• શુક્રવાર, 25 સપ્ટેમ્બર, 2026

જાપાનમાં જમાવટ

જાપાનના આઈચી- નાગોયામાં રમાઈ રહેલી 20મી એશિયન રમતોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલા રમતવીરો-વીરાંગનાઓ કૌવત અને કૌશલ્યનો પરિચય જગતને કરાવ્યો છે. દેશમાં વિધવિધ ક્ષેત્રે આવી રહેલા પરિવર્તનોમાં રમતક્ષેત્ર પણ છે તેની આ ગવાહી છે. રમતક્ષેત્રના વિસ્તરી રહેલા ફલકની સાક્ષી આ ઘટના પૂરે છે. 2023માં ચીનમાં યોજાયેલા એશિયન રમતોત્સવમાં 106 મેડલ જીતીને ભારતીય ખેલાડીઓએ રંગ રાખ્યો હતો આ વર્ષે  અત્યાર સુધીમાં 17 મેડલ ભારતીય ખેલાડીઓને મળ્યા છે. વૈશ્વિક મંચ ઉપર રમતના ક્ષેત્રે ભારત મહાશક્તિ બનવા તરફ દોડી રહ્યું છે તેવું આના ઉપરથી કહી શકાય. 2030માં કોમનવેલ્થ અને 2036માં સંભવત: ઓલિમ્પિક ભારતમાં યોજાય તે પૂર્વે અહીંના ખેલાડીઓ નોંધપાત્ર સિદ્ધિઓ મેળવી રહ્યા છે.

એશિયન રમતોના ઇતિહાસમાં ગુજરાતમાંથી અત્યાર સુધીમાં સૌથી વધારે રમતવીરો આ એશિયન ગેમ્સમાં ભાગ લઈ રહ્યા છે. ટેનિસમાં હરમીત દેસાઈ, માનવ ઠક્કર, શૂટિંગમાં ઇલાવેનિલ વલારિયન જેવા ખેલાડીઓ ગુજરાતની ગૂંજ દેશાવરમાં પ્રસરાવી રહ્યા છે. વેપાર-ઉદ્યોગ માટે જાણીતું ગુજરાત હવે રમતના મેદાનમાં પણ દોડી રહ્યું છે. એશિયન રમતોમાં મેડલ જીતનારા મોટા ભાગના ખેલાડીઓ સાધારણ પરિવારમાંથી આવે છે. મહાનગરના તેઓ રહેવાસી નથી. ગ્રામીણ વિસ્તારમાં ઉછર્યા છે. તળ સાથે જેમનો સીધો સંબંધ છે, રમતમાં વિજેતા થવા માટે આધુનિક સુવિધાનું જ્યાં માળખું નથી તેવા વિસ્તારોમાંથી આ યુવાનો આંતરરાષ્ટ્રીય ટ્રેક પર દોડે છે, વજન ઊંચકવાની સ્પર્ધામાં જીતે છે. કૃષિ, શ્રમ જેવા ક્ષેત્રોમાં જેમના પુરખાઓ કામ કરે છે તેવી પેઢી દેશનો ચહેરો આ રીતે બદલાવી રહી છે.

જે જે લોકો રમવા જઈ રહ્યા છે તેમનો પરિશ્રમ, પ્રશિક્ષણ અને કૌશલ્ય તો શ્રેયના અધિકારી છે જ વળી. પરંતુ સરકાર તરફી રમતો માટે જાહેર થયેલી અને અમલી બનેલી યોજનાઓ પણ ભાગ ભજવી રહી છે. ખેલ મહાકુંભ જેવા ઉત્સવો, ગ્રામ્ય સ્તર સુધી પહોંચતી વિગતો પણ કામ આવી રહી છે. હજી પ્રશાસનમાં સરકારી શિથિલતા, વહીવટી પ્રક્રિયાનું લંબાણ, ખેલાડીઓને મળવી જોઈતી વધારે સુવિધા જેવા પ્રશ્નો છે. ક્રિકેટને જે મહત્વ પ્રજા તરફથી, વેપાર-ઉદ્યોગ તરફથી મળે છે તે અન્ય રમતને નથી મળતું. ખરા હીરો તો આ ગ્રામીણ વિસ્તારમાંથી આવતા રમતવીરો છે.

જાપાનની ધરતી ઉપર એશિયાઈ રમતોમાં તિરંગો લહેરાઈ રહ્યો છે તેનો આનંદ ક્રિકેટ ટીમ ઉતારતા સંપત્તિવાન લોકોને, કોઈ અભિનેતા-અભિનેત્રીને હોય તેના કરતાં દેશના ખેડૂત-શ્રમિક વર્ગને વધારે છે. ખેલાડીઓએ ભારતને નામ કમાઈને આપ્યું, હવે દેશના વિવિધક્ષેત્રોની એ ફરજ છે કે ગામડાં સુધી અને સામાન્ય માણસો સુધી સુવિધા પહોંચાડે અને આ યાત્રાને આગળ વધારે.

ઇ-પેપરના નવા શુલ્ક