• રવિવાર, 26 જુલાઈ, 2026

અમદાવાદમાં મેઘતાંડવ : ચાંગોદર અને બાવળામાં જળબંબાકારથી જનજીવન ઠપ અનેક વિસ્તારોમાં 15 કલાક બાદ પણ પાણી યથાવત્ ; શાળા-કોલેજોમાં રજા જાહેર

બોટ, ટ્રેક્ટર અને લાઇફ જેકેટની મદદથી 500થી વધુ લોકોને સુરક્ષિત બહાર કઢાયા

ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં 6થી 10 ફૂટ સુધી પાણી ભરાઈ જતા અનેક યુનિટોના શ્રમિકો અને નાગરિકો ફસાયા

15 ઈંચથી વધુ વરસાદથી વિરમગામ શહેર પાણીમાં ગરકાવ

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.25 : અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના કારણે સામાન્ય જનજીવન ઠપ થઈ ગયું છે. રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે, વાહન વ્યવહાર ખોરવાયો છે અને અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. સ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ જિલ્લા તંત્ર દ્વારા શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.

અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકામાં ભારે વરસાદ બાદ સ્થિતિ હજુ પણ ગંભીર છે. અનેક વિસ્તારોમાં ભરાયેલું પાણી 15 કલાક બાદ પણ ન ઉતરતાં લોકોની મુશ્કેલી વધી છે. રહેણાંક વિસ્તારો, ખેતરો અને મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. કેટલાક સ્થળોએ ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોને સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી છે. 

સનાથલથી બગોદરા સુધીનો મુખ્ય માર્ગ પાણીમાં ડૂબી જતા વાહન વ્યવહાર બંધ કરી દેવાયો છે. ગ્રામ્ય પોલીસે લોકોને આ માર્ગ પર અવરજવર ટાળવા અને વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા સૂચના આપી છે. ચાંગોદર વિસ્તારમાં આવેલા ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં વરસાદી પાણી ફરી વળતાં ગંભીર સ્થિતિ સર્જાઈ હતી. ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં 6થી 10 ફૂટ સુધી પાણી ભરાઈ જતા અનેક યુનિટોમાં કામ કરતા શ્રમિકો અને નાગરિકો ફસાયા હતા. અમદાવાદના બોપલ વિસ્તારમાં પણ વરસાદની અસર જોવા મળી છે. અનેક સોસાયટીઓ અને મકાનોમાં પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. કેટલાક વિસ્તારોમાં બે દિવસથી પાણી ન ઉતરતાં સ્થાનિકો દ્વારા પણ મદદની કામગીરી કરવામાં આવી રહી છે.

પરિસ્થિતિની ગંભીરતા જોતા આર્મી, એસડીઆરએફ, એનડીઆરએફ, ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમો દ્વારા મોટાપાયે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. બોટ, ટ્રેક્ટર અને લાઇફ જેકેટની મદદથી અત્યાર સુધીમાં 500થી વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. વરસાદી આફત વચ્ચે તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરીને તેજ કરવામાં આવી છે. અધિકારીઓ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોની સતત સમીક્ષા કરવામાં આવી રહી છે. તંત્રએ નાગરિકોને અપીલ કરી છે કે પાણી ભરાયેલા રસ્તાઓ પર જવાનું ટાળે અને ખૂબ જરૂરી હોય ત્યારે જ ઘરની બહાર નીકળે. હાલ સમગ્ર વિસ્તારમાં રાહત અને પુન:સ્થાપનની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.

વિરમગામ શહેર અને આસપાસના વિસ્તારોમાં બે દિવસથી વરસેલા ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. 15 ઈંચથી વધુ વરસાદ પડતા શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. રહેણાંક મકાનો અને દુકાનોમાં પાણી ઘૂસી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. માંડલ રોડ, અલીગઢ, સેવા સદન રોડ, પરકોટા, રેલવે ચાલી સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. હાઈવે પર પાણી ભરાતા એસટી બસ અને રેલ વ્યવહારને પણ અસર પહોંચી છે. વહીવટી તંત્ર, પોલીસ અને નગરપાલિકા દ્વારા રેસ્ક્યૂ કામગીરી કરી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ સેવાભાવી સંસ્થાઓ અને સામાજિક કાર્યકરો દ્વારા અસરગ્રસ્ત લોકોને ફૂડ પેકેટ અને જરૂરી મદદ પહોંચાડવામાં આવી રહી છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક