જેતપુર, તા.9: જેતપુર તાલુકાના
બાવાપીપળિયા અને ખારચિયા ગામની સીમ વિસ્તારની વચ્ચે આવેલા એક ખુલ્લા કુવામાં સિંહ પડી
જતા તેનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. ફોરેસ્ટ ખાતાએ સિંહના મૃતદેહને બહાર
કાઢી પીએમ માટે જૂનાગઢ સક્કરબાગ ખાતે લઇ જવામાં આવ્યો હતો.
ગીર અભયારણને અડીને આવેલા જેતપુર
પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ઘણા સમયથી સિંહ પરિવારોએ વસવાટ કર્યો છે. જેમાં અસંખ્યવાર
સિંહ પરિવારો ગામમા ઘૂસીને પાલતુ પશુઓના શિકાર કરતા હોવાના સીસીટીવી વાયરલ થયા છે.
ખેડૂતોએ અસંખ્યવાર લાગતા વળગતા
વિભાગોમાં સિંહોને જંગલ તરફ ખસેડી જવાની રજૂઆતો કરી છે પરંતુ આવી રજૂઆતો તરફે કોઇ કચેરીએ
ક્યારેય ધ્યાન આપ્યું નથી. તેવુ લોકો કહી રહ્યા છે.
બાવા પીપળિયા અને ખારચિયા ગામના
સીમ વિસ્તારમાં આવેલા ચંદલિયાની ધાર પર આવેલી અશોકભાઇ પંડયાની વાડીના ખુલ્લા કૂવામાં
સોમવારે એક પુખ્તવયના સિંહનો દુર્ગધ મારતો મૃતદેહ તરતો હતો. જેથી ભાગ્યું વાવતા મગનભાઇએ
ફોરેસ્ટ ખાતાને જાણ કરતા ફોરેસ્ટ ખાતાના ડીએફસી, આરએફઓ સહિતના અધિકારીઓ તરત જ સ્થળ
પર પહોંચ્યા હતા અને સિંહના મૃતદેહને બહાર કઢાવી તેનું મોતનું કારણ જાણવા પીએમ માટે
જૂનાગઢ સક્કરબાગ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા.