• ગુરુવાર, 04 જૂન, 2026

બંગાળમાં શાંતિ અને સંયમની જરૂર

પશ્ચિમ બંગાળમાં સ્પષ્ટ જનમત આવી ગયા પછી પણ હિંસાચાર રોકાય નહીં તે કમનસીબી છે. તૃણમૂલ કૉંગ્રેસના રાષ્ટ્રીય સચિવ, મમતા બેનરજીના ભત્રીજા - રાજકીય વારસદાર હોવાની માન્યતા છે તે અભિષેક બેનરજી ઉપર હિંસક હુમલો થયા પછી હિંસક ઘટનાના વિરોધમાં તૃણમૂલ કૉંગ્રેસ દ્વારા યોજાયેલા સરઘસમાં પક્ષના પ્રવક્તા કૃણાલ ઘોષ ઉપર હુમલો થયો હોવાથી આ ઘટના હવે કાયદો વ્યવસ્થાની નહીં રહેતાં ‘રાજકીયબની ગઈ છે! પૂર્વ મુખ્ય પ્રધાન મમતા બેનરજી આવી ઘટનાને રાજકીય સ્વરૂપ આપવામાં માહેર છે. અભિષેક બેનરજી લોકસભાના સભ્ય પણ હોવાથી અને વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ ઘટનાની નિંદા કરીને અભિષેકને અન્ય રાજ્ય - ભાજપનું શાસન હોય નહીં ત્યાં સારવાર આપવાની વ્યવસ્થાની અૉફર કરી છે. આમ હવે વિપક્ષને ભાજપ સામે આક્રમક બનવા માટે વધુ એક મજબૂત મુદ્દો મળ્યો છે.

રાજકીય હિંસા કોઈપણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં. છેલ્લા પાંચ દશકથી પશ્ચિમ બંગાળ લોકતંત્ર હિંસાખોરીનું ભોગ બન્યું છે. ડાબેરી - માર્ક્સવાદીઓ, નવી લવાદીઓ પછી મમતાદીદીના શાસનમાં કોમવાદી હિંસાચારને પ્રોત્સાહન અને રક્ષણ મળ્યું હતું. હવે તેના પ્રત્યાઘાત પડી રહ્યા છે. અભિષેક બેનરજી બંગાળના બેતાજ બાદશાહ બની ગયા હતા. એમની સામે હત્યાના ઘણાં કેસ હજુ ઊભા છે પણ અભિષેકની દાદાગીરીનો ભોગ બનેલા બંગાળી નાગરિકોના દિલોદિમાગમાં ભારોભાર ભરાયેલો રોષ અને તિરસ્કાર હવે વિસ્ફોટ બનીને બહાર આવી રહ્યો હોય એમ લાગે છે અને તે શક્ય હોવા છતાં સ્વીકાર્ય ગણી શકાય નહીં. રાજ્યની ભાજપ સરકારે કાયદો - વ્યવસ્થા ગમે તે ભોગે - રાજકીય લેખાં-જોખાંના ભોગે પણ જાળવવી જ જોઈએ. પોલીસ તંત્રે હિંસા માટે જવાબદાર શખસોને અટકાયતમાં લીધા છે પણ તે સાથે મુખ્ય પ્રધાને તમામ નાગરિકોને શાંતિ અને સંયમની અપીલ કરવી જરૂરી છે. કેન્દ્રીય નેતાગીરીએ પણ મૌન જાળવવાની જરૂર નથી. વિપક્ષો અને વિપક્ષી નેતા માટે બગાસું ખાતાં પતાસું મોઢામાં પડયું છે! હિંસક હુમલા ઉપરાંત તબીબી સારવાર બાબત ડૉક્ટરો સામે ભેદભાવની ફરિયાદનો યોગ્ય જવાબ આપવો જરૂરી છે.

મમતાદીદીએ ધરણાં અને વિરોધ પ્રદર્શનનો પડકાર કર્યો છે તે વિપક્ષી છાવણીમાં એમનું સ્થાન નિશ્ચિત કરવા માટે છે પણ એમણે બોલાવેલી અર્જન્ટ બેઠકમાં 80 વિધાનસભ્યોમાંથી માત્ર 20 હાજર રહ્યા તે બતાવે છે કે હવે બંગાળમાં મમતાદીદીની ‘હાકવાગતી નથી! હિંસાના પ્રદર્શન માટે તેઓ જાણીતા છે. પણ હવે માનીતાં નથી! વ્હીલચેર ઉપર પ્લાસ્ટરમાં પગ બતાવીને “ઊંચોરાખવાનો રાજકીય સમય હવે વીતી ગયો છે તેથી કાર્યકરોને શાંતિ-સંયમનો સંદેશ આપે તે એમના રાજકીય હિત અને બંગાળના ભવિષ્ય માટે સમયની માગ છે...

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક