મતદાર
યાદી સઘન સુધારણા - સ્પેશિયલ ઈન્ટેન્સીવ રિવીઝન શરૂઆતથી વિવાદમાં રહેલો મુદ્દો છે.
આ વિવાદ સાથે જ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પણ યોજાઈ ગઈ. હવે સંવેદનશીલ ચર્ચા છેડાઈ છે.
તીવ્ર અને આકરો વિખવાદ એસઆઈઆર પ્રશ્ને થયો છે. ફક્ત દિલ્હીમાં જ 33 લાખથી વધારે મતદારોને
નોટિસ ફટકારવામાં આવી છે. જેમાં લાલકૃષ્ણ અડવાણી અને એસ.જયશંકર સહિતના મોટા નામો પણ
સમાવિષ્ટ છે. મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજ્યોમાં ડ્રાફ્ટ યાદીમાંથી લાખો નામ ગાયબ થયા
હોવાના અહેવાલ છે. મતદાર યાદીની સઘન સુધારણા ચૂંટણી પંચનો પ્રશંસનીય પ્રયાસ અને પ્રકલ્પ
છે પરંતુ માનવીય પ્રયાસોને બદલે મશીનનું પ્રભુત્વ વધારે હોવાનું અહીં અનુભવાઈ રહ્યું
છે જે સૌથી ગંભીર વાત છે.
એસઆઈઆરનો
પ્રશ્ન સુપ્રીમ કોર્ટના ખંડમાં ઘણા સમયથી પહોંચી ગયો છે. હવે સર્વોચ્ચ અદાલતે આ મામલે
અત્યંત કડક વલણ અપનાવીને ગંભીર અવલોકન જાહેર કર્યું છે કે, ચૂંટણી પંચે તદ્દન યાંત્રિક
રીતે, મગજ દોડાવ્યા વગર નોટિસ આપી છે. કેન્દ્રસ્થ કોમ્પ્યુટર સિસ્ટમને લીધે સ્થાનિક
ચકાસણી કરતા અધિકારીઓની સત્તા સીમિત થઈ ગઈ છે. જેથી લાખો સામાન્ય નાગરિકોની મુંઝવણ
વધી છે. કોઈપણ પ્રકારની નોટિસ સામાન્ય વ્યક્તિ માટે ચિંતાનો વિષય બને છે. આ આખા પ્રકરણમાં
તો ચૂંટણી પંચની તો પોતાની ભૂમિકા વધારે ચર્ચાસ્પદ છે. વહેતા થયેલા અહેવાલ અનુસાર મુખ્ય
ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર અને અન્ય બે કમિશ્નરે દસ મહિનામાં 14 જેટલી ગંભીર આપત્તિઓનો
લેખિત વિરોધ નોંધાવ્યો છે. જેમાં મતદારોના નામ કપાવવા, ડેટાબેઝનું કેન્દ્રીકરણ કરવું
સહિતની બાબતો તેમાં છે. જેમ બનતું આવ્યું છે તેમ ચૂંટણી પંચે આ અહેવાલોને નકાર્યા છે
અને સર્વસંમતિથી તમામ નિર્ણય થયા હોવાનું જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટે પંચને સ્પષ્ટ
જણાવ્યું છે કે, તાર્કિક વિસંગતતા માટેની નોટિસ ‘મશીન જનરેટેડ’ હોય તેવું લાગે છે.
ચૂંટણી પંચ કહે છે કે, માત્ર નોટિસ મળ્યે મતદાર યાદીમાંથી નામ કપાશે તેવું જરૂરી નથી.
એસઆઈઆર મુદ્દે ઘણા સમયથી અનેક પ્રકારે વિરોધ નોંધાવી ચુકેલા કોંગ્રેસ, આમ આદમી પાર્ટી
સહિતના પક્ષોએ અહીં ફરી વિરોધ કર્યો છે. અરવિંદ કેજરીવાલે તો એસઆઈઆર પ્રક્રિયા સમુળગી
રદ કરવાની માંગ કરી છે. જ્યારે રાહુલ ગાંધીએ પણ સરકાર અને ચૂંટણી પંચ પર તડાપીટ બોલાવી
છે.
મતદાર
યાદી સઘન સુધારણાના અનેક ફાયદા પણ અત્યાર સુધીમાં દેખાયા છે. સમગ્ર પ્રક્રિયાને નકારાત્મક
દૃષ્ટિથી જોવાનો અર્થ નથી પણ આ પ્રક્રિયા ખરેખર ચૂંટણી પ્રક્રિયા અને લોકશાહીના હિતમાં
છે તેવું લોકોને પણ સમજાઈ જાય તે માટે આવા વિવાદો પંચે નિવારવા જોઈએ.