિકી
નેતાઓનાં નિવેદનો પરથી સ્પષ્ટ થાય છે કે, ઇરાનના પરમાણુ કાર્યક્રમ પર ચાલી રહેલી વાતચીત
હજુ નાજુક દોરમાં છે. અમેરિકાનાં યુદ્ધવિમાનોની સાથે ઘણા એરિયલ રિફ્યુલિંગ ટેન્કર એટલે
કે હવામાં જ ઇંધણ ભરી શકતાં વાહનો પણ મધ્ય-પૂર્વ તરફ જતા દેખાયાં હતાં. આવી ગતિવિધિઓથી
સ્પષ્ટ સંકેત મળી રહ્યો છે કે, અમેરિકાનાં યુદ્ધવિમાન લાંબા સમય સુધીનાં ઓપરેશન માટે
તૈયાર છે.
મધ્યપૂર્વમાં
પારો ચડશે : ઈરાન-રશિયાનો સંયુક્ત નૌસેના અભ્યાસ
નવી
દિલ્હી, તા.18: મિડલ ઈસ્ટમાં અમેરિકા અને ઇરાન વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ હવે ચરમસીમાએ પહોંચતી દેખાઈ રહી છે. ઓમાન સાગર અને ઉત્તર
હિંદ મહાસાગરમાં ઇરાન અને રશિયા સાથે મળીને સંયુક્ત નૌસૈના કવાયત કરવા જઈ રહ્યા છે.
બન્ને દેશોનું આ પગલું અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનાં ઉકળાટને ઓર વધારી નાખશે.
અમેરિકા પહેલેથી જ ઇરાનને ચેતવણી આપવા સાથે આ વિસ્તારમાં બે યુદ્ધજહાજો મોકલી દીધેલા
છે ત્યારે રશિયા અને ઈરાનની સંયુક્ત કવાયત મહત્વની બની જાય છે. દરમિયાન અમેરિકાએ માત્ર
24 કલાકમાં 50થી વધુ ફાઇટર જેટ પણ રવાના કરી દીધા હોવાનું જાણવા મળે છે. ઇરાનની અર્ધ-સરકારી
ફાર્સ ન્યૂઝ એજન્સીએ એક અહેવાલમાં જણાવ્યું છે કે ઇરાન અને રશિયા ઓમાન સાગર અને ઉત્તર
હિંદ મહાસાગરમાં ગુરુવારે નૌસેના અભ્યાસ કરશે. તાજેતરમાં હોર્મુઝ જળસંધિ વિસ્તારમાં
ઇરાની રેવોલ્યુશનરી ગાર્ડ્સે પણ સૈન્ય અભ્યાસ કર્યો હતો.