• રવિવાર, 26 જુલાઈ, 2026

તમામ માગણીઓ સ્વીકારાઈ : CJPનું આંદોલન સમાપ્ત

નવી દિલ્હી, તા.2પ: પેપર લીક વિરુદ્ધ શિક્ષામંત્રી ધમેન્દ્ર પ્રધાનનાં રાજીનામા સહિતની માગણીઓ પૂર્ણ થતાં રાજધાની દિલ્હીમાં જંતર-મંતર ખાતે ચાલતું કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)નું આંદોલન સમાપ્ત થઈ ગયું છે.  સીજેપીનાં રાષ્ટ્રીય પ્રવક્તા આશુતોષ રાંકાએ સરકાર સાથે આજે થયેલી વાટાઘાટ બાદ આનું એલાન કરતાં કહ્યું હતું કે, અમારી બધી જ માગણીઓ સ્વીકારી લેવામાં આવી છે, તેથી પ્રદર્શનકારીઓને અપીલ કરવામાં આવે છે કે આંદોલનને તુરંત સમાપ્ત કરવામાં આવે અને શાંતિપૂર્વક સૌ પરત ફરે. આગળની કોઈપણ રણનીતિ કે અન્ય વિષયની જાણકારી સમય આવ્યે આપવામાં આવશે. હાલ તાત્કાલિક પ્રદર્શન પૂરું કરવાનો આગ્રહ કરવામાં આવે છે.

આશુતોષ રાંકાએ કહ્યું હતું કે, સરકારનાં પ્રતિનિધિમંડળ સાથે ત્રણ તબક્કાની વાતચીત થઈ હતી અને આમાં ત્રણ મુખ્ય માગણી હતી. પહેલી માગણી ધમેન્દ્ર પ્રધાનનાં રાજીનામાની હતી. બીજી દેખાવકારો અને આંદોલનનાં આયોજકો સામે તમામ કાનૂની કેસ અને એફઆઈઆર પરત લેવામાં આવે, ઉપરાંત તેમની સામે ભવિષ્યમાં કોઈ કેસ કરવામાં ન આવે તેની ખાતરી માગવામાં આવી હતી. જ્યારે ત્રીજી માગ નીટ પરીક્ષા નહીં યોજાતા પોતાનાં પ્રિયજન ગુમાવનાર પરિવારોને એક-એક કરોડ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવે. સીજેપીનાં આશા છે કે, પ્રધાનનાં રાજીનામા બાદ હવે અન્ય માગણીઓ પણ નિર્ધારિત સમયમાં પૂરી કરવામાં આવશે.

જંતરમંતર પર છાત્રોની ઉજવણી

સીજેપી સમર્થક દેખાવકારોના નારા : છાત્ર એક્તા ઝિંદાબાદ

નવી દિલ્હી, તા. 25 : શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનાં રાજીનામાંના સમાચાર મળતાંની સાથે જંતરમંતર પર ઉજવણી શરૂ થઇ ગઇ હતી. કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)ના સમર્થક દેખાવકાર છાત્રોએ છાત્ર એક્તા ઝિંદાબાદના નારા લગાવ્યા હતા, પછી રાષ્ટ્રગાન ગાયું હતું. સાથોસાથ નીટ પેપર લીકનાં કારણે જીવ ખોનાર તમામ છાત્રોને શ્રદ્ધાંજલિરૂપે સૌ છાત્રોએ બે મિનિટનું મૌન પાળ્યું હતું. મોબાઇલ પર પ્રધાનનાં રાજીનામાંના સમાચાર મળતાં જ ખુશીથી ઝૂમી ઊઠેલા સીજેપી સ્થાપક અભિજિત દીપકેએ જણાવ્યું હતું કે, કોકરોચ એકવાર ઘૂસી જાય છે તો નીકળતા નથી.

અભિજિતે કહ્યું હતું કે, યુવાનોને કોકરોચ કહેવા માટે મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતનો હું આભારી છું.

જો મુખ્ય ન્યાયમૂર્તિએ અમારા જેવા સૌ યુવાનોને કોકરોચ ન કહ્યા હોત તો ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું ન આપત, તેવું દીપકેએ કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે, હજુ બે માંગ છે, જીવ ખોનાર છાત્રોના માતા-પિતાને એક કરોડ રૂપિયાનું વળતર આપો અને પોલીસ પર પગલાં લો.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક