• રવિવાર, 27 સપ્ટેમ્બર, 2026

નારાજગી હવે ગુસ્સામાં પરિવર્તિત થઇ રહી છે

ઓનલાઈન આર્થિક વ્યવહારો માટે યુપીઆઈ પદ્ધતિનો ઉપયોગ કરતા લોકો અને વેપારીઓમાં વધી રહેલી નારાજગી હવે ગુસ્સામાં પરિવર્તિત થઈ રહી છે. શરૂઆતમાં લોકોએ જે વિરોધ નોંધાવ્યો તે હવે આંદોલનમાં બદલાવવાની તૈયારી છે. 2 ઓક્ટોબરે ‘નો યુપીઆઈ ડે’ની જાહેરાત વેપારી સંગઠનોએ કરી છે. એક પ્રકારનું અસહકાર આંદોલન કે સવિનય કાનૂન ભંગ તેને કહી શકાય. પુર્ણ સંભાવના છે કે, નાનામાં નાના વેપારીથી માંડીને ઓનલાઈન વ્યાપાર કરનારા તમામ વર્ગનો ટેકો આ આંદોલનને મળશે. સરકારે આ અંગે પુન: વિચાર કરવો રહ્યો કારણ કે, હવે આ ઓનલાઈન વ્યવહાર સામાન્ય બની રહ્યા છે.

યુપીઆઈ દ્વારા થતા ચુકવણાનો મુદ્દો સતત ચર્ચામાં છે. રૂા.2000થી વધારે રકમના યુપીઆઈ વ્યવહાર ઉપર 0.4% ફી વસુલાશે તેવું જાહેર થયું છે. આજના સમયમાં 2000 રૂપિયાની લેવડ દેવડ તો સામાન્ય છે. કોઈપણ આર્થિક વ્યવહાર વેપારી કરે કે, તેમણે સરકારને કોઈ ચોક્કસ રકમ ચુકવવાની થાય તો તેનો બોજ છેલ્લે તો પ્રજા ઉપર જ આવે. આ કિસ્સામાં પણ એવું થશે, હજી તો સરકાર યુપીઆઈ વ્યવહારો ઉપર 18% જીએસટીનો અમલ કરવાનું પણ વિચારી રહી છે. આ સ્થિતિમાં ઓનલાઈન આર્થિક વ્યવહાર મોંઘા થશે.

દેશના વેપારી સંગઠનોએ હવે તેનો ઉગ્ર વિરોધ કરવાનું શરૂ કર્યું છે. દેશભરના વેપારીઓ 2 ઓક્ટોબરે કોઈપણ રકમ યુપીઆઈ દ્વારા સ્વીકારશે નહીં તેઓ ક્યુઆર કોડ, સ્કેનર જેવા ડિજીટલ ચુકવણાના ઉપકરણોને કાળા કપડાથી ઢાંકી દેશે. ગુજરાતના વેપારીઓએ પણ આ વિરોધમાં જોડાવાનું નક્કી કર્યું છે. સામાન્ય માણસો પણ આ આંદોલનને ટેકો આપે તો નવાઈ નહીં, કારણ કે, આખરે તો તેમણે આ ચાર્જ ચુકવવાનો થશે. 2016માં નોટબંધીનો અમલ થયો ત્યારથી ડિજીટલ ચુકવણા માટે સરકારે લોકોને પ્રોત્સાહીત કર્યા અને ગેરરીતિઓ ઘટાડવા આ પ્રકારે આર્થિક વ્યવહાર કરવા તેઓ અનુરોધ કર્યો. જનતા માટે પણ આ પદ્ધતિ સરળ બની. આજે પાણીપુરીના વેપારી કે શાકની લારી ચલાવતા ફેરીયા પાસે પણ ઓનલાઈન પૈસા સ્વીકારવાની સગવડ છે. ફરસાણના વેપારી પણ આ પ્રકારે વ્યવહાર કરે છે. લોકોને જ્યારે હવે આ ચુકવણાની ટેવ પડી ગઈ છે ત્યારે આ પ્રકારની જોગવાઈ તેમના માટે થોડી નારાજગી ઉભી કરે તે સ્વાભાવિક છે.

ડિજીટલ ઈન્ડીયા તરફથી લોકો પાછા રોકડ વ્યવહાર તરફ ન વળે તે પણ જોવું જોશે. આંદોલન ઉગ્ર બને તે પહેલા આ અંગે ફરી વિચારણા થવી જોઈએ.

ઇ-પેપરના નવા શુલ્ક