પોતાનાં જ પદના 100થી વધુ સાંસદોની રાજીનામાની માગ પછી પ્રતિદ્વંદ્વીની ચૂંટણી જીતે વધાર્યું દબાણ
લંડન, તા.21 : બ્રિટનમાં રાજકીય
સંકટમાં મુકાયેલા પ્રધાનમંત્રી કીર સ્ટાર્મર હવે એકાદ દિવસમાં જ પદ ઉપરથી રાજીનામું
આપે તેવાં અહેવાલો આવી રહ્યા છે.
બ્રિટિશ મીડિયાએ પોતાના એક અહેવાલમાં
લેબર પાર્ટીના કોઈ વરિષ્ઠ નેતાના હવાલેથી દાવો કર્યો છે કે, સ્ટાર્મર કોઈપણ ઘડીએ રાજીનામું
આપી દેશે. જો કે સરકારી સૂત્રોના કહેવા અનુસાર સ્ટાર્મરનું સમગ્ર ધ્યાન હજી પણ પોતાની
સરકાર ચલાવવા અને પોતાની જવાબદારીઓ ઉપર કેન્દ્રિત છે.
છેલ્લા ઘણા માસથી સ્ટાર્મર વિરુદ્ધ
તેમના જ પક્ષ લેબર પાર્ટીમાં અસંતોષની આગ લાગેલી છે અને આ વિખવાદ ત્યારે ચરમ ઉપર પહોંચી
ગયો જ્યારે તેમનાં સૌથી મોટા પ્રતિદ્વંદ્વી ગણાતા એન્ડી બર્નહેમે પેટાચૂંટણીમાં સંસદની
બેઠક જીતી લીધી હતી. લેબર પાર્ટીના 100થી વધુ સાંસદો સાર્વજનિક રૂપે સ્ટાર્મરનાં રાજીનામાની
માગણી કરી ચૂક્યા છે. જો સ્ટાર્મર રાજીનામું આપે કે પછી તેમને પદ ઉપરથી હટાવવામાં આવે
તો બ્રિટનને છેલ્લા એક દાયકાના ગાળામાં છઠ્ઠા એવા પ્રધાનમંત્રી હશે જેમને પોતાનું પદ
કાર્યકાળ અધૂરો રાખીને છોડવું પડયું હોય.