• ગુરુવાર, 26 માર્ચ, 2026

‘વંદેમાતરમ્ અનિવાર્ય નથી, દંડની કોઈ જોગવાઈ નથી’

 સરકારનાં પરિપત્ર વિરોધી અરજી રદ કરતી સુપ્રીમ : પરિપત્રનું પાલન કરવા કોઈ મજબૂર કરતું નથી

નવી દિલ્હી, તા.2પ: રાષ્ટ્રીય ગીત વંદેમાતરમનાં વાદન અને ગાયનને અનિવાર્ય બનાવતા ગૃહ મંત્રાલયનાં પરિપત્ર વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી એક અરજી ખારિજ કરતાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, સરકારનાં પરિપત્રમાં વંદેમાતરમનું ગાન અનિવાર્ય નથી અને તેમાં દંડની કોઈ જોગવાઈ નથી.

સુપ્રીમ કોર્ટે અરજી રદ કરતાં કહ્યું હતું કે, કોઈની સાથે આ સૂચનાનાં આધારે ભેદભાવ કે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે તો અદાલત આની સુનાવણી કરશે. અદાલતે આગળ કહ્યું હતું કે, સાર્વજનિક સ્થળો અને કાર્યક્રમો માટે જારી આ નિર્દેશ અનિવાર્ય નથી. તેની સામે દાખલ કરવામાં આવેલી આ અરજી અપરિપક્વ છે. આ અરજીની સુનાવણી સીજેઆઈ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વિપુલ પંચોલીની પીઠ દ્વારા સાંભળવામાં આવી હતી. મોહમ્મદ સઈદ નૂરી નામક અરજદારએ ગૃહ મંત્રાલય તરફથી 28 જાન્યુઆરીએ જારી કરવામાં આવેલા વંદેમાતરમ સંબંધિત પરિપત્ર અને કાર્યાલયો, શાળાઓમાં તેનાં ગાયન માટે આપવામાં આવેલા પ્રોટોકોલને પડકારવામાં આવ્યા હતાં.

આની સુનાવણીમાં જસ્ટિસ જોયમાલ્યા બાગચીએ અરજદારને સવાલ કર્યો હતો કે, શું સરકારનાં જાહેરનામામાં એવી કોઈ વ્યવસ્થા છે જેમાં કહેવાયું હોય કે વંદેમાતરમ કોઈ નહીં ગાય તો તેને બહાર કાઢી મૂકવામાં આવશે કે પછી તેની સામે કોઈ કાર્યવાહી થશે? અદાલતે આગળ કહ્યું હતું કે, આ દિશાનિર્દેશ માત્ર પ્રોટોકોલ છે અને તેનું પાલન કરવું અનિવાર્ય નથી. જ્યારે અરજદાર સામે કોઈ દંડાત્મક કાર્યવાહી થાય કે પછી તેનાં માટે આ ગીત અનિવાર્ય કરવામાં આવે ત્યારે આ અરજી ધ્યાને લેવામાં આવશે.

સીજેઆઈ સૂર્યકાંતે કહ્યું હતું કે, અમને તે નોટિસ બતાવો જેમાં રાષ્ટ્રીય ગીત વગાડવા માટે તમને મજબૂર કરવામાં આવ્યા હોય. તમે એક શાળા ચલાવો છે અને તે માન્યતાપ્રાપ્ત છે કે નહીં તેની પણ કોર્ટને જાણ નથી.

જેની સામે અરજદાર તરફથી એડવોકેટ સંજય હેગડેએ એવી દલીલ આપી હતી કે, જો કોઈ વ્યક્તિ વંદેમાતરમ ગાવા કે રાષ્ટ્રગીતનાં સમયે ઉભા થવાનો ઈનકાર કરે તો તેનાં ઉપર સામાજિક દબાણ ઉભું થાય છે અને તેને આનાં માટે મજબૂર પણ કરવામાં આવી શકે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક