• મંગળવાર, 25 જૂન, 2024

મહિલા પહેલવાનો ‘કુસ્તી’ હાર્યા!

આંતરરાષ્ટ્રીય સ્તરના મહિલા કુસ્તીબાજોએ આખરે પરોક્ષ રીતે આ લડાઈમાં હાર માની લીધી હોવાની છાપ આખા દેશમાં પ્રસરી છે. ભાજપના સાંસદ અને કુસ્તી સંઘના પૂર્વ પ્રમુખ બૃજભૂષણ શરણસિંહ વિરુદ્ધ જાતીય શોષણ, અભદ્ર માગણી સહિતના આરોપ છે. મહિલા રેસલર તથા રમતક્ષેત્રના અન્ય લોકોએ તેમની વિરુદ્ધ એક મોરચો માંડયો હતો. છ માસ પછી પણ જો કે તેમને કોઈ ન્યાય મળ્યો નથી. બૃજભૂષણ શરણસિંહની સામે કોઈ કાર્યવાહી કરવાની હિંમત પોલીસે કરી નહોતી. લડાઈ હજી ચાલુ છે તેવું જાહેર થયું છે પરંતુ જેમણે આગેવાની લીધી હતી તે વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયાએ હથિયાર હેઠાં મૂકી દીધાં છે.

આ ત્રણેય રેસલર્સ ભારતીય રેલવેમાં નોકરી કરે છે. જાતીય શોષણનો મામલો બહાર આવ્યો ત્યારથી તેઓ આ લડતના આગેવાન રહ્યા હતા. છેલ્લે સુધી તેમણે સરકારને અને પ્રશાસનને પડકાર્યું હતું. પોલીસ દમનને પણ વશ થયા નહોતા. 8 જાન્યુઆરીએ દિલ્હીના જંતર મંતર ખાતે તેમણે ધરણા શરૂ કર્યાં હતા. 21 જાન્યુઆરીએ આ બાબતની તપાસ માટે એક કમિટિ રચાઈ પરંતુ તેનો રિપોર્ટ હજી સુધી બહાર આવ્યો નથી. તે પછીની ઘટનાઓ તો વિવિધ માધ્યમોથી દેશભરમાં જાણીતી છે. 3 મેએ પોલીસ સાથે આ પહેલવાનોને ઘર્ષણ પણ થયું હતું. હજી ત્રણ દિવસ પહેલાં તો ખાપ પંચાયતે સમર્થન આપ્યું હતું.

મહિલા પહેલવાનોનો જુસ્સો તોડવા અનેક પ્રયાસ થયા પરંતુ તેઓ ચલિત થયા નહોતા. દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે તેમની મુલાકાત થઈ. આજે અચાનક જ આંદોલન કરનાર ત્રણેય મહિલાઓએ રેલવેની પોતાની નોકરી પુન: શરૂ કરી દીધી. જેમની સામે આરોપ છે તેમને હજી કંઈ થયું જ નથી. હા, બૃજભૂષણ વિરુદ્ધની ફરિયાદ પાછી ખેંચી લીધી છે તે વાતને તેમણે અફવા ગણાવી છે. પરંતુ પુન: ફરજ પર જવું તે શરણાગતિનો જ એક સંકેત છે તેવું કોઈને સમજાવવાની જરૂર નથી. અન્ય રમતવીરો, કેટલાક વિપક્ષો પણ પછી તો તેમની સાથે હતા પરંતુ આખરે તેમણે આ લડતને વળાંક આપવો પડયો છે. વાસ્તવમાં આ પ્રશ્ન ફક્ત રેસલરનો નહોતો. સમગ્ર નારીજાતિનો, તેમના આત્મગૌરવનો હતો. ફિલ્મમાં કોઈ ઐતિહાસિક ઘટના કે પાત્ર વિશે કાલ્પનિક કંઇ દર્શાવાયું હોય તો ટોળાં લઈને નીકળી પડતા સુધારકો અહીં મૌન રહ્યા. ત્રી સશક્તિકરણની વાતોના કોલાહલ વચ્ચે આ રમત વીરાંગનાઓનો અવાજ સંભળાયો નહીં. જો કે તેમની પોતાની મક્કમતા પણ થોડી ઓછી પડી કહી શકાય.

ખેડુતોનું આંદોલન કચડવાના પણ પ્રયાસ તો સખત, સઘન થયા હતા પરંતુ તેઓ સતત મથ્યા હતા. દરેક આંદોલનના નસીબમાં મક્કમ અને મજબૂત નેતા નથી હોતા. ભૂતકાળના હોય કે આજના આંદોલન હોય, તેને તોડવા માટેની તાકાતો તો મજબૂત જ હોય છે.

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક