• સોમવાર, 22 જૂન, 2026

તામિલનાડુમાં ગેસ લીકેજ દુર્ઘટના : 7નાં મૃત્યુ, 67ની હાલત ખરાબ

સીફૂડ પ્રોસેસિંગ ફેક્ટરીમાં ગમખ્વાર દુર્ઘટના : વાલ્વમાંથી એમોનિયા લીક થતાં અંધાધૂંધી, અનેકની હાલત નાજુક : ઉચ્ચસ્તરીય તપાસનો આદેશ, કંપની માલિકની ધરપકડ

નવીદિલ્હી, તા.21: તામિલનાડુનાં તિરુવલ્લૂર જિલ્લામાં સ્થિત એક સીફૂડ પ્રોસેસિંગ યુનિટમાં આજે એમોનિયા ગેસ લીક થવાની ઘાતક અને ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં 7 મહિલા શ્રમિકોનાં મૃત્યુ નીપજ્યા હતાં જ્યારે 67થી વધુ શ્રમિકો ગૂંગળાઈ જતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવાં પડયા હતાં. આમાંથી 7ની હાલત નાજુક છે અને તેમને વેન્ટીલેટર સપોર્ટ ઉપર રાખવામાં આવેલા છે.  આ અકસ્માત પેરિયાપાલયમ નજીક કન્નિગાપૈર ગામમાં આવેલી સેન્ટ પીટર્સ પોલ સીફૂડ્સ એક્સપોર્ટની ફેક્ટરીમાં બન્યો હતો. ગેસ ગળતર બાદ ફેક્ટરીમાં અફરાતફરી અને અંધાધૂંધી મચી ગઈ હતી અને ગેસની ચપેટમાં આવીને શ્વાસ રુંધાવા લાગતાં અસરગ્રસ્ત કર્મચારીઓને તાબડતોબ હોસ્પિટલ ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. અનેક પીડિતનું બ્લડપ્રેશર સામાન્યથી ઘણું ઘટી ગયું હોવાનું ધ્યાને આવ્યું હતું.

એનડીઆરએફનાં 30 કર્મચારીઓની એક ટુકડીને પણ આધુનિક ઉપકરણો સાથે ઘટનાસ્થળે દોડાવી દેવામાં આવી હતી અને ગેસ લીકેજ નિયંત્રિત કરવાથી માંડીને રાહતકાર્ય હાથ ધરવામાં આવ્યા હતાં.

આ દુર્ઘટનાનો શિકાર બનેલા મોટાભાગનાં મજૂરો ઉત્તર ભારતનાં વિભિન્ન રાજ્યોનાં હોવાનું જાણવા મળે છે. ગેસનાં સંર્પકમાં આવી ગયેલા લોકોને ગભરામણ, ચક્કર અને ઉલટી જેવી તકલીફો શરૂ થઈ ગઈ હતી. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, એમોનિયા ગેસ લીકેજ ફેક્ટરીમાં લગાડવામાં આવેલા એક વાલ્વમાંથી થયો હતો. પ્રશાસનનાં સંબંધિત વિભાગોએ આ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે અને ગેસ લીકેજનાં કારણો પણ ચકાસવામાં આવી રહ્યાં છે.

આ ઘટનાની ગંભીરતા ધ્યાને લેતા તામિલનાડુ સરકારે તાત્કાલિક એક ઉચ્ચસ્તરીય તપાસ સમિતિની રચના કરી હતી અને તેને ઘટનાની તપાસનો વિસ્તૃત અહેવાલ સુપરત કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. બીજીબાજુ પોલીસે ગેસ ગળતરને પગલે કંપની સામે પણ એફઆઈઆર દાખલ કરીને માલિકની ધરપકડ પણ કરી લીધી હતી. આ ઉપરાંત કંપનીનાં કેટલાક અધિકારીઓને પૂછપરછ માટે કસ્ટડીમાં પણ લેવામાં આવ્યા હતાં.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક