પ્રેસિડન્ટ
ડોનાલ્ડ ટ્રમ્પે પાંચ દિવસ માટે યુદ્ધવિરામ જાહેર કર્યા પછી ઈરાન સાથે સમજૂતીની વાટાઘાટ
શરૂ કરવાના પ્રયાસ શરૂ કર્યા છે અને તેના ભાગરૂપે ભારતને વાકેફ રાખવા માટે વડા પ્રધાન
મોદીને સામે ચાલીને ફોન કર્યો અને હોર્મુઝ ખાડી કેવી રીતે તમામ દેશોનાં જહાજો માટે
ખોલી શકાય અને સલામતીની ખાતરી આપી શકાય તેની ચર્ચા કરી છે. અલબત્ત, પાંચ દિવસનો યુદ્ધવિરામ
યુદ્ધના અંત માટે માર્ગ મોકળો કરશે કે નહીં તે જોવાનું છે.
પાકિસ્તાની
સેનાના વડા આસિમ મુનીરે તો ટ્રમ્પ સાથે વાત કરીને મધ્યસ્થી કરવાની અૉફર કરી છે અને
પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે પણ ટ્રમ્પને ફોન કરીને પશ્ચિમ એશિયામાં શાંતિ
સ્થાપવામાં મદદ કરવા વચન આપ્યું છે. આ માટે રચનાત્મક ભાગ ભજવવા પાકિસ્તાન તૈયાર હોવાનું
જણાયું છે. હકીકતમાં હોર્મુઝ ખાડી ખૂલે નહીં તો તેલ-ગૅસની કટોકટી સર્જાવાનો ડર શરીફને
પણ છે. જોકે સાઉદી અરબ સાથે સંરક્ષણ કરાર કર્યા હોવાથી પાકિસ્તાનના ઈરાન સાથેના સંબંધ
મુશ્કેલીમાં છે - સાઉદીને ઈરાનના હુમલા સામે રક્ષણ આપવા બંધાયેલું હોવા છતાં પાકિસ્તાન
નિક્રિય છે તેથી હવે તટસ્થ રહીને મધ્યસ્થી કેવી રીતે કરી શકે તે જોવાનું છે.
ઈરાન
સાથે વાટાઘાટ કરવા માટે અમેરિકાના ઉપપ્રમુખ વાન્સની નિમણૂક થાય એવી ચર્ચા શરૂ થઈ છે.
આવી બેઠક પાકિસ્તાનમાં યોજાય એવા પ્રયાસ મુનીર કરી રહ્યા છે. મધ્યસ્થી ઈરાનને સ્વીકાર્ય
હોય તો પાકિસ્તાનની વગ અને પ્રતિષ્ઠા મુસ્લિમ જગતમાં સુધરી શકશે એમ મનાય છે. આવી બેઠકની
પૂર્વભૂમિકા તરીકે અમેરિકાએ પંદર મુદ્દા મોકલ્યા છે જેમાં ઈરાનના અણુકાર્યક્રમ અને
મિસાઈલ્સ બેલાસ્ટિક પ્રોગ્રામ ઉપર અંકુશ મૂકવાના મુદ્દાનો સમાવેશ થાય છે. હોર્મુઝની
ખાડી ફરીથી ખોલવાનો મુદ્દો પણ મુખ્ય છે.
દરમિયાન
ઈરાની લશ્કરના પ્રવક્તાએ અમેરિકાના મુદ્દા હાસ્યસ્પદ ગણાવ્યા છે અને કહ્યું છે કે અમેરિકા
યુદ્ધ બંધ કરવા અંગે ગંભીર નથી. ‘અમારો પહેલો અને છેલ્લો શબ્દ આજે પણ છે કે અમે તમારા
જેવા સાથે કદી સમાધાન કરી શકીએ નહીં - કદી પણ નહીં’ ઈરાનની
શરતો સ્પષ્ટ છે : અખાતમાં અમેરિકી લશ્કરી થાણાં બંધ કરો. હોર્મુઝની ખાડી માટે અલગ વ્યવસ્થા
થાય અને - ઈરાનને ટ્રાન્ઝિટ ફી વસૂલ કરવાની છૂટ મળે. યુદ્ધ ફરીથી શરૂ નહીં થાય તેની
ગૅરન્ટી અને અમારો મિસાઈલ્સ પ્રોગ્રામ ચાલુ રહે.
ટ્રમ્પ
આવી શરતો સ્વીકારે ખરા?