(ફૂલછાબ ન્યુઝ)
પોરબંદર,
તા.2: માધવપુર નજીક આવેલા ગોરસર ગામ પાસે ટોલ પ્લાઝા નજીક ગત રાત્રે ગમખ્વાર અકસ્માત
સર્જાયો હતો. પુરઝડપે આવી રહેલી થાર કારે બાઈકને પાછળથી અડફેટે લેતા પોરબંદરના એક જ
પરિવારના ત્રણ સભ્યોના કરુણ મૃત્યુ નીપજ્યા છે. બનાવના પગલે સમગ્ર પોરબંદર પંથક અને
મુસ્લિમ સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
પ્રાપ્ત
વિગતો મુજબ પોરબંદરના આવાસ કોલોનીમાં રહેતા નઝીર જુમા સાટી (ઉ.35), તેમના પત્ની રોજીનાબેન
(ઉ.32) અને પુત્ર નવાજ (ઉ.3) કેશોદ ગામે રોજીનાબેનના પિતાના ઘરે ઈદની ઉજવણી કરવા ગયા
હતા. મોડી રાત્રે ત્રણેય બાઈક પર પોરબંદર પરત ફરી રહ્યા હતા. રાત્રે અંદાજે અઢી વાગ્યાના
અરસામાં ગોરસર ટોલનાકા નજીક પહોંચતા જ પાછળથી બેફામ ઝડપે આવતી થાર કારના ચાલકે સ્ટીયારિંગ
પરનો કાબૂ ગુમાવીને તેમની બાઈકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે,
બાઈક સાથે ત્રણેય સભ્યો ફંગોળાઈને રસ્તા પર પટકાયા હતા. ગંભીર ઈજાઓને કારણે ત્રણેયના
ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. બીજી તરફ અકસ્માત સર્જનાર કારમાં બે લોકો સવાર હોવાનું
જાણવા મળ્યું છે. બે પૈકી એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક વધુ સારવાર
માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે. બીજાને સામાન્ય ઈજાઓ થઈ છે. બનાવની જાણ થતા જ માધવપુર પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે
ત્રણેય મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે માધવપુર સરકારી દવાખાને ખસેડયા હતા. એક
સાથે આખા પરિવારના મૃત્યુથી પોરબંદરના આવાસ વિસ્તાર અને મુસ્લિમ સમાજમાં શોકની લાગણી
પ્રસરી ગઈ છે. મૃતકોના જનાજામાં અશ્રુભીની આંખે સમાજના લોકો જોડાયા હતા. જાણવા મળતી
વિગતો મુજબ અકસ્માતમાં બીજા દિવસે સાંજે 7:30 વાગ્યા સુધી પોલીસ દ્વારા કોઈ ફરિયાદ
દાખલ કરવામાં આવી ન હતી. પોલીસની આ ઢીલી નીતિને લઈને લોકોમાં અનેક તર્ક-વિતર્ક અને
ચર્ચાઓએ જોર પકડયું છે. મૃતકના પરિવારજનો અને સમાજના આગેવાનો ન્યાયની માગ કરી રહ્યા
છે.