• ગુરુવાર, 26 માર્ચ, 2026

સ્થિતિ નિયંત્રણમાં : સર્વપક્ષીય બેઠકમાં સરકારની ખાતરી

કિરેન રિજિજૂએ કહ્યું, વિપક્ષને વર્તમાન સ્થિતિની વિસ્તૃત જાણકારી આપી, સરકારને સમર્થનનો ભરોસો મળ્યો

ઊર્જા આપૂર્તિ ઉપર કોઈ જોખમ ન હોવાનો સરકારનો દાવો : વિપક્ષ સરકારના જવાબોથી નાખુશ, સંસદમાં ચર્ચાની માગ

નવી દિલ્હી, તા. 25 : પશ્ચિમ એશિયામાં સંઘર્ષની સ્થિતિ વચ્ચે ભારતની કેન્દ્ર સરકારે સર્વપક્ષીય બેઠક કરીને સ્થિતિ ઉપર ચર્ચા કરી હતી. રક્ષા મંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં મળેલી બેઠક અંદાજિત 1 કલાક અને 45 મિનિટ સુધી ચાલી હતી. આ બેઠકમાં સરકારે સાફ સંદેશ આપ્યો હતો કે દેશમાં હાલાત પૂરી રીતે નિયંત્રણમાં છે અને કોઈપણ રીતે ડરવાની જરૂર નથી. બેઠકનો હેતુ વિપક્ષને વર્તમાન સ્થિતિથી અવગત કરાવવાનો અને રાષ્ટ્રીય સ્તરે એકતા બતાવવાનો હતો. બીજી તરફ વિપક્ષ સરકારના જવાબોથી ખુશ નથી અને લોકસભા અને રાજ્યસભામાં ચર્ચા કરાવવાની માગણી કરી હતી.

બેઠકમાં સુરક્ષા મામલાની કેબિનેટ સમિતિથી જોડાયેલા મંત્રી હાજર રહ્યા હતા. જેમાં અમિત શાહ, એસ જયશંકર અને નિર્મલા સીતારમણ સામેલ છે. આ ઉપરાંત જે પી નડ્ડા અને કિરેન રિજિજૂ પણ બેઠકમાં હતા. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ વૈશ્વિક સ્થિતિ અને પશ્ચિમ એશિયાના સંકટ ઉપર વિસ્તારથી જાણકારી આપી હતી. કોંગ્રેસના તારિક અનવર અને મુકુલ વાસનિક, સમાજવાદી પાર્ટીના ધમેન્દ્ર યાદવ અને બીજેડીના સસ્મિત પાત્રા પણ બેઠકમાં સામેલ હતા. બેઠકમાં કોંગ્રેસ અને સપાના પ્રતિનિધિઓએ સવાલ કર્યો હતો કે ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન  મધ્યસ્થની ભૂમિકા ભજવી રહ્યું છે, જ્યારે ભારત મુક દશૃક છે. આ વાત ઉપર જયશંકરે જવાબ આપ્યો હતો કે પાકિસ્તાન આવી હરકતો 1981થી કરે છે. તેમાં કંઈ નવું નથી. ભારત પાકિસ્તાનની જેમ દલાલ દેશ બની શકે નહી.

સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂએ કહ્યું હતું કે, બેઠકમાં તમામ પક્ષોએ ભાગ લીધો હતો અને સરકારને સમર્થનનો ભરોસો આપ્યો હતો. વિપક્ષના તમામ સવાલોના જવાબ આપવામાં આવ્યા હતા અને વર્તમાન સ્થિતિ અંગે વિસ્તારથી જાણકારી આપવામાં આવી હતી. રિજિજૂએ તમામ દળોનો આભાર માનતા કહ્યું હતું કે દેશહિતના મુદ્દે રાજનીતિક દળોએ એકતા બતાવી છે અને સ્થિતિ અનુસાર સરકાર જે પણ પગલાં ભરશે તેમાં પૂરા સહયોગનું આશ્વાસન આપ્યું છે.

સરકારે બેઠકમાં સ્પષ્ટ કર્યું હતું કે, દેશમાં ઊર્જા સંસાધનોની કોઈ કમી નથી. તેલની સપ્લાઈ પૂરી રીતે સામાન્ય છે અને પર્યાપ્ત સ્ટોક છે. સરકારે કહ્યું હતું કે, વધુ ચાર જહાજ ભારત તરફ આવી રહ્યા છે અને અમુક અન્ય જહાજ જલ્દી હોર્મુઝમાંથી બહાર નીકળશે. જેનાથી સાફ થાય છે કે સપ્લાય ચેઇન અંગે કોઈ મોટું જોખમ નથી.

બેઠકમાં વિપક્ષે સુરક્ષા, તેલ આપૂર્તિ અને વિદેશ નીતિ અંગે સવાલ કર્યા હતા. જેના ઉપર સરકારે ભરોસો આપ્યો હતો કે તમામ બાબતો ઉપર ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને જોઈ વિચારીને પગલાં ભરવામાં આવી રહ્યાં છે. સાથે જ સામાન્ય લોકોને અપીલ કરી હતી કે કોઈપણ પ્રકારની અફવા ઉપર ધ્યાન ન આપે અને ડરે નહીં. સરકારના કહેવા પ્રમાણે દેશ પૂરી રીતે તૈયાર છે અને કોઈપણ સ્થિતિનો સામનો કરવાની ક્ષમતા ધરાવે છે. 

ઇ-પેપરના નવા શુલ્ક