• મંગળવાર, 24 માર્ચ, 2026

સાથે રહેશું તો સંકટમાંથી પાર ઉતરશું

પાંચ દિવસ પાવર પ્લાન્ટ ઉપર હુમલા નહીં કરીએ તેવા અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથી હાંફી રહેલા મીડલ ઈસ્ટ અને ડરી રહેલા વિશ્વને થોડી રાહત થઈ છે. કદાચ આ યુદ્ધ વિરામ તરફની પણ ગતિ હોઈ શકે, બીજી તરફ ભારતની કેન્દ્ર સરકાર- રાજ્યની સરકારો હાંફળી થયેલી જનતાને સધિયારો આપી રહી છે કે મુંઝાતા નહીં, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી.  સમાચારોના આ ધસમસતા પ્રવાહની વચ્ચે આજે ભારતના વડાપ્રધાને પણ દેશની પ્રજાને હિંમત ન હારવા આહ્વાન કર્યું છે. લોકસભામાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે સંકટ તો છે પરંતુ આપણે એક થઈને તેનો સામનો કરવાનો છે એ જ રીતે, જે રીતે આપણે કોરોના મુસીબતની સામે લડયા હતા.

વડાપ્રધાનના વક્તવ્યના સંકેતો-સૂચિતાર્થો અનેક છે. તેમણે કહ્યું કે લડાઈ જ્યાં ચાલી રહી છે તે ક્ષેત્ર સાથે ભારતનું વેપારી જોડાણ છે. ઓઈલ-ગેસની પુરવઠા સાંકળ પણ તે દેશો સાથે છે. આ યુદ્ધને લીધે વિશ્વમાં જે મુશ્કેલી ઊભી થઈ છે તેની અસર લાંબા સમય સુધી રહેવાની શક્યતા છે તેથી આપણે કપરા સંજોગ માટે તૈયાર રહેવું પડશે. વડાપ્રધાનના આ વિધાનનો અર્થ ક્યાંક અલગ થઈ રહ્યો છે. તેમણે આગળ કહ્યું કે આપણે અગાઉ કોરોના સમયે પણ એક થઈને રહ્યા હતા. તેવી રીતે આ સમયે પણ રહેવાનું છે. કોરોના જેવા દિવસો આવશે તેવું તેઓ બોલ્યા નથી.

એક તરફ અફવાનો દોર ચાલી રહ્યો છે, પ્રજાના મનમાં પણ સંશયો છે તે વેળાએ વડાપ્રધાને કહ્યું કે આપણે ધીરજ, સંયમ અને શાંત મનથી કામ લેવું પડશે. આ જ આપણી ઓળખ છે અને તાકાત છે.  કેટલાક તત્વો આ સ્થિતિનો ગેરલાભ ઊઠાવવાનો પણ પ્રયાસ કરશે. કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે આપણે બધી એજન્સીઓને પણ સતર્ક રાખી છે. સીમા હોય કે સાયબર પ્લેટફોર્મ તમામ રીતે આપણે સજ્જ  છીએ. દેશની દરેક સરકાર અને પ્રત્યેક નાગરિક સાથે મળીને આગળ વધશે તો આપણે કોઈ પણ કસોટીનો સામનો કરી શકશું.  કેટલાક માધ્યમોએ આ વક્તવ્યને જે ડરામણું સ્વરુપ આપ્યું તેવું તેઓ બોલ્યા નથી. યુદ્ધને લીધે ઉભી થયેલી સ્થિતિ ત્રણ સપ્તાહથી ચાલી રહી છે. વૈશ્વિક અર્થવ્યવસ્થા અને લોકોના જીવન ઉપર તેની અસર પડી રહી છે તેવો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે આ તનાવ શક્ય તેટલો જલદી પૂર્ણ થાય  તેવો સ્પષ્ટ સંદેશ ભારતની સંસદ આપવા માગે છે. વડાપ્રધાનનું આ વિધાન આંતરરાષ્ટ્રીય સ્તરે અગત્યનું અને યુદ્ધરત દેશોને શાંતિનો અનુરોધ કરનારું છે. ક્રૂડ ઓઈલની આયાત નીતિ, અત્યારે કેટલો જથ્થો અનામત છે તે વિગતો આપણ આપી. ઊર્જા વર્તમાન અર્થતંત્રની કરોડરજ્જુ છે, અર્થતંત્ર ઉપર થનારી અસરોને નિવારવા માટે પણ સરકાર રણનીતિની સાથે કામ કરી રહી છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક