• બુધવાર, 03 જૂન, 2026

CBSEનું પુન:મૂલ્યાંકન: ચેરમેન,સચિવને હટાવાયા

OSM વિવાદમાં સરકારની મોટી કાર્યવાહી : તાત્કાલિક અસરથી બદલી : ઉચ્ચસ્તરીય તપાસ સમિતિની રચના

નવીદિલ્હી, તા.2 : નીટનું પેપર ફૂટયા પછી સીબીએસઇની ઓએસએમ સુવિધામાં બહાર આવેલા ગોટાળા બાદ સરકારે હરકતમાં આવીને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (સીબીએસઈ)માં મોટા પ્રશાસનિક ફેરફારો કરવામાં આવ્યા છે. બોર્ડના અધ્યક્ષ રાહુલ સિંહ અને સચિવની તાત્કાલિક અસરથી બદલી કરી નાખવામાં આવી છે. બોર્ડ દ્વારા ઓન-ક્રીન માર્કિંગ (ઓએસએમ) સેવાઓની ખરીદી પ્રક્રિયામાં થયેલી કથિત ગેરરીતિઓની તપાસ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. સીબીએસઇએ ઓએસએમ સેવાઓની ખરીદી સંબંધિત ફરિયાદોની તપાસ માટે ઉચ્ચસ્તરીય તપાસ સમિતિની રચના કરી છે. સમિતિ સમગ્ર પ્રક્રિયાની વિગતવાર તપાસ કરીને ટૂંક સમયમાં રિપોર્ટ રજૂ કરશે.  બોર્ડની નવી ઓન-ક્રીન માર્કિંગ સિસ્ટમ અને રી-ઇવેલ્યુએશન પોર્ટલમાં સામે આવેલી ગંભીર ટેકનિકલ ખામીઓ બાદ મોદી સરકારે કડક વલણ અપનાવી આ પગલું ભર્યું છે. વિદ્યાર્થીઓના ભવિષ્ય અને પરીક્ષા પ્રણાલીની પારદર્શિતા જળવાઈ રહે તે હેતુથી તેને સીબીએસઈના ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી પ્રશાસનિક કાર્યવાહી માનવામાં આવી રહી છે.

શિક્ષણ મંત્રાલયે ઓએસએમ સાથે જોડાયેલી ટેન્ડર પ્રક્રિયામાં થયેલી કથિત ગેરરીતિઓ અને ડિજીટલ મૂલ્યાંકન સિસ્ટમમાં સામે આવેલી ખામીઓ અંગે આંતરિક તપાસ અને કડક કાર્યવાહી શરૂ કરી છે. મંત્રાલયનાં સૂત્રોના જણાવ્યા મુજબ, સીબીએસઇ દ્વારા અત્યાર સુધીમાં આપવામાં આવેલાં સ્પષ્ટીકરણો સંતોષકારક નથી. જેનાં કારણે હવે બોર્ડની અંદર વિવિધ સ્તરે અધિકારીઓની જવાબદારી નક્કી થવાની અને તેમની સામે કાર્યવાહી થવાની સંપૂર્ણ શક્યતા છે.

આ દરમિયાન આજે વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન રી-ઇવેલ્યુએશન અને ઉત્તરવહીઓની સ્કેન કરેલી નકલોમાં રહેલી સમસ્યાઓના ચકાસણી માટે પોર્ટલ શરૂ કર્યું છે. આ સુવિધા માત્ર એ વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ છે જેમણે પોતાની સ્કેન કરેલી ઉત્તરવહીઓ મેળવી લીધી છે.

પોર્ટલ 2 જૂન, 2026થી 6 જૂન, 2026 (મધરાત સુધી) ખુલ્લું રહેશે. ત્યારબાદ કોઈપણ ઓફલાઇન અરજી સ્વીકારવામાં આવશે નહીં. વિદ્યાર્થીઓએ સીબીએસઇની સત્તાવાર વેબસાઇટ પર આધાર નંબર દ્વારા લોગિન કરીને ઓનલાઇન અરજી કરવી પડશે. ફી ચુકવણી સહિતની સંપૂર્ણ પ્રક્રિયા ડિજીટલ માધ્યમથી જ પૂર્ણ કરવામાં આવશે.

સીબીએસઇએ વિદ્યાર્થીઓને અપીલ કરી છે કે અંતિમ અરજી સબમિટ કરતા પહેલાં તમામ વિષયો સંબંધિત અનુરોધોનો સમાવેશ કરી લે. એકવાર ‘ફ્રીઝ એન્ડ પ્રોસીડ ટુ પેમેન્ટ બટન દબાવી દેવાયા બાદ અરજી લોક થઈ જશે અને તેમાં કોઈ ફેરફાર કરી શકાશે નહીં. બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે વિદ્યાર્થી એક વિષય માટે અથવા એક સાથે અનેક વિષયો માટે માત્ર એક જ અરજી કરી શકે છે.

હવે શિક્ષણ મંત્રાલયે ટેન્ડર પ્રક્રિયા અને ડિજીટલ મૂલ્યાંકન તંત્ર સાથે જોડાયેલા સમગ્ર ઘટનાક્રમની તપાસ શરૂ કરી દીધી છે. મંત્રાલયનું માનવું છે કે પરીક્ષા અને મૂલ્યાંકન પ્રણાલીમાં પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવી અત્યંત જરૂરી છે. આ કારણસર સીબીએસઈની અંદર જવાબદારી નક્કી કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને આગામી દિવસોમાં પગલાં લેવામાં આવે તેવી શક્યતા છે. હવે પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા અને પોર્ટલની ટેક્નિકલ ખામીઓ દૂર કરવા માટે શિક્ષણ મંત્રાલયે આઇઆઇટીના નિષ્ણાતોને કામ સોંપ્યું છે. આ નિષ્ણાતો રી-ઇવેલ્યુએશન પોર્ટલના આર્કિટેક્ચરનું ઓડિટ કરશે અને સાયબર સુરક્ષાને વધુ મજબૂત બનાવવાનું કામ કરશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક