વિદ્યાર્થીઓ સાથે જાણે રાષ્ટ્રવ્યાપી મજાક ચાલી રહી છે. કારકિર્દી માટે અત્યંત અગત્યની એવી પરીક્ષા લેવામાં પ્રશાસન નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે. યુવાપેઢીના સપના ઉપર પાણી ફરી રહ્યું છે. ‘નીટ યુજી’, ‘ક્યુટ- સીયુઈટી’ની પરીક્ષાના વિવાદ બાદ હવે ‘સીબીએસઈ’ની પરીક્ષા પણ ચર્ચાનો વિષય બની છે. ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં પેપર ફૂટવાની ઘટનાઓ બનતી રહે છે. હવે તો પરીક્ષા પછીની પ્રક્રિયા કે સર્વરની ખામીને લીધે થતા વિલંબ જેવી સમસ્યા પણ કાયમની થઈ છે. દેશની યુનિવર્સિટીઓ કે વિવિધ રાજ્યના શિક્ષણબોર્ડની પરીક્ષાઓના છબરડા તો કોઠે પડી ગયા હતા હવે પરીક્ષા યોજનારી રાષ્ટ્રીય એજન્સીઓની ક્ષતિઓ પણ વિદ્યાર્થીઓને નડી રહી છે.
યુવાનો,
ઝેન ઝીની સતત ટીકા લોકો કરતા રહે છે. નવી પેઢી માટે ફરિયાદો તો અઢળક છે પરંતુ તેમની
સમસ્યા માટે ધ્યાન દેવાનો કોઈ પાસે સમય નથી. થોડા દિવસો પહેલાં નીટ યુજીની પરીક્ષાનું
પેપર લીક થયું હતું જેની અસર 22 લાખ વિદ્યાર્થીને થઈ હતી હવે તેની પુન: પરીક્ષા યોજાવાની
છે. આ પરીક્ષાના થોડા જ દિવસો બાદ ‘કોમન યુનિવર્સિટી એન્ટરન્સ ટેસ્ટ’ - ક્યૂટ યુ.જી.ની
પરીક્ષાનું પેપર નિયત સમય કરતાં બે કલાક મોડું શરૂ થતાં હજારો વિદ્યાર્થી મુંઝાયા હતા.
સર્વરમાં સર્જાયેલી ક્ષતિને લીધે આ સ્થિતિ થઈ હતી. પરીક્ષાની આયોજક નેશનલ ટેસ્ટિંગ
એજન્સી- એનટીએ દ્વારા પછી એવી સ્પષ્ટતા થઈ કે કોઈને નુકસાન ન થાય તે રીતે વધારાનો સમય
અપાયો છે પરંતુ આવો ખુલાસો પરીક્ષાની ક્ષતિ ઢાંકી શકે નહીં.
દેશમાં
‘સીબીએસઈ- સેન્ટ્રલ બોર્ડ ઓફ એજ્યુકેશન’ની પરીક્ષાની ડિજિટલ મૂલ્યાંકન પદ્ધતિ સંદર્ભે
વિવાદ ચાલી રહ્યો છે. કેન્દ્ર સરકારે બોર્ડના ચેરમેન રાહુલ સિંહ અને સચિવ હિમાંશુ ગુપ્તાની
તાત્કાલિક અસરથી બદલી કરાઈ છે. વિવાદ ઓન ક્રીન માર્કિંગની પદ્ધતિ માટે હતો. વિદ્યાર્થીઓએ
એવી ફરિયાદ કરી હતી તે તેમને ઓનક્રીન પરિણામો
જોવામાં તકલીફ પડી છે. પાના ધૂંધળાં દેખાઈ રહ્યાં હતા. તો ક્યાંક તો ઉત્તરવહીના પાના
જ ગુમ થઈ ગયાં હતા. પરીક્ષાની ઓનલાઈન સેવાના ઉપયોગમાં ટેક્નિકલ અડચણની પણ ફરિયાદ હતી.
બોર્ડના પેપરના મૂલ્યાંકનની પ્રક્રિયાની વિશ્વસનીયતા સામે જ સવાલ ઊભા થયા.
જેમ
કોઈ પણ ઘટના કે દુર્ઘટનામાં થાય છે તેમ અહીં પણ ‘ઓન ક્રીન માર્કિંગ’ સિસ્ટમ સેવાની
ખરીદી પ્રક્રિયાની તપાસ માટે રચના કરી દેવાઈ જે હવે તપાસ કરશે કે ડિજિટલ મૂલ્યાંકન
સેવામાં નિયમોની કઈ ક્ષતિ રહી ગઈ ? જો કે આ તપાસ ઓન ક્રીન માર્કિંગ સુધી સીમિત રહેવી
ન જોઈએ, ડિજિટલ મૂલ્યાંકનની પારદર્શકતા, ટેક્નિકલ ક્ષમતા અને જવાબદારીની પણ તપાસ થવી
જોઈએ. આ અત્યંત ગંભીર મુદ્દો છે. યુવા પેઢીની કારકિર્દી સાથે જોડાયેલી બાબતને હળવાશથી
લેવાવી જોઈએ નહીં. આટઆટલા પેપર ફૂટે કે પરીક્ષામાં
આવા છબરડા થાય તેને લીધે વિદ્યાર્થીના નૈતિક જુસ્સા ઉપર અસર પડે છે. તેમના અને વાલીઓના
સપના જાણે રોળાઈ જતા લાગે. વિપક્ષને પણ આવી ઘટના પછી મહેણા મારવાનો મોકો મળે. રાહુલ
ગાંધીએ કહ્યું કે સીબીએસઈના ખિસ્સા કાતરુથી બચજો, વિશ્વગુરુ કહેવાતા દેશમાં એક પણ પરીક્ષા
યોગ્ય રીતે લેવાતી નથી. સરકારે પ્રશાસનમાં જે કંઈ ફેરફાર કરવા પડે જે કરવું ઘટે તે
કરીને પણ આવી ક્ષતિઓની પરંપરા રોકવી રહી. યુવાનોના ધૈર્યની પરખ વધારે પડતી સારી નહીં.