• મંગળવાર, 10 નવેમ્બર, 2026

ઉજવણીનો આનંદ, પ્રદૂષણની ચિંતા

દિવાળીના પર્વની ઉલ્લાસથી ઉજવણી થયાનો આનંદ અને સંતોષ વ્યક્ત થઈ રહ્યો છે તેની સાથે પ્રદૂષણની ચિંતા પણ વધી છે. એક તરફ પરંપરા, બીજી બાજુ પર્યાવરણ. રવિવારે રાત્રે જે સ્થિતિ અગાઉની સરખામણીમાં ગંભીર હતી. અત્યાર સુધી પ્રદૂષણના આંકડા દિલ્હી- એનસીઆરટી સંદર્ભે વાંચી કે સાંભળીને લોકો મોંમાં આંગળા નાંખી જતા તે હાલત આ દિવાળીમાં રાજકોટમાં થઈ, ગુજરાતના અન્ય શહેરોમાં થઈ. આ પર્વનું જે વાતાવરણ ગુજરાતમાં દેખાયું તેના અન્ય પાસાં પણ છે પરંતુ સૌથી અગત્યનો મુદ્દો પ્રદૂષણ છે. દ્વિધા કે દ્વંદ્વ તો એ છે કે ન તો પરંપરા ઉપર રોક લગાવી શકાય કે ન પ્રદૂષણના મુદ્દાની પણ અવગણના કરી શકાય.

દિલ્હીમાં શિયાળામાં પ્રદૂષણ વધે, ‘એક્યુઆઈ’ એટલે કે વાતાવરણમાં પ્રદૂષણનો આંક 400થી ઉપર જાય તો પણ ખતરાની ઘંટી જેવા શબ્દપ્રયોગ થવા લાગે. હવાને ઝેરીલી બનતાં રોકવા માટે અહીં મોટરકારના પરિવહન ઉપર ‘ઓડ-ઈવન’ જેવા નિયંત્રણો મૂકાવા સહિતના પગલાં લેવાયા હતા. હવાના આ વિકરાળ અને વિષાક્ત સ્વરુપનો અનુભવ આ વર્ષે ગુજરાતને પણ થયો. દિવાળીની રાત્રે રાજકોટમાં ‘એક્યુઆઈ’ 1000ને પાર કરી ગયો. શહેરની લગોલગ જે ખુલ્લા વિસ્તાર છે, જ્યાં ગીચતા નથી તે અટલ સરોવર- સ્માર્ટસિટીમાં પણ અત્યંત ધુમાડો અને શ્વાસ લેવામાં મુશ્કેલી થાય તેવું વાતાવરણ હતું. શહેરમાં દૃશ્યમાનતા- વિઝિબિલીટી તદ્દન ઓછી થઈ ગઈ હતી. આ સ્થિતિ જૂનાગઢ, જામનગર, ભાવનગરમાં પણ ઘણે અંશે હતી.

અમદાવાદમાં પણ ‘એક્યુઆઈ’ 400ને પાર થાય તો ગંભીર હાલત થાય છે. રાજકોટના ઈતિહાસમાં આટલું વધારે પ્રદૂષણ હોય તેવું પ્રથમવાર બન્યું છે. દમ-શ્વાસના દરદી ન હોય તેમને પણ મુશ્કેલી થઈ શકે. એક મુદ્દો એ પણ છે કે દિવાળી પૂર્વે ફટાકડાની કિંમતમાં વધારો, મોંઘવારી, નબળું વરસ એવી વાત સતત આવી હતી. ત્રણ દિવસમાં આ બધું અભેરાઈ પર ચડી ગયું.મોંઘવારી ધુમાડો બની ગઈ, લોકોએ ભરપૂર આનંદ કર્યો. ખરીદી પણ થઈ, લોકોએ પ્રવાસ પણ કર્યો. ફટાકડા પણ ફોડયા. રાજકોટમાં જ જો પ્રદૂષણ આટલું વધી જાય તેટલા ફટાકડા ફૂટયા હોય તો આખા રાજ્યમાં જે થયું તેના આંકડા તો કેવા અને કેટલા હશે?

ફટાકડા ફોડવામાં લોકોએ સંયમ રાખવો જોઈએ, પ્રતિબંધ આવવો જોઈએ એવી ચર્ચા થઈ રહી છે. સામે દલીલ એવી પણ છે કે શું ફક્ત ફટાકડાને લીધે જ પ્રદૂષણ છે? તહેવાર હોય ત્યારે જ આવું યાદ આવે? આ વિવાદનો વિષય નથી. તહેવાર સમયે પરિવહન પણ વધે તે સાચી વાત છે. પર્યાવરણની જાળવણી પણ અનિવાર્ય છે. પર્વ થોડા દિવસનું હોય, પર્યાવરણની દરકાર કાયમ કરવાની છે. સામાન્ય દિવસોમાં પણ વાહનોનો મર્યાદિત ઉપયોગ, વૃક્ષારોપણ જેવી કાળજી રાખવામાં આવે તો થોડા દિવસો પૂરતા પ્રદૂષણને પૃથ્વી થોડું વધારે ઝીરવી શકે. તેમ છતાં એક વાત નક્કી કે દિવાળીના ઉજાગરા પછી હવે પર્યાવરણ માટે જાગવાનો તો સમય છે જ.

ઇ-પેપરના નવા શુલ્ક