ફોન પર ફટકાર લગાવી : નેતત્યાહુ લેબેનોનમાં હુમલા રોકવા સંમત થયાનો દાવો
વોશિંગ્ટન,
તા. 2 : મધ્ય-પૂર્વમાં નવેસરથી વધેલા તનાવ
વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુને
ફોન કરીને ફટકાર લગાવી હોવાના અહેવાલ છે. દક્ષિણ બૈરૂતમાં હિઝબુલ્લાહનાં સ્થળો પર ઈઝરાયલી
હુમલા રોકવા માટે કરેલા ફોન દરમ્યાન ટ્રમ્પે નેતન્યાહુને કહ્યું હતું કે, તમારે લીધે
ઈઝરાયલને આખી દુનિયામાં સાંભળવું પડે છે. તમે પાગલ થઈ ગયા છો અને મારે કારણે જ જેલવાસથી
બચી ગયા છો. વાતચીત બાદ ટ્રમ્પે સોશિયલ મીડિયામાં જણાવ્યું હતું કે, મારી સમજાવટ બાદ નેતન્યાહુ લેબેનોનમાં હુમલા અટકાવવા
માટે સંમત થયા છે. તમારો આભાર નેતન્યાહુ.
એક
અમેરિકી ન્યૂઝ વેબસાઈટના અહેવાલ મુજબ ટ્રમ્પે નેતન્યાહુને કહી દીધું હતું કે, તમે સાવ
ગાંડા થઈ ગયા છો. હું ન હોત તો તમે અત્યારે જેલમાં હોત. હું તમને બચાવી રહ્યો છું.
અત્યારે બધા તમને નફરત કરે છે અને લોકો ઈઝરાયલથી નારાજ છે. હેવાલમાં દાવો કરાયો હતો
કે, ટ્રમ્પે વાતચીતમાં અપશબ્દનો પણ ઉપયોગ કર્યો હતો.
સૂત્રોના
જણાવ્યા અનુસાર ટ્રમ્પને એવો ભય છે કે, લેબેનોનમાં ઈઝરાયલના હુમલાથી અમેરિકા અને ઈરાન
વચ્ચે ચાલી રહેલી વાટાઘાટો પાટા પરથી ઊતરી શકે છે. ખાસ કરીને નાગરિકોનાં મૃત્યુને લીધે ટ્રમ્પ નારાજ થયા
હતા. હિઝબુલ્લાહને નિશાન બનાવવા માટે ઈઝરાયલ આખી ઈમારતોને ધરાશાયી કરી રહ્યું છે. જો કે, વાતચીત બાદ ટ્રમ્પે નેતન્યાહુનો
આભાર માન્યો હતો અને દાવો કર્યો હતો કે, તેઓ લેબેનોનમાં હુમલા બંધ કરવા માટે સંમત થઈ
ગયા છે.