• શુક્રવાર, 19 જૂન, 2026

પેપર લીકનું ઠીકરું ટેલિગ્રામના માથે

બીમારીથી કાયમી છૂટકારા માટે જડમૂળથી તેનો ઈલાજ આવશ્યક છે. જોકે, સારવાર શરૂ થઈ શકે એ માટે બીમારી છે એ બાબતનો સ્વીકાર અત્યંત મહત્ત્વની બાબત છે. નેશનલ એલિઝિબિલિટી કમ ઍન્ટ્રન્સ ટેસ્ટ (નીટ) પરીક્ષા પેપર ફૂટવાનું આ પરીક્ષા જેટલું જ નિયમિત અને નિયત થઈ ગયું છે ત્યારે ફેર-નીટ પહેલાં મેસાજિંગ ઍપ ટેલિગ્રામ પર હંગામી પ્રતિબંધ મૂકવાનું પગલું રોગનાં મૂળમાં જવાનું ટાળવા બરાબર છે. એ વાતમાં કોઈ શંકા નથી કે, નીટ પરીક્ષાના પેપર લીકથી લઈને શૅરના ભાવોના રાગિંગમાં અને સાયબર ફ્રૉડથી લઈ ને ચાઈલ્ડ પૉર્નોગ્રાફી અને કંઈકેટલાય ગોરખધંધાઓ માધ્યમ તરીકે ટેલિગ્રામનું નામ સૌથી પહેલું હોય છે તથા વિશ્વના બે ડઝનથી વધુ દેશોમાં આ ઍપ પર કાયમી અથવા હંગામી પ્રતિબંધ છે, પણ નીટના પેપર લીકનું ઠીકરું માત્ર ટેલિગ્રામ પર ફોડવું યોગ્ય નથી. ત્રીજી મેએ યોજાયેલી નીટ પરીક્ષાના પેપર લીક થયા પછી 21મી જૂને ફેર-પરીક્ષા પહેલાં પેપર લીક થતું અટકાવવા વિવિધ પગલાં લેવાયાં છે, તેમાં હવાઈ દળનાં વિમાનો દ્વારા પેપરની હેરફેર તથા આખી પ્રક્રિયા પર વડા પ્રધાન કાર્યાલય દ્વારા સીધી દેખરેખ જેવી બાબતોનો સમાવેશ થાય છે. બાવીસમી જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ મૂકી લીક થયેલા પેપરનો ફેલાવો અટકાવવાના પગલાંના વિચારમાં ભલે કશું જ અજુગતું નથી, પણ પેપર લીક થતા રોકવાના કાયમી ઉકેલની દિશામાં શું કર્યું? એ પ્રશ્ન અનુત્તર જ છે.

ગયા મહિને નીટનું પેપર લીક થયા પછી સરકારે કેટલાક અર્થપૂર્ણ પગલાં લીધાં છે, જેમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ), સાયબર ક્રાઈમ એકમો તથા કાયદાની અમલ બજાવણી કરતા એકમો વચ્ચે સંકલનને સુદૃઢ બનાવવાથી લઈને પેપર માફિયા તથા તેમના નેટવર્ક પર ભીંસ વધારવાનો સમાવેશ થાય છે, પણ દેશમાં જેના પંદર કરોડથી વધુ વપરાશકર્તા છે, એવા ટેલિગ્રામ પર હંગામી પ્રતિબંધ મૂકી અનેક લોકો માટે સમસ્યા ઊભી કરવી કેટલી યોગ્ય છે? વૉટ્સઍપ પછી ટેલિગ્રામ ભારતમાં બીજા ક્રમે આવતી મેસાજિંગ ઍપ છે અને માધ્યમ તરીકે તેનો ટ્રેક રેકૉર્ડ પણ ઉજળો નથી એ વાત સાચી હોવા છતાં આ પગલું પરિપૂર્ણ તો નથી જ.

છેલ્લા બે દાયકામાં અનેકવાર વિવિધ પ્રવેશ પરીક્ષાના પેપર ફૂટયાં છે અને દર વખતે તેમાં અંદરની વ્યક્તિની સંડોવણી હોવાનું સામે આવ્યું છે. તંત્રમાં અનેક ખામીઓ તરફ પણ વિવિધ તપાસમાં આંગળી ચીંધાઈ છે અને નિષ્ણાતોનો મત રહ્યો છે કે, સિસ્ટમ ફુલપ્રૂફ બનાવવી એ જ એકમાત્ર વિકલ્પ છે. આમ છતાં, આ મોરચે ખાસ કંઈ થતું નથી. પેપર ફૂટે, ઊહાપોહ થાય એ પછી તપાસ, દરોડા સત્ર, ધરપકડો અને સજા તથા અંદરના લોકો સામે કાર્યવાહીનું ચક્ર ચાલે છતાં બીજા વર્ષે પણ પેપર ફૂટે જ છે. આનો કાયમી ઈલાજ એકમાત્ર ઉપાય છે.  

 

ઇ-પેપરના નવા શુલ્ક