મુંબઈ-સુરત રેલ સેવા શરૂ થતાં મુસાફરોને મોટી રાહત
(ફૂલછાબ
ન્યુઝ)
સુરત,
તા.25 : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ બાદ હવે મેઘરાજાએ વિરામ લીધો છે. વરસાદ અને પૂરથી
સર્જાયેલી મુશ્કેલીઓ બાદ તંત્ર દ્વારા રાહત અને પુન:સ્થાપનની કામગીરી યુદ્ધના ધોરણે
શરૂ કરવામાં આવી છે. પાણી ઓસરતા જ શહેરો અને ગામોમાં સફાઈ, રસ્તાઓની મરામત તેમજ જરૂરી
સુવિધાઓ ફરી શરૂ કરવાની કામગીરી ઝડપથી ચાલી રહી છે.
ભારે
વરસાદના કારણે વલસાડ અને નવસારી જિલ્લામાં અનેક સ્થળોએ રસ્તાઓને નુકસાન થયું હતું તેમજ
રેલવે ટ્રેક પર પણ અસર થઈ હતી. જેના કારણે મુંબઈ તરફ જતી અને આવતી અનેક ટ્રેનોને અસર
પહોંચી હતી. મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી હતી અને કેટલાક મુસાફરોએ સુરત રેલવે
સ્ટેશન પર રાત પસાર કરવાની ફરજ પડી હતી. જોકે હવે મુંબઈ-સુરત વચ્ચેનો રેલ વ્યવહાર ફરી
શરૂ થતાં મુસાફરોને મોટી રાહત મળી છે.
નવસારી
જિલ્લામાં વરસાદથી અસરગ્રસ્ત રસ્તાઓને ફરી વાહન વ્યવહાર માટે યોગ્ય બનાવવા માર્ગ અને
મકાન વિભાગ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. જિલ્લામાં કુલ 70 રસ્તાઓમાંથી 30 રસ્તાઓ
પર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે વાહન વ્યવહાર અટકાવવામાં આવ્યો હતો.
હવે પાણી ઉતરતા જ 11 ટીમો જેસીબી, ડમ્પર સહિતની મશીનરી સાથે માર્ગ સુધારણા કામગીરીમાં
લાગી છે. બીલીમોરા-ચીખલી-વાંસદા-વઘઈ માર્ગ પર થયેલા ભૂસ્ખલનને દૂર કરવાની કામગીરી તેમજ
વિવિધ ગામોના રસ્તાઓની મરામત ઝડપથી કરવામાં આવી રહી છે.
શહેરના
સણિયા હેમાદ સહિતના વિસ્તારોમાં પાણી ઓસરતા જ મહાનગરપાલિકાની ટીમો મેદાનમાં ઉતરી છે.
રસ્તાઓ, ગલીઓ અને ડ્રેનેજ આસપાસ જમા થયેલો કચરો દૂર કરવામાં આવી રહ્યો છે. વરસાદ બાદ
રોગચાળો ફેલાવાની શક્યતાને ધ્યાનમાં રાખીને વિવિધ વિસ્તારોમાં દવાનો છંટકાવ પણ શરૂ
કરવામાં આવ્યો છે. તાપી જિલ્લામાં સોનગઢ-ગોડા માર્ગ પર વરસાદથી નુકસાન પામેલા રસ્તાનું
સમારકામ પૂર્ણ કરવામાં આવ્યું છે. ખાડા પુરવા અને માર્ગને સમતલ કરવાની કામગીરી બાદ
રસ્તો ફરી વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાયો છે. વલસાડ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં
હજુ પણ છૂટોછવાયો વરસાદ નોંધાઈ રહ્યો છે. કપરાડામાં છેલ્લા 12 કલાકમાં 3 ઈંચ જેટલો
વરસાદ નોંધાયો છે. નવસારી, ડાંગ, તાપી અને સુરત જિલ્લામાં પણ હળવાથી મધ્યમ વરસાદની
સ્થિતિ રહી છે.
કાપડના
વેપારીઓને રાહત, રવિવારે પણ માર્કેટ ચાલુ રહેશે
ભારે
વરસાદના કારણે સુરતના કાપડ વેપારને મોટો ફટકો પડયો હતો. માર્કેટ બંધ રહેતાં વેપારીઓના
હિસાબી અને અન્ય જરૂરી કામો અટકી ગયા હતા. વેપારીઓની મુશ્કેલી દૂર કરવા માટે ફોસ્ટાએ
રવિવારે પણ કાપડ માર્કેટો ખુલ્લી રાખવાનો નિર્ણય કર્યો છે.
મહી
નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો, કાંઠાના ગામોને સાવચેતીની સૂચના
વડોદરા,
તા.25 : સતત વરસાદને કારણે મહી નદીમાં પાણીની આવક વધી છે. નડિયાદ મહી સિંચાઈ વર્તુળના
ફ્લડ સેલ દ્વારા સાવચેતીની સૂચના જાહેર કરવામાં આવી છે. વણાંકબોરી વિયર ગઈકાલે બપોરે
ઓવરફ્લો થયા બાદ હાલમાં મહી નદીમાં આશરે 10,073 ક્યુસેક પાણીનો પ્રવાહ પસાર થઈ રહ્યો
છે. આગામી દિવસોમાં વધુ વરસાદની શક્યતા હોવાથી નદીના જળસ્તરમાં વધારો થવાની સંભાવના
છે. વડોદરા જિલ્લાના સાવલી, પોઇચા, ફાજલપુર, અનગઢ, ઉમેટા, શેરખી અને ડબકા સહિતના ગામોને
સતર્ક રહેવા અપીલ કરાઈ છે. લોકોને નદીના પટ અને કિનારાથી દૂર રહેવા સૂચના અપાઈ છે.