-ભારે હોબાળા બાદ યુનિવર્સિટીને
એક્સપોમાંથી સ્ટોલ ખાલી કરાવાયો અને લાઈટ પણ કપાઈ
નવી દિલ્હી,
તા.18ઃ ઈન્ડિયા એઆઈ સમિટ
જેવા આંતરરાષ્ટ્રીય તખ્તા ઉપર ગ્રેટર નોઈડા સ્થિત ગલગોટિયા યુનિવર્સિટીએ ચીનનાં રોબોટ
ડોગને પોતાનો ગણાવીને પ્રદર્શિત કરીને નાક કપાવ્યું છે. આ મામલે ભારે વિવાદ થયા બાદ
એઆઈ ઈમ્પેક્ટ સમિટનાં એક્સપોમાંથી ગલગોટિયા યુનિવર્સિટીને બહાર કરી દેવામાં આવી છે.
સ્ટોલ ખાલી કરાવવામાં આવ્યા બાદ તેની લાઈટ પણ કાપી નાખવામાં આવી હતી.
રાજધાની દિલ્હી ખાતે ભારત મંડપમમાં ચાલતી સમિટ દરમિયાન યુનિવર્સિટીના
સ્ટોલ પર ચીનમાં નિર્મિત યુનિટ્રી ગોટૂ રોબોટને ઓરિયન નામ આપીને પ્રદર્શિત કરવામાં
આવ્યો હતો. તેને જોનારા નિષ્ણાતો અને સોશિયલ મીડિયા યુઝર્સે તેનાં આ દાવાની પ્રામાણિકતા
પર પ્રશ્નો ઉઠાવ્યા બાદ સમિટની ગરિમા અને મેઈક ઈન ઈન્ડિયાનાં દૃષ્ટિકોણને ધ્યાને રાખીને
આયોજકો દ્વારા યુનિવર્સિટીની એક્સપોમાંથી હકાલપટ્ટી કરી નાખી હતી.
એક ચીની વ્યવસાયિક ઉત્પાદનને પોતાનાં સર્જન તરીકે રજૂ કરવું
એક્સ્પોના નિયમોનું ઉલ્લંઘન છે. આયોજકો કોઈપણ પ્રકારના બૌદ્ધિક સંપત્તિ વિવાદ અથવા
ભ્રામક દાવાને પ્રોત્સાહન આપવા માંગતા ન હતા,
તેથી યુનિવર્સિટીને પ્રદર્શન બંધ કરીને જગ્યા ખાલી કરવા કહેવામાં આવ્યું હતું.
આમ એક પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાને આંતરરાષ્ટ્રીય મંચ ઉપર બેઈજ્જત થવાનો વારો આવ્યો
હતો.
આ વિવાદ ઉપર પ્રતિક્રિયા આપતાં યુનિવર્સિટીનાં પ્રોફેસર નેહા
સિંહે બચાવ કરતાં કહ્યું હતું કે,
આ વિવાદ થવાનું કારણ ગેરસમજ છે. વાતને સ્પષ્ટ રીતે વ્યક્ત કરાઈ નહોતી અને તેની
પાછળની મંછા બધાને સમજાઈ નહીં. રોબોટ ડોગને યુનિવર્સિટીએ બનાવ્યો હોવાનો દાવો થઈ શકે
તેમ નથી. આ રોબોટ છાત્રોને વિદ્યાર્થીઓને પ્રેરણા આપવા રજૂ કરવામાં આવ્યો હતો.
સોશિયલ મીડિયામાં યુનિવર્સિટનાં આ દાવાને ભ્રામક ગણાવતા આયોજકો
પર કાર્યવાહી કરવાનું દબાણ ઉભું થઈ ગયું હતું.
બીજીબાજુ રાજકીય મોરચા પણ ખુલી ગયા હતાં. કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીએ એઆઈ
સમિટ જનસંપર્કનો તમાશો ગણાવીને કેન્દ્ર સરકાર ઉપર હુમલો બોલાવ્યો હતો અને આરોપ મૂક્યો
હતો કે, આ સમિટમાં ભારતીય પ્રતિભાને
પ્રોત્સાહન આપવાના બદલે ચીની પ્રોડક્ટ્સને ભારતીય ઇનોવેશન તરીકે રજૂ કરવામાં આવી રહ્યા
છે. દેશમાં ડેટા અને પ્રતિભાની કોઈ કમી નથી પણ સરકાર તેનો ઉપયોગ કરવાનાં બદલે માત્ર
આયોજનનાં દેખાડામાં પડી છે.