• મંગળવાર, 01 સપ્ટેમ્બર, 2026

મહાસત્તાના આંગણામાંથી મોહન ભાગવતનો વૈશ્વિક સંદેશ

તીવ્ર વિરોધ-વાંધા પછી પણ કરેલા અમેરિકા પ્રવાસ દરમિયાન મોહન ભાગવતે કહેલી વાતો, કરેલાં ઉદ્બોધનોમાં વિશ્વ બંધુત્વનો ભારતીયતાનો ધ્વનિ સંભળાયો. અમેરિકાની ધરતી ઉપરથી તેમણે સાચાં હિન્દુત્વનો અર્થ સ્પષ્ટ કર્યો, કૃષ્ણત્વની વ્યાખ્યા પણ કરી અને સાથે જ ભારતની ક્ષમતા-સામર્થ્યનો પણ પરિચય આપ્યો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે સર સંઘચાલકે આરંભેલો વિશ્વના મોટા દેશોનો પ્રવાસ ફક્ત આરએસએસ જ નહીં પરંતુ ભારત સમસ્તના વિચારોનું વહન કરવા માટેનું મોટું માધ્યમ બની રહેશે તેવી આશા રાખી શકાય તેમ છે. ભારતીયો તથા અમેરિકાના કેટલાક લોકોને મોહન ભાગવતે કરેલાં ઉદ્બોધનોના અર્થ ઊઘાડવા જેવા છે, આપણે અહીં જોઈ રહ્યા છીએ તેના કરતાં અલગ ભારત તેમના શબ્દોમાંથી ખૂલી શકશે.

અમેરિકા પ્રવાસ દરમિયાન મેડિસન સ્ક્વેરમાં આપેલાં વક્તવ્યમાં મોહન ભાગવતે કહ્યું કે કોઈ મુસ્લિમ ભારતમાં હોવા જ ન જોઈએ તેવું જો કોઈ હિન્દુ માનતા હોય તો તે હિન્દુ જ નથી. માનવતાની એક્તા હિન્દુ અવધારણા છે. કોઈને પણ સમાજમાંથી બહાર રાખવાની તેમાં વાત જ નથી. જે લોકો સંઘના નામે અથવા સંઘનો એજન્ડા છે તેવું કહીને કોમી એક્તા સામે પડકાર ઊભા કરે છે તેમના માટે આ ગાંઠે બાંધવા જેવી વાત છે. ભારત અને અમેરિકાના ડીએનએમાં વિવિધતામાં એક્તાનો ગુણ છે તેવો ઉલ્લેખ સરસંઘચાલકે કર્યો. સાથે જ ત્યાં વસતા ભારતીયોને અનુરોધસ કર્યો કે તમારી માતૃભૂમિ-જન્મભૂમિના સંસ્કારો ભૂલ્યા વગર અહીં તમારી કર્મભૂમિને વફાદાર રહો.

આ આખી મુલાકાતના અનેક પરિપ્રેક્ષ્ય છે, અનેક સંદેશ પણ હશે પરંતુ અગત્યનું તો એ છે કે સરસંઘચાલકે યુદ્ધ કરી રહેલા અમેરિકાની ધરતી ઉપરથી એવું કહ્યું કે આજના સમયમાં ચાલી રહેલા યુદ્ધો, સંઘર્ષો અને ભેદને મિટાવવા માટે શાંતિનો એક માત્ર માર્ગ કૃષ્ણચેતના છે. આખું જગત કૃષ્ણનું રુપ છે, આપણે આપણી અંદરની ચેતનાને જગાડવાની જરુર છે. ભગવદ્ગીતાના સંદેશને યાદ કરીને મોહન ભાગવતે કર્તવ્યથી ભાગવાને બદલે જીવનાભિમુખ બનવા કહ્યું અને અસમાનતા, સંઘર્ષોની પરિસ્થિતિની વચ્ચે કૃષ્ણ ચેતના આપણને પરસ્પર જોડી શકે તેવું કહ્યું. આ જ વાતો તેમણે અહીં કોઈ સમારોહમાં કરી હોત તો તેની આટલી ચર્ચા ન હોત પરંતુ અમેરિકામાં તેમણે આ વાત કરી તેનું મહત્વ વધી જાય. હિન્દુ સમુદાયના લોકોને તેઓ અમેરિકાના અન્ય શહેરો-રાજ્યોમાં પણ મળવાના છે. કેનેડા અને ઈંગ્લેન્ડ પણ જવાના છે. સંઘની વાત તેઓ કરશે સાથે ભારતીયતા, ભારતના વિચાર, ભારતની વિશ્વ પરિવારની ભાવનાની વાત કરે તે અગત્યનું છે. સોશિયલ મીડિયા પર જે થઈ રહ્યું છે તે નહીં પરંતુ સાચું ભારત તો આ છે તેવો પડઘો તેમના શબ્દોમાંથી સંભળાશે. જે લોકો અહીં રાષ્ટ્રવાદના નામે વિવાદ, વિખવાદ કરે છે, જેઓ અહીં ઈતિહાસના તથ્યોને તોડી મરડીને લોકોની સામે રજૂ કરે છે તેમણે મોહન ભાગવતના આ વક્તવ્યો સાંભળવા જોઈએ, સંકુચિતતાની દીવાલો તોડીએ તો જ વિશ્વની અખિલાઈ પામી શકાય.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક