સૌરાષ્ટ્રમાં
દિવાળીની રંગેચંગે ઉજવણી : પરિવાર સાથે ફટાકડા ફોડી લોકોએ માણ્યો તહેવારનો આનંદ; રાજકોટમાં
આતશબાજીની સાથે ગરબાની રમઝટ પણ જામી
પડતર
દિવસે લોકોએ ઉતાર્યો ઉજવણીનો થાક; આજે નૂતન વર્ષની ઉજવણી
પ્રકાશના
પર્વ દિવાળીની ઉજવણીને લઈને સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા
મળ્યો હતો. દિવાળીના પર્વે શહેરોથી લઈને ગામડાંઓ સુધી લોકોમાં અનેરો આનંદ છવાયો હતો.
સાંજ પડતાં જ ઘરો, શેરીઓ, બજારો અને મુખ્ય માર્ગો રંગબેરંગી રોશનીથી ઝગમગી ઉઠયાં હતાં,
જ્યારે રાત્રિના સમયે ફટાકડાની આતશબાજીએ આકાશને રંગબેરંગી નજારાઓથી ભરી દીધું હતું.
રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, પોરબંદર, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ અને
દ્વારકા સહિત સૌરાષ્ટ્રભરમાં દિવાળીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી. દિવાળીની રાત્રે
બાળકોથી લઈને યુવાનો અને વડીલો સુધી સૌ કોઈએ પરિવારજનો સાથે ફટાકડા ફોડીને પર્વની ખુશીઓ
વ્યક્ત કરી હતી. (નિશુ કાચા)
રાજકોટ,
તા.9 : પ્રકાશના પર્વ દિવાળીની સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં આનંદ, ઉમંગ અને ઉલ્લાસભેર
ઉજવણી કરવામાં આવી હતી. દિવાળીના પર્વને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
મોંઘવારી જાણે ધુમાડો બની ગઈ હોય તેવા માહોલમાં લોકોએ પરિવારજનો સાથે ફટાકડા ફોડી,
રંગબેરંગી આતશબાજી કરી અને તહેવારની ખુશીઓ વહેંચી હતી. શહેરોથી લઈને ગામડાં સુધી દિવાળીની
રોનક જોવા મળી હતી.
દિવાળીની
સાંજથી જ લોકોમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો. ઘરઆંગણે દીવડાં પ્રગટાવી અને રંગોળી
સજાવી લોકોએ પ્રકાશના પર્વનું સ્વાગત કર્યું હતું. સાંજ પડતાં જ ફટાકડા ફોડવાની શરૂઆત
થઈ હતી, જે મોડી રાતથી વહેલી સવાર સુધી ચાલુ રહી હતી. આકાશમાં રંગબેરંગી આતશબાજીના
નજારા સર્જાયા હતા તો બીજી તરફ ફટાકડાના ધૂમધડાકાથી વાતાવરણ ગુંજી ઊઠયું હતું.
રાજકોટમાં
દિવાળીની ઉજવણીનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. લોકોએ પરિવાર અને મિત્રો સાથે ફટાકડા
ફોડીને આનંદ માણ્યો હતો. એટલું જ નહીં, અનેક લોકોએ ગરબે ઘૂમીને પણ તહેવારની ખુશીઓ વ્યક્ત
કરી હતી. દિવાળીની રાત્રે આતશબાજી અને ગરબાની રમઝટે ઉત્સવના માહોલને વધુ રંગીન બનાવ્યો
હતો.
દિવાળીના
બીજા દિવસે પડતર દિવસ એટલે કે ધોકો હોવાથી લોકોએ આરામ કરીને ઉજવણીનો થાક ઉતાર્યો હતો.
મોડી રાત સુધી જાગવાના કારણે લોકો સવારથી જ ઘરમાં રહ્યા હતા. બપોર સુધી શહેરના મુખ્ય
માર્ગો અને બજારોમાં સામાન્ય દિવસોની સરખામણીએ ઓછી ચહલપહલ જોવા મળી હતી. જોકે, બપોર
બાદ ધીમે ધીમે લોકોની અવરજવર શરૂ થઈ હતી.
દિવાળીના
તહેવાર દરમિયાન અગાઉ પ્રવાસે ગયેલા અનેક લોકો પરત ફર્યા હતા અને પરિવારજનો સાથે તહેવારની
ઉજવણીમાં જોડાયા હતા. પોતાના વતન અને પરિવાર વચ્ચે દિવાળીની ખુશીઓ માણવાનો આનંદ તેમના
ચહેરા પર જોવા મળ્યો હતો.
આવતીકાલે
નૂતન વર્ષની ઉજવણી થવાની હોવાથી લોકોમાં અત્યારથી જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બેસતા
વર્ષના દિવસે કોઈ કારણસર રૂબરૂ મળી ન શકાય તેવા પરિવારજનો, સગાંસંબંધીઓ અને મિત્રોને
કેટલાક લોકોએ આજથી જ શુભેચ્છાઓ પાઠવવાનું શરૂ કર્યું હતું. લોકો એકબીજાના ઘરે જઈને
શુભકામનાઓ પાઠવી રહ્યા હતા.
દિવાળીની
ઉજવણી બાદ હવે નૂતન વર્ષના સ્વાગતની તાલાવેલી છે. બેસતા વર્ષના દિવસે મંદિરોમાં દર્શન,
વડીલોના આશીર્વાદ, સ્નેહીજનો સાથે મુલાકાત અને શુભેચ્છાઓની આપ-લે સાથે નવા વર્ષની શરૂઆત
થશે. સૌરાષ્ટ્રમાં પણ નવા વર્ષને આવકારવા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.