જૂનાગઢ, તા.30 : ગિરનાર શક્તિ
પીઠ અંબાજી મંદિર અને ભીડભજન જગ્યાના ગાદીપતિના વિવાદમાં જિલ્લા કલેક્ટરે બે જગ્યાને
બદલે દત્ત શિખર જગ્યાને સાથે ગણી ત્રણેયનો વહીવટ સરકાર હસ્તક લેતા નવો વિવાદ ઉદ્ભવ્યો
છે. આ ભૂલ સુધારવા મહંત મહેશગીરીએ જિલ્લા તંત્રને એક દિવસની મહેતલ આપી છે નહીં તો અન્ય
રાજ્યો સુધી રોષ ફાટી નીકળશે તેવી ચીમકી ઉચ્ચારી છે.
ગિરનારની ટોચે આવેલ ગુરુ દત્તાત્રેય
શિખર આવેલ છે. તેનું ટ્રસ્ટ જ અલગ છે. ત્રણ ટ્રસ્ટી પૈકી એકનું નિધન થતાં અત્યારે બે
ટ્રસ્ટી સંચાલન કરે છે તેમાં મહંત તરીકે મહેશગીરી છે. સરકાર દ્વારા અંબાજી મંદિરની
ગાદીના વિવાદને શાંત પાડવા, જિલ્લા કલેક્ટર દ્વારા સરકારની સૂચના મુજબ અંબાજી, ભીડભંજનની
સાથે દત્ત શિખરને સરકાર હસ્તક લેવાનો નિર્ણય કર્યો છે, જે અયોગ્ય છે.આ અંગે મહંત મહેશગીરીએ
જણાવ્યું કે, સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયમાં ક્યાંક કાચુ કપાયું છે, કારણ કે દત્ત
શિખરનું અલગ ટ્રસ્ટ છે આ પ્રક્રિયાના ભાગ રૂપે તેણે ચેરિટી કમિશનરને અભિપ્રાય લઇ સમગ્ર
પ્રક્રિયા કરવાની જરૂર હતી પરંતુ ચેરિટી કમિશનર જ રજા ઉપર હોઈ કચેરીના કર્મચારીઓએ કલેક્ટરને
ગેરમાર્ગે દોર્યાની શકયતા દેખાય છે.
આ ભૂલ ઇરાદાપૂર્વકની નથી પણ થઈ
છે તે સુધારવા માટે જિલ્લા વહીવટી તંત્રને એક દિવસની મુદત આપવામાં આવી છે. જો આ ભૂલ
ન સુધરાઈ તો તેનાં અન્ય રાજ્યોમાં ઘેરા પડઘા પડવાની દહેશત વ્યક્ત કરી છે. આ સ્થિતિ
સર્જાય તો મને જવાબદાર ન ગણતા તેમ જણાવ્યું હતું. અંબાજી અને ભીડભંજનની ગાદીનો વિવાદ
શાંત કરવા સરકારે નિર્ણય કર્યો છે તે સામે મારો વાંધો નથી, પણ જે ટ્રસ્ટ જ અલગ છે તેને
આ નિર્ણય સાથે જોડી, સરકારે નવો વિવાદ ઉભો કર્યો છે તે સામે ગિરનારના સંતોમાં પણ રોષ
જોવા મળે છે.