આદિત્ય
બિરલા અને ટાઇમ્સ ગ્રુપ હવે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુના પુરુષ-મહિલા ટીમના નવા માલિક
બન્યા
રાજસ્થાન
રોયલ્સ ટીમ 15,000 કરોડમાં વેચાયા બાદ હવે બીજા મોટા સોદાથી આઇપીએલ ની બ્રાંડ વેલ્યૂમાં
જબ્બર વધારો
નવી
દિલ્હી, તા.2પ : રાજસ્થાન રોયલ્સ ટીમ 1પ,000 કરોડ રૂપિયામાં વેચાયા બાદ હવે એથી પણ
મોટો સોદો થયો છે. આઇપીએલની વર્તમાન ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (આરસીબી)
16,706 કરોડ રૂપિયામાં વેચાઈ ગઈ છે. આરસીબી ટીમને આદિત્ય બિરલા અને ટાઇમ્સ ગ્રુપના
કન્સોર્ટિયમએ ખરીદી છે. આમ આઇપીએલમાં બે ટીમ રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ
ફ્રેંચાઇઝીને નવા માલિક મળ્યા છે. રાજસ્થાન રોયલ્સ ફ્રેંચાઈઝીને ગઈકાલે ભારતીય મૂળના
અમેરિકી બિઝનેસમેન કાલ સોમાનીએ ખરીદી હતી. ઉપરાઉપરી બે મોટા સોદાથી આઇપીએલની બ્રાંડ
વેલ્યૂમાં જોરદાર વધારો થયો છે. જે લગભગ 19 બિલિયન ડોલર આસપાસ આંકવામાં આવે છે.
આઇપીએલની
19મી સીઝનની ઠીક અગાઉ યુનાઇટેડ સ્પ્રિટસ લિમિટેડ (યુએસએલ)એ આરસીબી ફ્રેંચાઇઝીનું વેચાણ
કર્યાની સત્તાવાર જાહેરાત કરી છે. તેમણે આઇપીએલની ટોચની ફ્રેંચાઇઝી આરસીબી આદિત્ય બિરલા
ગ્રુપ, ટાઇમ્સ ઓફ ઇન્ડિયા ગ્રુપ, બોલ્ટ વેન્ચર્સ અને બ્લેકસ્ટોનનાં ગઠબંધનને 1.78 અબજ
ડોલર (લગભગ 16,706 કરોડ રૂપિયા)માં વેચી છે. આથી હવેથી આરસીબીની પુરુષ અને મહિલા ટીમનું
સ્વામિત્વ ઉપરોકત કંપનીના હાથમાં રહેશે.
16,706
કરોડ રૂપિયાના આ સોદા પર આદિત્ય બિરલા ગ્રુપ તરફથી પૂર્વ ક્રિકેટર આર્યમાન બિરલાએ હસ્તાક્ષર
કર્યા હતા. મધ્યપ્રદેશના આ 28 વર્ષીય પૂર્વ ક્રિકેટર અને હવે બિઝનેસ ટાઇકૂન ગણાતા આર્યમાન
બિરલા આરસીબી ફ્રેંચાઇઝીના ચેરમેન બનશે જ્યારે ટાઇમ્સ ગ્રુપના સત્યન ગજવાની વાઇસ ચેરમેન
હશે. આ સોદાને બીસીસીઆઇ અને આઇપીએલ સંચાલન સમિતિની ઐપચારિક મંજૂરી મળવી બાકી છે.