• મંગળવાર, 01 સપ્ટેમ્બર, 2026

હિરોશીમામાં ફેંકાયેલા અણુબોમ્બ કરતાંય વધુ શક્તિશાળી હતું નેપાળનું પૂર !

વૈજ્ઞાનિક આકલનમાં ભયાનક પૂરની તાકાતનો ચિતાર આપતું ચિત્ર ઉપસી આવ્યું

 

નવીદિલ્હી, તા.31 : નેપાળમાં હિમશિલા અને ખડકો તૂટી પડવાથી નદીમાં આવેલાં ભયાનક પૂરથી ઉત્પન્ન થયેલી ઊર્જા હિરોશિમા ઉપર ફેંકવામાં આવેલા પરમાણુ બોમ્બથી ઉત્પન્ન થયેલી ઊર્જા કરતાં પણ વધારે હતી. કાઠમંડુની ત્રિભુવન યુનિવર્સિટીના સેન્ટર ફોર ડિઝાસ્ટર સ્ટડીઝના ડિરેક્ટર બસંત રાજ અધિકારીનુ આવું તારણ છે. તેમણે કહ્યું હતું કે, તેઓ આ આપત્તિથી આશ્ચર્યચકિત નથી પરંતુ તેમની સંશોધન કારકિર્દીમાં અત્યાર સુધીની આ સૌથી મોટી આપત્તિ છે. બસંત રાજ અધિકારી હિમાલય વિસ્તારમાં કુદરતી આપત્તિઓ અને પૂરનાં જોખમોના નિષ્ણાત છે.

અધિકારીએ કહ્યું હતું કે, હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે આ આપદા કેવી રીતે સર્જાઈ હતી. આ વિસ્તારમાં બરફ અને ખડકોનો એક મોટો જથ્થો પર્વત પરથી નીચે પડયો, નદી સુધી પહોંચ્યો, પીગળીને સંપૂર્ણપણે પાણીમાં ફેરવાઈ ગયો અને ત્યારબાદ પાણીનો વિશાળ પ્રવાહ નીચેની તરફ વહી ગયો. આ ઘટના ઉત્તરાખંડના ચમોલીમાં 2021માં આવેલી આપત્તિ સાથે લગભગ સમાન છે.

અધિકારીએ કહ્યું, બરફ અને કાટમાળ નીચે પડવાથી ઉત્પન્ન થયેલી ઊર્જાની માત્રાની ગણતરી કરવામાં આવી છે. તે હિરોશિમામાં થયેલા પરમાણુ બોમ્બ વિસ્ફોટથી પણ વધારે હતી. આટલા મોટા પાયે ગ્લેશિયર તૂટી પડવાની આશંકા પણ નહોતી. 7 ફેબ્રુઆરી, 2021ના રોજ ઉત્તરાખંડના ચમોલીમાં રોંટી પીકના ઉત્તર ભાગમાંથી આશરે 2.7 કરોડ ઘન મીટર ખડકો અને બરફનો વિશાળ હિમસ્ખલન નીચે પડયો હતો. તેનાં કારણે સર્જાયેલો કાટમાળ ઋષિગંગા અને ધૌલીગંગા ખીણોમાં નીચે તરફ વહી ગયો હતો.

ત્રિભુવન યુનિવર્સિટીના સેન્ટ્રલ ડિપાર્ટમેન્ટ અૉફ હાઇડ્રોલોજી એન્ડ મિટિયોરોલોજીના સહાયક પ્રોફેસર દિબાસ શ્રેષ્ઠે જણાવ્યું કે હાલ આવેલાં પૂરનો પ્રારંભ લાંગટાંગ ખીણમાં આવેલી પ્રસિદ્ધ લિરુંગ ચોટીની ઉત્તર ઢાળ પર ગ્લેશિયરના લટકતા ભાગના તૂટી પડવાથી થયો હતો. ગ્લેશિયરનો તૂટેલો ભાગ આશરે 1,400 મીટરની ઊંચાઈ પરથી લગભગ સીધો નીચે પડયો હતો.

અમેરિકાના યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વેના ભૂકંપીય સાધનોએ એવા સંકેતો નોંધ્યા હતા જેને શરૂઆતમાં ભૂકંપ માનવામાં આવ્યા હતા. ભૂકંપીય રેકોર્ડમાંથી મળેલા આંકડાઓના વિશ્લેષણથી જાણવા મળ્યું કે 5.2ની તીવ્રતાની જમીનની હિલચાલ ગ્લેશિયર તૂટી પડવાથી અને ત્યારબાદ આવેલા કાટમાળને કારણે થઈ હતી.

 

પ્રલયમાં 900થી વધુનો વિલય

નવીદિલ્હી, તા.31 : નેપાળ અને તિબેટમાં ત્રાટકેલાં ભીષણ પૂરમાં અત્યાર સુધીમાં કમસેકમ 900 લોકોનાં મૃત્યુની પુષ્ટિ થઈ ચૂકી છે અને હજી પણ લાપતા અને હતભાગીઓનો આંકડો વધી રહ્યો છે. અત્યાર સુધીમાં ગુમ થયેલા લોકોનો આંકડો પણ વધીને 4700 થઈ ગયો છે. જેમજેમ બચાવ અને રાહતકાર્ય આગળ વધી રહ્યું છે તેમતેમ કાટમાળ અને મલબામાં દટાયેલા મૃતદેહો બહાર નીકળી રહ્યા છે. બીજીબાજુ ચીને 2020માં કોરોના મહામારીનાં શરૂઆતના દિવસો જેવું વલણ અખત્યાર કરી લીધું છે અને સત્ય ઉજાગર કરતાં લોકોને અફવા ફેલાવવાનો આરોપ લગાવીને ચૂપ કરી દેવાની પેરવી શરૂ કરી દીધી છે. તિબેટ અને ગિરોંગ પોર્ટની ભયાનક તસવીરોને સોશિયલ મીડિયામાંથી હટાવવા માંડી છે અને સત્તાવાર રીતે ચીન વાસ્તવિક ચિત્ર દબાવવા માંડયું છે.

નેપાળમાં પહાડી અને નદી ક્ષેત્રમાં ફસાયેલા લોકોની શોધખોળ અને બચાવકાર્ય ચાલી રહ્યું છે. અનેક વિદેશી ટીમો પણ જળવિદ્યુત મથકોની સુરંગોમાં ફસાયેલા શ્રમિકોને બચાવવાનાં જટિલ અભિયાનમાં લાગેલી છે.

નેપાળની આપદા પ્રબંધન એજન્સી દ્વારા આજે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર 903 સુધી મૃત્યુઆંક પહોંચી ગયો છે અને લાપતા બનેલા 4247 લોકોમાં 592 વિદેશી નાગરિકોનો પણ સમાવેશ થાય છે.

નેપાળનાં પ્રધાનમંત્રી બાલેન શાહે દેશમાં આ કુદરતી આફત પછી ચાલતા બચાવ, રાહત અને પુનર્વસન કામોની વિસ્તૃત જાણકારી આપી હતી અને તેમણે કહ્યું હતું કે, જાનમાલ અને ભૌતિક ક્ષતિનું સમગ્ર વિવરણ એકત્ર કરવું પણ પડકારજનક છે. પ્રતિકૂળ હવામાન અને કઠિન ભૌગોલિક પરિસ્થિતિ ઉપરાંત પૂરનાં જોખમ વચ્ચે પણ સેના અને સરકાર નાગરિકોને બચાવવા માટે યુદ્ધનાં ધોરણે કામ કરે છે. દરમિયાન નેપાળની એગ્રિકલ્ચર બેન્કની ત્રિશૂલી ધુંગે બ્રાંચનાં કાટમાળમાં દબાયેલા અને તણાયેલા 1.પ કરોડ નેપાળી રૂપિયા અને આશરે પ0 કરોડ રૂપિયાનાં કિંમતી ઝવેરાતો અને દસ્તાવેજોને એકત્ર કરીને સુરક્ષિત સ્થાને પહોંચાડી દેવામાં આવ્યા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક