• બુધવાર, 03 જૂન, 2026

દુનિયાનું અર્થતંત્ર આવી જશે વેન્ટીલેટર ઉપર?

ઈરાનની ખતરનાક ધમકી : હુમલા નહીં અટકે તો હોર્મુઝની જેમ બાબ અલ-મંદેબ પણ બંધ કરવાની ચેતવણી

નવીદિલ્હી,તા.2: અમેરિકા સામેનાં યુદ્ધવિરામમાં નાના-મોટા હુમલાનાં છમકલાઓ વચ્ચે શાંતિ વાટાઘાટો ખોરંભે ચડી ગયા બાદ હવે ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝની જેમ વિશ્વના વધુ એક મહત્વપૂર્ણ જળમાર્ગને બંધ કરવાની ધમકી આપીને ખળભળાટ મચાવી દીધો છે. લેબનોન પર થયેલા તાજેતરના ઇઝરાયેલી હુમલાઓથી ઈરાન ઉશ્કેરાઈ ગયું છે અને ચેતવણી આપી છે કે જો આ હુમલાઓને તાત્કાલિક બંધ નહીં કરવામાં આવે તો સમગ્ર વિસ્તારમાં વિનાશ નિશ્ચિત છે. આ સાથે ઈરાને બાબ અલ-મંદેબ જળમાર્ગને પણ ઠપ કરી દેવાની ખુલ્લી ધમકી આપી છે. જો ઈરાનની આ ધમકી વાસ્તવિકતા બનશે તો પહેલેથી જ સંઘર્ષ કરી રહેલી વૈશ્વિક અર્થવ્યવસ્થા વધુ ગંભીર સંકટમાં ફસાઈ જઈ શકે છે.

ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડનાં કુદ્સ ફોર્સનાં કમાન્ડર ઈસ્માઈલ કાનીએ આ ચેતવણી આપતા કહ્યું હતું કે, જો ઇઝરાયલ લેબનોન અને ગાઝામાં આ જ રીતે બોમ્બમારો ચાલુ રાખશે તો ઈરાન સમર્થિત એક્સિસ ઓફ રેઝીસ્ટંસ તેનો જવાબ આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. તેમણે કહ્યું કે એક્સિસ ઓફ રેઝિસ્ટન્સ  બાબ અલ-મંદેબ ઉપર પણ હોર્મુઝની જેમ અંકુશ મેળવી લેશે.

બાબ અલ-મંદેબ શું છે? 

અરબી ભાષામાં બાબ અલ-મંદેબનો મતલબ અશ્રુઓનો દરવાજો થાય છે. આ એક અત્યંત સાંકડો સમુદ્રી માર્ગ છે, જે લાલ સાગર અને એડનની ખાડી વચ્ચે આવેલો છે. આ માર્ગ સ્વેજ કેનાલ મારફતે એશિયાને યુરોપ સાથે સીધો જોડે છે. યમન અને આફ્રિકાના દેશો જિબૂતી તથા ઈરિટ્રિયા વચ્ચે આવેલો આ માર્ગ કેટલીક જગ્યાએ માત્ર 26 થી 29 કિલોમીટર જેટલો પહોળો છે. તેના પૂર્વીય ભાગમાં આવેલી એલેક્ઝેંડર ચેનલ માત્ર 3.2 કિલોમીટર પહોળી છે અને વિશ્વના મોટા ભાગના વ્યાવસાયિક જહાજો આ જ માર્ગેથી પસાર થાય છે.

આ માર્ગ શા માટે મહત્વપૂર્ણ છે ?

            ઈરાનની સરહદથી હજારો કિલોમીટર દૂર હોવા છતાં, બાબ અલ-મંદેબનો અવરોધ વૈશ્વિક વેપારને ગંભીર અસર પહોંચાડી શકે છે. એશિયા-યુરોપ વેપારની જીવનરેખા સમાન છે. હોર્મુઝ જેવી રીતે ઓઈલ અને ગેસની સપ્લાય માટે મહત્વપૂર્ણ છે, તે જ રીતે બાબ અલ-મંદેબ વિશ્વભરના ઉપભોક્તા ઉત્પાદનોની જીવનરેખા છે.

            ઊર્જા પુરવઠા પર પણ અસર થવાની આશંકા છે કારણ કે આ માર્ગથી દરરોજ લગભગ 60થી 80 લાખ બેરલ ક્રૂડ ઓઈલ અને રિફાઇન્ડ પેટ્રોલિયમ ઉત્પાદનો યુરોપ અને ઉત્તર અમેરિકામાં પહોંચાડવામાં આવે છે.

            જો આ જળમાર્ગ પણ અવરોધાય તો મોંઘવારીમાં મોટો ઉછાળો આવી શકે છે. ઈરાન સમર્થિત હુથી વિદ્રોહી અગાઉ પણ આ માર્ગેથી પસાર થતાં જહાજોને નિશાન બનાવતા રહ્યા છે. હવે ઈરાને સંકેત આપ્યો છે કે હુથીઓ ફરીથી અહીં સક્રિય થઈ શકે છે. 

 

ઇ-પેપરના નવા શુલ્ક