મંત્રાલયના પ્રવક્તા જયસ્વાલે કહ્યું, અવૈધ કબજાના વિસ્તારમાં ચીનના પ્રોજેક્ટસથી ભારત સરકારને વાંધો
નવી દિલ્હી, તા. 24 : ભારતે ફરી
ચીનને એક સ્પષ્ટ સંદેશ આપ્યો છે. વિદેશ મંત્રાલયે ચીન ઉપર ભારતની સંપ્રભુતાનું ઉલ્લંઘન
કરવાનો આરોપ મુક્યો હતો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે
ચીને 1963થી જમ્મુ કાશ્મીર અને લદ્દાખ વિસ્તારમાં ગેરકાનૂની રૂપથી કબજો કરેલો છે.
મંત્રાલયના સાપ્તાહિક બ્રીફિંગ
દરમિયાન પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે, ભારત સરકારને જમ્મુ કાશ્મીરમાં ચીનના
પ્રોજેક્ટસ ઉપર વાંધો છે. જ્યારે સંપ્રભુતાની વાત આવે છે તો આ મુદ્દો ભારત તરફથી જ
ઉઠાવવામાં આવે છે. ભારત કોઈપણ રીતે ચીનની સંપ્રભુતાનું ઉલ્લંઘન કરતું નથી અને આ મામલે
દેશનું વલણ હંમેશા એકસમાન રહ્યું છે.
જયસ્વાલે કહ્યું હતું કે, વર્ષ
1963થી જ ચીને જમ્મુ કાશ્મીર અને લદ્દાખના ભારતીય વિસ્તારમાં ગેરકાયદેસર કબજો કરેલો
છે, હકીકતમાં આ વિસ્તારમાં ભારતના અધિકારને ચીન પોતે પણ સત્તાવાર રીતે માને છે. જમ્મુ
કાશ્મીરમાં ભારતના વિસ્તારમાં ચીનના પ્રોજેક્ટસ ચાલી રહ્યા છે અને સરકાર તેનો વિરોધ
કરે છે.
હકીકતમાં ચીન સંબંધિત નિવેદન
વિદેશ મંત્રી એસ. જયશંકરની મનીલામાં આસિયાન સમિટ દરમિયાન ચીની સમકક્ષ વાંગ યી સાથેની
મુલાકાતના એક દિવસ બાદ સામે આવ્યું છે. ચીની વિદેશ મંત્રાલયે વાતચીત બાદ નિવેદન જાહેર
કર્યું હતું કે વાંગ અનુસાર કજાન અને તિયાનજિનમાં ચીની રાષ્ટ્રપતિ ઝિનપિંગ અને પીએમ
મોદી વચ્ચે થયેલી મુલાકાતોએ ચીન-ભારત સંબંધોને સુધારા અને વિકાસની રાહત ઉપર આગળ વધાર્યા
છે. ચીન અને ભારત એકબીજાના પ્રતિયોગી નહી પણ ભાગીદાર દેશ છે. બન્ને એકબીજા માટે જોખમ
નહી પણ તક છે.